22 June, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓમરાજે નિમ્બાળકર
શિવસેના (UBT)ના છ સંસદસભ્યો પક્ષ છોડી અલગ પક્ષ સ્થાપવાની વેતરણમાં હોઈ તેમણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર આપ્યો હોવાના અહેવાલો બાદ મહાયુતિનું ઑપરેશન ટાઇગર લગભગ પૂરું થયું માનવામાં આવતું હતું. જોકે ફક્ત ધારાશિવના સંસદસભ્ય ઓમરાજે નિમ્બાળકરનો ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડવાનો નિર્ણય નક્કી ન હોવાના કારણે મહાયુતિનું રવિવાર સુધી ઑપરેશન ટાઇગર અધ્ધરતાલ હતું, રવિવારે સાંજે સક્સેસફુલ થયું હતું. ઓમરાજે નિમ્બાળકરે ધારાશિવના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કર્યા બાદ સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ તે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ લોકોની સેવા કરશે એવી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રવિવારે આખો દિવસ ઓમરાજે નિમ્બાળકર ફરી પાછા ઉદ્ધવ ઠાકરેના ખેમામાં જશે કે પક્ષ છોડવાના નિર્ણય પર મક્કમ રહેશે એ વિશે ચર્ચા ચાલી રહી હતી. શનિવારે મધરાતે શિવસેના (UBT)ના વિધાનસભ્યો વરુણ સરદેસાઈ અને કૈલાશ પાટીલે ઓમરાજે નિમ્બાળકરના પુણેના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેમની સાથે લગભગ એક કલાક ચર્ચા કરી હતી. ઓમરાજે નિમ્બાળકરે જણાવ્યા અનુસાર તે હજી સુધી તેમના નિર્ણય વિશે નિશ્ચિત નથી અને રવિવારે રાત્રે કે પછી સોમવારે અંતિમ નિર્ણય લેશે. જોકે, રવિવારે સાંજે જ આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
પોતાના એક સંસદસભ્યને પક્ષ છોડીને જતા રોકવા માટે ઉદ્ધવ ઠાકરે દ્વારા સતત પ્રયાસો થયા હતા અને કૈલાશ પાટીલે પણ ઓમરાજે નિમ્બાળકર પક્ષ છોડીને જવાનો વિચાર છોડશે એવી આશા વ્યક્ત કરી હતી.
માતોશ્રી વિશે એક અપશબ્દ નહીં ઉચ્ચારું
ઓમરાજે નિમ્બાળકરે મીડિયા સામે પોતાનો નિર્ણય જાહેર કરતાં જણાવ્યું હતું કે ‘હું સામાન્ય માણસોનાં કામ કરવા માટે લોકપ્રતિનિધિ બન્યો હતો અને મને તેમનાં કામ માટે નાણાભંડોળ પણ મળતું નહોતું. અમારા સર્વસામાન્ય કાર્યકર્તાઓ સાથે પણ અન્યાય થતા મેં જોયો છે. હું કોઈ પદ કે પૈસા માટે એકનાથ શિંદેસાહેબ સાથે નથી જઈ રહ્યો, લોકસેવા માટે જઈ રહ્યો છું. હવે તેમના નેતૃત્વ હેઠળ કામ કરીશું. ઠાકરે કુટુંબ પાસેથી મને ખૂબ પ્રેમ મળ્યો છે એટલે માતોશ્રી વિશે હું ક્યારેય અપશબ્દ નહીં ઉચ્ચારું.’
ઉદ્ધવ ઠાકરેને મળી નિરાશા
શિવસેના (UBT)ના નેતા પ્રવીણ સ્વામી અને કૈલાશ પાટીલે ઓમરાજે નિમ્બાળકરના ઘરે ધારાશિવમાં જઈ લીધેલી મુલાકાત બાદ જણાવ્યું હતું કે ‘અમે તેમની સાથે ચર્ચા કરીને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો છે અને અમને આશા છે કે તે પક્ષમાં રહેશે.’ અમને હજી પણ આશા છે. અહેવાલો મુજબ ઓમરાજે નિમ્બાળકરે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમની નારાજગી દૂર કરવા માટે બધા જ પ્રયાસ કરવા માટે ઉદ્ધવ ઠાકરે તૈયાર હોવાનું આશ્વાસન પણ અપાયું હોવાનું કહેવાય છે. છેવટે તેમના બધા જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.
રીલસ્ટાર કહેવાયા એટલે નારાજ?
પક્ષમાં પોતાના વિશે ખોટી ચર્ચાઓ અને ટીકાના કારણે ઓમરાજે નિમ્બાળકર નારાજ થયા હોવાથી તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. આ જ મુદ્દે તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. નિમ્બાળકરને તેમની ટીકા કરનારાઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવાનું આશ્વાસન આપી તેમને પક્ષ ન છોડવા મનાવવાના પ્રયાસો શરૂ હતા. ઓમરાજેએ જણાવ્યા અનુસાર શિવસેના (UBT)ના નેતાઓએ તેમને ‘રીલસ્ટાર’ કહેવાયા એટલા માટે નારાજ હતા.
કાર્યકર્તાઓના આગ્રહને માન
૮ તાલુકાના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સાથે ઓમરાજે નિમ્બાળકરે બેઠક યોજી હતી અને ત્યાર પછી તેમના કાર્યકર્તાઓએ એકનાથ શિંદે સાથે ભળવાનો આગ્રહ કર્યો હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું હતું. બધા જ કાર્યકર્તાઓ ઓમરાજે નિમ્બાળકર ઉદ્ધવ ઠાકરેને બદલે એકનાથ શિંદેના કૅમ્પમાં જાય, એવો આગ્રહ કરતા હતા. તેમની ભાવનાઓને ધ્યાનમાં રાખી નિમ્બાળકરે શિવસેનામાં જોડાવાનો નિર્ણય લીધો હતો.
શિવસેના (UBT)ના છ સંસદસભ્યોએ બળવો કર્યો છે ત્યારે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે બળવાખોર સંસદસભ્યોના મતવિસ્તારોની મુલાકાત લેશે. ૨૬ જૂનથી ૩ દિવસ સુધી તેમની આ ટૂર ચાલશે. ગઈ કાલે તેઓ સંજય દિના પાટીલના મતવિસ્તાર ભાંડુપની મુલાકાતે ગયા હતા. ભવિષ્યમાં વધુ સમસ્યા નિર્માણ ન થાય અને આ મતવિસ્તારોમાં પાર્ટીની પકડ નબળી ન પડે એ માટે ઉદ્ધવ ઠાકરે આ ટૂર કરશે. આ સિવાય ૧૮ જૂને દિલ્હીમાં સંસદસભ્યોની બોલાવેલી ફરજિયાત બેઠકમાં ગેરહાજર રહેવા બદલ ૬ સંસદસભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી પણ ચાલી રહી છે. શિવસેના (UBT)ના સંસદસભ્ય અરવિંદ સાવંતે જણાવ્યું હતું કે ૨૪ કલાક વીતી ગયા છતાં ૬ સંસદસભ્યોએ કોઈ પ્રતિક્રિયા ન આપતાં હવે પાર્ટી કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈને તેમની વિરુદ્ધ શું કાર્યવાહી કરવી એ નક્કી કરશે.