ડાયમન્ડના વેપારીઓને વિશ્વાસમાં લઈને છેતર્યા

30 October, 2012 05:23 AM IST  | 

ડાયમન્ડના વેપારીઓને વિશ્વાસમાં લઈને છેતર્યા



ઝટપટ રૂપિયા કમાઈ લેવાની લાયમાં ઑપેરા હાઉસની ડાયમન્ડ માર્કેટમાં છેલ્લાં બે-અઢી વર્ષથી ડાયમન્ડનું ટ્રેડિંગ કરતા હેમિન હિંમતલાલ વોરાએ છેલ્લા બે મહિનાથી બજારના વેપારીઓ પાસેથી હીરા લઈ બજારમાં જ ઓછા ભાવે ફૂંકી માર્યા હતા અને રોકડી કરી લીધી હતી. વેપારીઓએ તેમના રૂપિયા અથવા ડાયમન્ડ પાછા માગ્યા ત્યારે તેણે હાથ ઊંચા કરી દીધા હતા અને નુકસાન થયું હોવાનું બહાનું આપીને ૨૫ ટકામાં સેટલમેન્ટ કરવાની તૈયારી બતાવી હતી. જોકે વેપારીઓએ એ ઑફર ઠુકરાવી દીધી હતી અને તેને પૂરા રૂપિયા ચૂકવવા સમય આપ્યો હતો. એ પછી પણ હેમિન રૂપિયા ચૂકવી નહોતો શક્યો એટલે વેપારીઓએ તેની સામે ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. અત્યારે હેમિન પોલીસથી નાસતો ફરી રહ્યો છે.      

હેમિનની છેતરપિંડીનો ભોગ બનનારા ડાયમન્ડ માર્કેટના વેપારી નવીન અદાણીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મૂળ સુરતના ગોપીપુરામાં રહેતો હેમિન વોરા ઉર્ફે‍ શાહ સુરતમાં અને મુંબઈના ઑપેરા હાઉસની માર્કે‍ટમાં ડાયમન્ડનું ટ્રેડિંગ કરતો હતો. મુંબઈમાં તે માધવબાગ પાસે ભાડાની રૂમમાં રહેતો હતો, જ્યારે તેનો પરિવાર સુરતમાં રહે છે. છેલ્લાં બે-અઢી વર્ષથી તે ઑપેરા હાઉસમાં ટ્રેડિંગ કરતો હતો અને વેપારીઓને સમયસર પૈસા ચૂકવતો હતો એટલે વેપારીઓ તેના પર વિશ્વાસ મૂકતા થયા હતા. તે રેગ્યુલર ડાયમન્ડનું જાંગડ પર ડીલિંગ કરતો હતો. જોકે તેણે ઝટપટ રૂપિયા કમાઈ લેવા સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં મારી અને અન્ય વેપારીઓ પાસેથી ડાયમન્ડ જાંગડ પર લેવાનું શરૂ કર્યું હતું. કુલ ૧.૧૫ કરોડ રૂપિયાના ડાયમન્ડ તેણે પાંચ વેપારીઓ પાસેથી લઈ માર્કે‍ટમાં એ માલ ૨૫ ટકા ઓછા ભાવે વેચી દીધો હતો અને રોકડી કરી લીધી હતી. જે વેપારીઓ પાસેથી તેણે માલ ખરીદ્યો હતો તેમને તેણે રૂપિયા ચૂકવવા વાયદા આપવા માંડ્યા હતા અને ત્યાર બાદ સુરત નાસી છૂટ્યો હતો.’

જે વેપારીઓના પૈસા ફસાઈ ગયા હતા તેમણે હેમિનનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેનો મોબાઇલ સ્વિચ-ઑફ આવતો હતો એટલે તેમણે સુરત તેની તપાસ કરી હતી. સુરત જઈને વેપારીઓ તેને મળ્યાં હતા. આ બાબતે નવીન અદાણીએ કહ્યું હતું કે ‘તેણે અમને એવું બહાનું આપ્યું કે મારે જૂનું દેવું હતું એ ચૂકવવામાં એ રૂપિયા વપરાઈ ગયા છે, હવે મારી પાસે જે મૂડી છે એમાંથી હું તમને માત્ર ૨૫ ટકા રકમ જ પાછી આપી શકું એમ છું એટલે એટલી રકમમાં સેટલમેન્ટ કરો. જોકે વેપારીઓએ ૨૫ ટકામાં સેટલમેન્ટની ઑફર ઠુકરાવી દીધી હતી. તેણે પૂરી રકમ અરેન્જ કરવા થોડો સમય માગ્યો હતો જે અમે તેને આપ્યો હતો, પણ ત્યાર બાદ તે સુરતથી પણ ગાયબ થઈ ગયો હોવાથી અમે તેની સામે ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.’

પોલીસનું શું કહેવું છે?

ડાયમન્ડ માર્કેટમાં ૧.૧૫ કરોડ રૂપિયાની થયેલી છેતરપિંડીના કેસમાં ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘ડાયમન્ડ માર્કેટના વેપારીઓ જાંગડ પર ચિઠ્ઠી પર લાખોનો વ્યવહાર કરતા હોવાથી અમે પહેલાં તેમને ડૉક્યુમેન્ટ્સ લાવવા કહ્યું હતું અને ત્યાર બાદ એ પાંચ વેપારીઓના ડૉક્યુમેન્ટ્સ વેરિફાઇ કરી હેમિન સામે ફરિયાદ નોંધીને તેની શોધ શરૂ કરી છે. તે ડાયમન્ડ માર્કેટમાં ડીલ કરતો હોવાથી અમે તેને ત્યાંના સર્કલમાં જ શોધી રહ્યા છીએ.’