ટ્રિપલ બ્લાસ્ટનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશન દ્વારા આર્થિક સહાય

22 October, 2011 07:37 PM IST  | 

ટ્રિપલ બ્લાસ્ટનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશન દ્વારા આર્થિક સહાય



મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશન તરફથી ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે ઑપેરા હાઉસના પંચરત્ન બિલ્ડિંગના ભોંયતળિયે આવેલા ડાયમન્ડ હૉલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વિશે મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ મહેન્દ્ર ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનનાં બે ટ્રસ્ટ છે. એક ચૅરિટી ટ્રસ્ટ છે અને બીજું રિલીફ ફન્ડ ટ્રસ્ટ છે. એમાં અમે રિલીફ ફન્ડ ટ્રસ્ટના નેજા હેઠળ જુલાઈ મહિનામાં મુંબઈમાં થયેલા ટ્રિપલ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો તથા શારીરિક રીતે અક્ષમ બનેલા લોકોને આર્થિક સહાય કરવાનું નક્કી કર્યું હતું. અમે હીરાબજારના વેપારીઓને ચૅરિટી માટે આહ્વાન કર્યું હતું, જેમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે આગળ આવીને અમને સારોએવો સહકાર આપ્યો હતો અને ઘણી મોટી રકમ એકઠી થઈ હતી. એ રકમમાંથી અમે ગઈ કાલે ટ્રિપલ બ્લાસ્ટનો ભોગ બનેલા લોકોના પરિવારને આર્થિક સહાય આપી હતી. એમાં મૃત્યુ પામેલા કુલ ૨૭ લોકોમાંથી ૨૦ જણના પરિવારે આ મદદનો સ્વીકાર કર્યો હતો, જ્યારે જખ્મી થયેલા લોકોમાંથી ત્રણ લોકોએ ગઈ કાલે હાજરી પુરાવી આર્થિક મદદનો સ્વીકાર કર્યો હતો.’

નાતજાતના ભેદભાવ વગર અમે બ્લાસ્ટનો ભોગ બનેલા લોકોને મદદ કરી છે એવું જણાવતાં મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનના માનદ મંત્રી ભરત શાહે (ઘડિયાલી) ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઝવેરીબજાર, ઑપેરા હાઉસ અને દાદરમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા કુલ ૨૭ લોકોના સ્વજનોને અમે એક-એક લાખ રૂપિયાનો ચેક આપવાનું નક્કી કર્યું હતું, પણ એમાંથી ગઈ કાલે ફક્ત ૨૦ જણના સ્વજનો જ આવ્યા હતા; જ્યારે શારીરિક રીતે અક્ષમ બનેલા લોકોમાંથી ગઈ કાલે ફક્ત ૩ જણ જ આવ્યા હતા. એમાં બન્ને પગ ગુમાવી દીધા હોય તેમને પચાસ હજાર રૂપિયા, એક પગ અથવા એક હાથ ગુમાવ્યો હોય તેને પચીસ હજાર રૂપિયા એમ અમુક રકમ નક્કી કરી હતી એ મુજબ તેમને આપી હતી.’

આ કાર્યક્રમ બાબતે વધુ માહિતી આપતાં ભરતભાઈએ કહ્યું હતું કે ‘બ્લાસ્ટનો ભોગ બનેલા લોકોમાંથી અમારી પાસે જેટલા લોકોના સંપર્ક નંબર હતા તેમને અમે કૉન્ટૅક્ટ કરી બોલાવ્યા હતા અને જે લોકોના નંબર નથી મળ્યા એ લોકોને પણ શોધવાનું અમારું કામ ચાલુ છે. એ સિવાય કોઈ સામેથી પણ મદદ માટે આવ્યું તો અમે તેમને આર્થિક મદદ કરીશું એટલું જ નહીં, ભવિષ્યમાં પણ દાતાઓ પાસેથી જેમ-જેમ ભંડોળ એકઠું થતું જશે એમ ટ્રિપલ બ્લાસ્ટના ભોગ બનેલા લોકોને વધુ ને વધુ સહાય આપવાનો પ્રયાસ ચાલુ રહેશે. બ્લાસ્ટનો ભોગ બનેલા જે લોકોના પરિવાર ગઈ કાલના અમારા કાર્યક્રમમાં આવી નહોતા શક્યા એ લોકો મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનના રિલીફ ફન્ડની ઑફિસમાં ૨૩૬૯ ૫૫૯૯ નંબર પર ફોન કરીને વધુ માહિતી મેળવી શકે છે.’