હીરાબજારની પાર્ટી પંચાવન કરોડમાં કાચી પડી?

31 July, 2012 04:59 AM IST  | 

હીરાબજારની પાર્ટી પંચાવન કરોડમાં કાચી પડી?

બકુલેશ ત્રિવેદી

મુંબઈ, તા. ૩૧

ઑપેરા હાઉસના ડાયમન્ડ માર્કે‍ટની એક પાર્ટી પંચાવન કરોડ રૂપિયામાં કાચી પડી હોવાની ચર્ચા છેલ્લા એક અઠવાડિયાથી ચાલતી હતી, પણ રવિવારે આ પાર્ટી પાસે જેમના પૈસા ફસાયા છે તે દલાલો અને વેપારીઓ ભેગા થયા હતા અને શું કરવું એની ચર્ચા થઈ હતી. જોકે પાર્ટીનું કહેવું છે કે એને ધંધામાં ખોટ ગઈ છે એટલે એ હવે માત્ર ૧૧.૫૦ કરોડ રૂપિયા પાછા ચૂકવી શકે એમ છે. આ બાબતને લઈને વેપારીઓમાં ચિંતા ફરી વળી છે.

ડાયમન્ડના વેપારમાં મુખ્યત્વે જાંગડ પર માલ આપવાનું ચલણ હોવાથી માત્ર ચિઠ્ઠી પર લાખ્ખો-કરોડો રૂપિયાનો વ્યવહાર થતો હોય છે એટલે પોલીસ-ફરિયાદ કરવામાં આવી નથી. ડાયમન્ડ બજારના એક વેપારીએ આ બાબતે કહ્યું હતું કે ‘આ પાર્ટી પાસે બજારના નાના-નાના વેપારીઓનો માલ મોટા પ્રમાણમાં ફસાઈ ગયો છે. જેમની કૅપેસિટી ૧૦થી ૧૫ લાખ રૂપિયાની હોય એવા દલાલો કે વેપારીઓ ૩૦થી ૩૫ લાખ રૂપિયાનું રિસ્ક લઈને ધંધો કરતા હોય છે અને તેઓ જ આમાં ફસાઈ ગયા છે. કાચી પડેલી પાર્ટી હવે કેટલામાં સેટલમેન્ટ કરે છે એના પર અત્યારે વેપારીઓની નજર છે.’

લગભગ ૨૮૦  વેપારીઓનાં નાણાં આ પાર્ટી પાસે ફસાઈ ગયાં છે એમ જણાવીને ઑપેરા હાઉસના અન્ય એક વેપારીએ કહ્યું હતું કે ‘આ પાર્ટી અસોસિએશનમાં મોટું નામ ધરાવે છે. શનિવારે કેટલાક વેપારીઓ તેમને મળવા ગયા હતા. એવું સાંભળવા મળ્યું છે કે પાર્ટીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ધંધામાં નુકસાન ગયું છે અને મારી પાસે ૧૧.૫૦ કરોડની પ્રૉપર્ટી છે એ વેચીને હું સેટલમેન્ટ કરવા તૈયાર છું. જોકે આટલી ઓછી રકમમાં વેપારીઓ સેટલમેન્ટ કરવા તૈયાર નથી. કેટલાક વેપારીઓ તો બહુ ભીડમાં આવી ગયા છે. થોડા દિવસ પહેલાં જ મુંબઈ સેન્ટ્રલમાં રહેતા ડાયમન્ડ બજારના એક વેપારી નીતિન જોગાણીએ આવી જ રીતે ભીડમાં આવી જવાથી સુસાઇડ કરી લીધું હોવાનું કહેવાતું હતું. તેના એક પાર્ટી પાસે એક કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા એવી ચર્ચા હતી.’

પંચરત્નમાં દલાલી કરતા એક ભાઈએ કહ્યું હતું કે ‘કાચી પડેલી પાર્ટીને અંદાજ આવી ગયો હતો કે વેપારીઓ અને દલાલો આ બાબતે રોષે ભરાશે એટલે તેણે પહેલેથી જ પ્રોટેક્શ્ાનની વ્યવસ્થા કરી લીધી છે. તેણે પ્રોટેક્શનના મામલે એક પૉલિટિકલ પાર્ટીનો પણ સર્પોટ લીધો છે. હવે એ પાર્ટી કેટલામાં સેટલમેન્ટ કરે છે એના પર જ બધાની મીટ છે.’