સિદ્ધિવિનાયક મંદિરમાંથી વસંત ઢોબળેનાં બૂટ ચોરાયાં

07 September, 2012 05:23 AM IST  | 

સિદ્ધિવિનાયક મંદિરમાંથી વસંત ઢોબળેનાં બૂટ ચોરાયાં

અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) વસંત ઢોબળેનું નામ સાંભળતાં જ બારમાલિકોના પગ ડરના માર્યા ધ્રૂજવા માંડતા, પરંતુ તાજેતરમાં જ બાર પર રેઇડ પાડનાર આ એસીપીનાં બૂટ કેટલાક ચોરો ઉઠાવી ગયાં હતાં.

મંગળવારે અંગારકી સંકષ્ટચતુર્થીના પવિત્ર દિવસે પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં તેઓ દર્શન કરવા માટે ગયા હતા. જાણવા મળ્યાં પ્રમાણે મંગળવારે બપોરે ગણપતિનાં દર્શન કરવા મંદિરમાં ગયા હતા ત્યારે મંદિરના પરિસરમાં આવેલી દાદર પોલીસ-સ્ટેશનની ચોકીની બહાર તેમણે બૂટ કાઢ્યાં હતાં. લાઇન તોડીને તેમને ભગવાનનાં દર્શન માટે જવા દેવામાં આવ્યા હતા, પરંતુ દર્શન કરીને મંદિરની બહાર નીકળ્યાં ત્યારે તેમણે જોયું તો તેમનાં બૂટ ગાયબ હતાં. પોતાનાં બૂટ ગાયબ થતાં તેઓ ભારે અકળાયા હતા અને એની શોધ કરવા લાગ્યા હતા, પરંતુ કોઈ જ અર્થ ન સર્યો. શરૂઆતમાં તેમને એમ કે તેઓ જ બૂટ ક્યાં કાઢ્યાં હશે એ ભૂલી ગયા હોવા જોઈએ. બાદમાં તેમણે અધિકારીઓને પૂછ્યું કે બૂટ ભારે વરસાદને કારણે પાણીમાં તણાઈ તો નથી ગયાંને?

અંતે તેમણે મંદિરમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓને તેમનાં ખોવાયેલાં બૂટ શોધી કાઢવાનો હુકમ કર્યો. પોતાના નસીબને કોસતાં વસંત ઢોબળે ૧૫ મિનિટ બાદ ઉઘાડા પગે જીપમાં બેસીને રવાના થયા હતા. આ વિશે ‘મિડ-ડે’એ તેમનો સંપર્ક કર્યો તો તેમણે બૂટ ચોરી થયાની વાતને નકારી કાઢતાં કહ્યું હતું કે એક દિવસ મને પણ કોઈ ચોરી જશે.