શીના બોરા મર્ડરકેસની તપાસ રાજ્ય સરકારે CBIને સોંપી

19 September, 2015 03:52 AM IST  | 

શીના બોરા મર્ડરકેસની તપાસ રાજ્ય સરકારે CBIને સોંપી



ધર્મેન્દ્ર જોરે


આ કેસની તપાસ આખરી તબક્કામાં હોવાનું કહેવાતું હતું, પરંતુ ગયા અઠવાડિયે રાકેશ મારિયાને બઢતી આપીને મુંબઈના પોલીસ-કમિશનરપદે અહમદ જાવેદને નિયુક્ત કરવામાં આવ્યા ત્યારથી કેસની તપાસ અટકી ગઈ હોવાનું જણાવાતું હતું. આ મર્ડરકેસની તપાસ રાકેશ મારિયા પોતે કરતા હતા અને કેસનો ભેદ ઉકેલવા તથા કડીઓ મેળવવાનું કામ મારિયાએ તેમના વિશ્વાસુ અધિકારીઓને સોંપ્યું હતું.

ગઈ કાલે રાજ્ય સરકારનો આ નિર્ણય જાહેર કરતાં કે. પી. બક્ષીએ જણાવ્યું હતું કે ‘શીના બોરા મર્ડરકેસની તપાસ કોઈ પણ પૂર્વગ્રહ વિના અને રાજ્યના પોલીસ તથા અન્ય વિભાગોના અધિકારીઓની દખલ વિના પાર પડે એ માટે કેસની તપાસ CBIને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

જોકે તપાસ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી હોય એવા આ કેસમાં તપાસ સાથે નહીં સંકળાયેલા કેવા પ્રકારના અધિકારીઓ કેવા પ્રકારની દખલગીરી કરે છે એ બાબતે કે. પી. બક્ષીએ ફોડ પાડીને કશું કહ્યું નહોતું. રાજ્ય સરકારને પોલીસ મહાનિયામક સંજીવ દયાળે સુપરત કરેલા શીના બોરા મર્ડરકેસના સ્ટેટસ રિપોર્ટમાં તપાસ CBIને સોંપવાની ભલામણ કરવામાં આવી હોવાનું બક્ષીએ જણાવ્યું હતું.

મારિયાની ટ્રાન્સફર વિશે સ્પષ્ટતા કરતાં કે. પી. બક્ષીએ જણાવ્યું હતું કે ‘પોલીસ કમિશનરપદેથી રાકેશ મારિયાની ટ્રાન્સફર રૂટીન પ્રોસેસના ભાગરૂપે કરવામાં આવી હતી. એ પગલાને શીના બોરા મર્ડરકેસ સાથે કોઈ સંબંધ નથી.’

સૂત્રોએ જણાવ્યું હતું કે ‘તપાસ-અધિકારીઓ આ કેસમાં આચરવામાં આવેલા આર્થિક ગુના વિશે આંચકો આપનારી વિગતો જાહેર કરવાની તૈયારીમાં છે. આર્થિક ગુનાની તપાસના છેડા અનેક હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓ સુધી પહોંચવાની શક્યતા હોવાથી મોટાં માથાં ગણાતી અનેક વ્યક્તિઓ ધ્રૂજી ઊઠે એવી શક્યતા છે.’

૨૦૧૨ની ૨૪ એપ્રિલે શીના બોરાની હત્યા કર્યા પછી બીજા દિવસે તેનો મૃતદેહ રાયગડ જિલ્લાના પેણ તાલુકાના ગાગોડે બુદ્રુક ગામની સીમમાં ઝાડી વચ્ચે બાળી નાખવામાં આવ્યો હતો અને એકાદ મહિના બાદ દુર્ગંધને કારણે એ મૃતદેહની જાણ સ્થાનિક લોકોને થતાં પેણ પોલીસને એની જાણ કરવામાં આવી હતી. મૃતદેહ વિશે કોઈ કડી ન મળતાં તપાસ આગળ નહોતી વધી, પરંતુ તાજેતરમાં ઇન્દ્રાણી મુખરજીના ડ્રાઇવર શ્યામ રાયની ગેરકાયદે શસ્ત્ર રાખવા બદલ ધરપકડ કર્યા પછીની પૂછપરછ દરમ્યાન શીના બોરા મર્ડરકેસ પ્રકાશમાં આવ્યો હતો. ત્યાર પછી એ કેસમાં શ્યામ રાય ઉપરાંત શીનાની મમ્મી ઇન્દ્રાણી અને ઇન્દ્રાણીના ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્નાની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની ૧૪ દિવસ પૂછપરછ કરી હતી ત્યાર બાદ તેઓ જુડિશ્યલ કસ્ટડીમાં છે.