બેસ્ટ અને બીએમસીની ખો-ખોમાં હીરાબજારના વેપારીઓનો દાવ લેવાય છે

11 May, 2022 07:46 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

બાંદરા-ઈસ્ટમાં સ્ટેશનની બહાર નાળાના કામમાં માત્ર સેફ્ટી વૉલ બાકી હોવાને લીધે બે વર્ષથી અહીંથી બંધ બસ-સર્વિસ હજી સુધી ચાલુ નથી કરાઈ રહી

નાળાના આ ભાગ પર સેફ્ટી વૉલ બાંધવાની હજી સુધી બાકી છે

મુંબઈ ઃ છેલ્લાં બે વર્ષથી પણ વધારે સમયથી બાંદરા-ઈસ્ટમાં સ્ટેશનની બહારથી બીકેસી, કુર્લા કે પછી બાંદરા ગવર્નમેન્ટ કૉલોની જવા માટે નાળાના કામને લીધે બેસ્ટની સર્વિસ કોર્ટની સામે આવેલા બાંદરા-ઈસ્ટ બસ-સ્ટેશનમાંથી ચલાવવામાં આવે છે. એને કારણે રોજના હજારો પ્રવાસીઓએ અને એમાં પણ ખાસ કરીને હીરાબજારમાં જતા વેપારીઓએ જબરદસ્ત હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આમ તો નાળાનું કામ ઘણા સમયથી થઈ ગયું છે. આમ છતાં સ્ટેશનથી બસ શરૂ ન કરવાનું કારણ બેસ્ટ અને બીએમસી વચ્ચે સમન્વયનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે. માત્ર આ કારણને લીધે રોજ લોકોએ હેરાનગતિની સાથે મોંઘવારીના સમયમાં આર્થિક ભારનો પણ સામનો કરવો પડે છે. બીકેસીના હીરાબજારમાં જવા-આવવા માટે જ્યાં લોકોએ માત્ર દસથી બાર રૂપિયા જ ખર્ચવાની જરૂર છે ત્યાં બસ ન મળવાને લીધે બધાએ રોજના ૬૦થી ૧૨૫ રૂપિયા ખર્ચવા પડે છે. મોટા ભાગના વેપારીઓને ઉનાળામાં બસ-સ્ટેશન સુધી જવાનો કંટાળો આવતો હોવાથી રિક્ષાનો સહારો લેવો પડે છે.
હીરાબજારના વેપારીઓને બાંદરા સ્ટેશન-ઈસ્ટથી બીકેસી ભારત ડાયમન્ડ બુર્સ પહોંચવા માટે રેલવે સ્ટેશન સામેના નાળાની રીટેઇનિંગ વૉલ (સેફ્ટી વૉલ) બંધાઈ ન હોવાથી ત્યાંથી બસ ચાલુ નથી થઈ રહી. મૂળમાં બંને તરફથી વૉલ બંધાઈ ગઈ છે અને થોડોક જ ભાગ છે જે બાંધવાનો બાકી છે. એથી આ સંદર્ભે સ્ટ્રૉર્મવૉટર ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના ચમડાવાડી નાળાની સાઇટ પરના સબ-એન્જિનિયર ગિરીશ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ મૉન્સૂન માથા પર છે અને રીટેઇનિંગ વૉલનું બાકીનું કામ ઝડપથી પૂરું નહીં થઈ શકે એટલે અમે એ કામ નેક્સ્ટ સીઝનમાં એટલે કે ઑક્ટોબરમાં હાથ ધરવાના છીએ.’
તેમને જ્યારે એમ કહેવામાં આવ્યું કે મૉન્સૂનમાં જ લોકોને વધારેમાં વધારે હેરાનગતિનો ભોગ બનવું પડશે એથી એ વહેલી તકે બાંધો તો સારું જેથી બસ ચાલુ થઈ શકે. ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અમે ઑલરેડી બેસ્ટના અધિકારીઓ સાથે સ્પૉટ-વિઝિટ કરી જ છે. તેમના કહેવા મુજબ જ્યાં બસ-સ્ટૉપ આવવાનું છે ત્યાં સુધીની વૉલ બંધાઈ ગઈ છે અને તેમણે કહ્યું હતું કે બસ-સ્ટૉપ ઊભું કરવા અમને ફુટપાથ બનાવી આપો. એટલે અમે એ ફુટપાથ પણ બનાવી દીધી છે. અમે અમારું કામ કર્યું છે. બાકીની વૉલનું કામ દિવાળી પછી થશે. જો એ ખુલ્લા ભાગમાં હાલ ફૅન્સ લગાડવી હોય તો એ થઈ શકે એમ છે જેથી કોઈ નાળામાં પડી ન જાય.’
બાંદરા-ઈસ્ટનો સ્ટેશન સામેનો એ વિસ્તાર બેસ્ટના ધારાવી બસડેપો હેઠળ આવે છે. એથી ધારાવી બસડેપોના ડેપો-મૅનેજર માધવ ભંગારેએ કહ્યું હતું કે ‘બાંદરા સ્ટેશનથી હીરાબજાર, કુર્લા અને ગવર્નમેન્ટ કૉલોની જતા રૂટ્સની બસનાં ત્રણ બસ-સ્ટૉપ હોય છે. પીક-અવર્સમાં ત્યાં બહુ જ ગિરદી થતી હોય છે એથી નાળાની ખુલ્લી જગ્યાએ દીવાલ હોવી જરૂરી છે. ગિરદીમાં કોઈ નાળામાં પડી શકે છે અને અકસ્માત થઈ શકે છે. અમે એ નાળાની વૉલ બાંધવા સંદર્ભે ઘણાં ફૉલો-અપ કર્યાં છે. અમે બીએમસીના અધિકારીઓને કહ્યું છે કે ઍટ લીસ્ટ અમને ત્યાં ઍન્ગલ બાંધીને પતરાની આડી પટ્ટીઓ નાખી ફૅન્સ બાંધીને આડશ ઊભી કરી આપો જેથી લોકોની સેફ્ટી જળવાઈ રહે. અમે ઘણી રજૂઆત કરી, પણ કંઈ થતું નથી. જો તેઓ એ પણ કરી આપે તો અમે સ્ટેશનથી બસની સર્વિસ પહેલાંની જેમ જ શરૂ કરી શકીએ એમ છીએ.’
 માધવ ભંગારેએ એક એવું પણ કારણ આપ્યું છે કે ‘નાળાની સામેની તરફ હરી મસ્જિદ છે અને એથી તેઓ મસ્જિદની સામે (વેસ્ટ) સેફ્ટી દીવાલ બાંધી શકે એમ નથી. અમે અમારા પ્રયાસો કરી રહ્યા છીએ. હવે તેઓ દીવાલ બાંધે કે પછી ફૅન્સ લગાવે છે એ તેમણે જોવાનું છે.’ 

mumbai news mumbai bandra