ડાયમન્ડ વર્કરોએ સરકાર અને વેપારીઓને કરી અપીલ...

05 June, 2023 08:05 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કોરોના જેવી પરિસ્થિતિ થાય એ પહેલાં હીરાના કારીગરોને બચાવી લો

ફાઇલ તસવીર

મંદીને કારણે સુરતની એક જાણીતી કંપનીએ ૫૪ કારીગરોને છૂટા કરી દેતાં ચિંતાનું મોજું ફરી વળ્યું. ડાયમન્ડ વર્કર્સ યુનિયનનું કહેવું છે કે મહામારી વખતે આર્થિક સંકડામણને લીધે ભીંસમાં આવી ગયેલા વર્કરોમાંથી અમુકે માનસિક સંતુલન ગુમાવીને આત્મહત્યા કરી હતી એવી સ્થિતિ ફરી નિર્માણ ન થાય એ માટે અત્યારથી પગલાં લેવાં જોઈએ

સુરત વિશ્વભરમાં રફ હીરાને પૉલિશ કરીને પૉલિશ્ડ ડાયમન્ડ તૈયાર કરવાનું નંબર વન હબ છે. એથી એને હીરાનું મૅન્યુફૅક્ચરિંગ હબ પણ કહેવાય છે અને લાખો કારીગરો એમાં કામ કરે છે. રશિયા અને યુક્રેન વૉરને કારણે વૈશ્વિક બજારમાં મંદી હોવાથી હીરાબજારમાં કામ ઓછું છે અને સુરતની એક જાણીતી કંપનીએ તો એના ૫૪ કારીગરોને છૂટા કરી દીધા છે ત્યારે આગળ જતાં શું થશે એની ચિંતા હીરાના કારીગરોને કોરી ખાય છે. ડાયમન્ડ વર્કર્સ યુનિયનનું કહેવું છે કે કોરોના વખતે આર્થિક સંકડામણને કારણે ઘણા કારીગરોએ ભીડમાં આવી જઈ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી નાખ્યું હતું. એવી પરિસ્થિતિ ફરી જોવા ન મળે એટલા માટે સરકાર અને હીરાબજારના ઉદ્યોગપતિઓ આ કારીગરો માટે સાથે મળીને આગળ આવે અને તેમના ડૂબતા પરિવારોને બચાવી લે એ જરૂરી છે.    

આ વિશે માહિતી આપતાં સુરતના ડાયમન્ડ વર્કર્સ યુનિયનના વાઇસ પ્રેસિડન્ટ ભાવેશ ટાંકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરતમાં લગભગ ત્રણ લાખ જેટલા કારીગરોને મંદીએ પોતાના ભરડામાં લીધા છે. મૂળમાં રશિયા અને યુક્રેન વૉરને કારણે બેલ્જિયમે રશિયાના હીરા પર બંધી મૂકી દીધી છે એટલે એની આ અસર ચાલી રહી છે. રફમાંથી પૉલિશ્ડ કરીને હીરા તૈયાર તો થઈ જાય છે, પણ એ સામે એટલા પ્રમાણમાં વેચાવા પણ જોઈએ. એના પર હાલ બ્રેક લાગી ગઈ છે. એથી હાલ કામ ઓછું થઈ જવાથી કારીગરોની હાલત કફોડી થઈ ગઈ છે. પહેલાં તો કામના કલાકો ઘટાડી દીધા હતા. જે કારીગરો પહેલાં રોજના ૧૦થી ૧૨ કલાક કામ કરતા હતા તેમનું કામ ઘટાડીને છથી આઠ કલાક કરી દેવાયું હતું. વળી શનિ-રવિ રજા આપી દે છે. ઉનાળુ વેકેશન પહેલાં ૧૦ દિવસનું રહેતું હતું એ હવે લંબાવીને ૨૦ દિવસનું કરી નાખ્યું છે. વળી કારખાનાના માલિકો દ્વારા રજાનો પગાર આપવામાં આવતો નથી. એથી કારીગરોની માસિક આવકને જોરદાર ફટકો પડે છે. ઘણા કારીગરો નંગ પર કામ કરતા હોય છે, જ્યારે ઘણા કારીગરોને પગારના ધોરણે રાખવામાં આવતા હોય છે. એ બધાને આ મંદીની માઠી અસર થાય છે. ઑલરેડી હાલત ખરાબ છે. જો આવું જ ચાલ્યું તો દિવાળી બદતર થઈ જશે એમાં કોઈ શંકા નથી.’

દિવાળી બાદ તરત જ સુરત ડાયમન્ડ બુર્સ શરૂ થવાનું હોવાથી એ સમયે કફોડી હાલત ન થાય એ માટે ભાવેશ ટાંકે કહ્યું હતું કે ‘સરકાર બુર્સના વેપારીઓને બને એટલી સહાય કરે છે, છૂટ આપે છે. જોકે કારીગરો સામે કોઈ જોતું નથી. કારીગરો માટે તો મહિને જે પગાર મળે એ જ તેમની આવકનો મુખ્ય સોર્સ હોય છે. સામે તેમણે બાળકોનું ભણતર, માતા-પિતાની દવા, ઘરખર્ચ એ બધું જ બાંધી આવકમાં કરવાનું હોય છે. આવક ઓછી થઈ જતાં એ કારીગરો ચિંતામાં આવી ગયા છે. અમે એ માટે શ્રમ રોજગાર મંત્રાલયમાં રજૂઆત કરી છે અને હીરાના કારીગરો માટે ૧,૦૦૦ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કરાય એવી માગ કરી છે. જો કારીગરો પાસેથી પ્રોફેશનલ ટૅક્સ લેવાતો હોય તો સરકારે તેમને મુસીબતમાં પણ સાથ આપવો જોઈએ અને ઉદ્યોગપતિઓએ પણ આગળ આવવું જોઈએ. કોરોના વખતે જે રીતે આર્થિક ભીડમાં આવી જઈ માનિસક સંતુલન ગુમાવીને અનેક કારીગરોએ આત્મહત્યા કરી હતી એવું આ મંદીને કારણે ફરી ન બને એ માટે સરકાર અને ઉદ્યોગપતિઓએ આગળ આવીને પગલાં લેવાં પડશે. જો એવું કંઈ નહીં થાય તો કારીગરોની હાલત કફોડી બની જશે.’ 

mumbai mumbai news bandra kurla surat bakulesh trivedi