રશ્મિ શુક્લાએ રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરીને ફોનટૅપિંગની મંજૂરી મેળવી હતી: નવાબ મલિક

30 July, 2021 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું રશ્મિ શુક્લાએ તત્કાલીન મુખ્ય પ્રધાનની પરવાનગી લીધી હતી? એમ ૨૦૧૪-’૧૯ દરમિયાન મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફડણવીસ તરફ આડકતરો ઇશારો કરતાં નવાબ મલિકે સવાલ કર્યો હતો

નવાબ મલિક

સિનિયર આઇપીએસ અધિકારી રશ્મિ શુક્લાએ બૉમ્બે હાઈ કોર્ટને એવું જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે પોલીસ ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં ભ્રષ્ટાચારની ફરિયાદોની ખરાઈ કરવા માટે તેમને કેટલાક ફોન-નંબર આંતરવા માટે ગયા વર્ષે પરવાનગી આપી હતી.

આના એક દિવસ બાદ રાજ્યના પ્રધાન નવાબ મલિકે જણાવ્યું હતું કે સંમતિ મેળવવા દરમિયાન રશ્મિ શુક્લાએ સરકારને ગેરમાર્ગે દોરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યા પ્રમાણે રશ્મિ શુક્લાએ ફોન ટૅપ કરવા માટે રાજદ્રોહનું કારણ આગળ ધર્યું હતું અને સરકારને ગેરમાર્ગે દોરીને પરવાનગી મેળવવામાં આવી હતી.

શું રશ્મિ શુક્લાએ તત્કાલીન મુખ્ય પ્રધાનની પરવાનગી લીધી હતી? એમ ૨૦૧૪-’૧૯ દરમિયાન મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફડણવીસ તરફ આડકતરો ઇશારો કરતાં નવાબ મલિકે સવાલ કર્યો હતો. નવાબ મલિકે અગાઉ રશ્મિ શુક્લા બીજેપીની નિકટ હોવાનો દાવો કર્યો હતો.

રશ્મિ શુક્લાએ દેશદ્રોહ અને રાષ્ટ્રના હિતને આગળ ધરીને ફોન ટૅપ કરવાની પરવાનગી મેળવી હતી, પણ વાસ્તવમાં બીજેપીના રાજકીય વિરોધીઓના ફોન ટૅપ કર્યા હતા એમ નવાબ મલિકે કહ્યું હતું.

રશ્મિ શુક્લાના વકીલ મહેશ જેઠમલાણીએ અદાલતને જણાવ્યું હતું કે રશ્મિ શુક્લા રાજ્યનું ગુપ્તચર ખાતું સંભાળી રહ્યાં હતાં ત્યારે કેટલાક ફોન-નંબર પર દેખરખ રાખવા માટે મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસે તેમને સૂચના આપી હતી. અદાલતે ગેરકાયદે ફોનટૅપિંગ અને સંવેદનશીલ દસ્તાવેજો લીક કરવાના કેસમાં મુંબઈ પોલીસના સાઇબર સેલ દ્વારા રશ્મિ શુક્લા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા એફઆઇઆરને પડકારતી રશ્મિ શુક્લાની પિટિશનની સુનાવણી હાથ ધરી હતી.

mumbai mumbai news nawab malik devendra fadnavis