ધનતેરસે ધનનો મહિમા ગવાઈ રહ્યો છે ત્યારે થોડુંક અલગ પ્રકારનું ચિંતન કરીએ

11 November, 2012 05:35 AM IST  | 

ધનતેરસે ધનનો મહિમા ગવાઈ રહ્યો છે ત્યારે થોડુંક અલગ પ્રકારનું ચિંતન કરીએ




જયેશ ચિતલિયા

ઈમાનદારીની વાતો હવે મને જોક લાગે છે

સત્યની વાતોથી મને શૉક લાગે છે

ધર્મની વાતો મને બધી જ ફોક લાગે છે

લાગણી અને સંબંધોની વાતો એટલે વાર્તા

વાર્તાનાં પાત્રો બધાં મને પોલમપોલ લાગે છે

શું કહ્યું? માણસ માણસનું ભલું કરે?

આ ઘટનામાં ખરેખર કોઈ ઝોલ લાગે છે

કોઈ જીવે બીજા માટે એ હકીકતના દિવસો ગયા

હવે તો આવી કલ્પના પણ કમજોર લાગે છે

માનો ન માનો, પણ હું શોર નથી કરતો

સાચું કહું છું, ઈમાનદારીથી જીવવામાં મને જોર લાગે છે


ઈમાનદારીની વાતો જોક જેવી લાગવા માંડે, લોકો એના પર હસીને એને મૂર્ખાઈમાં ખપાવે, સત્યની વાતો સારી લાગવાને બદલે એનાથી શૉક-આઘાત લાગવા માંડે, માણસ બીજા માણસનું ભલું કરે તો ભરોસો ન બેસે, ધર્મના નામે ધતિંગો ચાલતાં રહે અને પરમેશ્વરને બદલે પૈસાની જ પૂજા થયા કરે એવા સમાજમાં આપણે જીવી રહ્યા છીએ. આવા સમાજમાં પ્રામાણિક રહીને શું મળે છે? બધા જ લોકો વધુ પૈસા કમાવા માટે ઘણુંબધું ખોટું કરે છે. પૈસા છે તો ઇજ્જત છે, માન છે, લોકો સામે જુએ છે, બોલાવે છે. તમે પૈસા ક્યાંથી કમાયા, ક્યાંથી લાવો છો એ કોઈ વિચારતું નથી. તમારી પાસે મોટું-સારું ઘર છે, હાઈ ક્લાસ મૉડલની કાર (કા આર...) છે, મોટું સર્કલ છે. અનેક માણસોમાં તમે પુછાઓ છો કે પૂજાઓ છો, બીજું શું જોઈએ? ઈમાનદારીને શું કરવી છે? ઈમાનદાર માણસ તો પોતાનું કે પરિવારનું પેટ ભરવામાંથી જ ઊંચો નથી આવતો. તેની તે કંઈ જિંદગી છે? ઈમાનદાર માણસો જીવે કે મરે, એની કોઈ નોંધ લેતું નથી.

લગભગ આ જ પ્રકારની વિચારધારા સમાજમાં મહત્તમ લોકોમાં ફરતી કે ચર્ચાતી હોય તો નવાઈ નહીં. પૈસા, પૈસા અને પૈસા. બસ, પૈસા જ સર્વસ્વ છે એવું આપણે સૌ ભેગા મળીને બહુ ભારપૂર્વક તેમ જ જોરપૂર્વક સાબિત કરી રહ્યા છીએ. પૈસા જરૂરી છે એની ના નહીં, એના વિના આપણી કોઈ ગાડી આગળ ન ચાલે. જોકે ધન-સંપત્તિ છે તો બધું જ છે, એના વિના કશું જ નથી એ સનાતન સત્ય નહોતું; પણ આપણે બધાએ ભેગા મળી એને સનાતન કરી નાખ્યું અને હજી એને વધુ અસરકારક બનાવી રહ્યા છીએ. હા, અમે પૈસાના વિરોધી કે દુશ્મન નથી, કિંતુ પૈસા જ જીવન બની જાય એ સ્વીકારવું કઠિન છે.

પૈસાનું મત્વ ખરું, પણ...

વ્યવહાર-જગતમાં પૈસા જરૂરી છે એ તો આપણે સ્વીકારવું પડે અને સ્વીકારવું પણ જોઈએ. પરંતુ કેટલા પૈસાને જરૂરીની વ્યાખ્યામાં મૂકી શકાય? એ પૈસા ક્યાંથી આવે છે કે સર્જાય છે એ નહીં વિચારવાનું? ગરીબીની રેખા નક્કી કરવા માટે વ્યક્તિદીઠ આવકની સત્તાવાર વ્યાખ્યા કરવામાં આવી છે. કિંતુ અમીરીની રેખા માટે કોઈ વ્યાખ્યા બની શકે ખરી? દરેક ગરીબને પૈસાદાર થવું છે, દરેક પૈસાદારને વધુ પૈસાદાર થવું છે અને દરેક વધુ પૈસાદારને વધુ ને વધુ પૈસાદાર થવું છે. વધુમાં વધુ પૈસાદારોને પછી પૈસાથી બધું ખરીદતા રહેવું હોય છે, જેનું પૈસાથી મૂલ્ય ન આંકી શકાય એવી વસ્તુઓ પણ તેમને પૈસાથી ખરીદવી હોય છે. પૈસાથી તેઓ માન-પાન-પદ-પુરસ્કાર (અવૉર્ડ) ખરીદતા રહે છે. આમ તેમને અને બીજા બધાને પણ લાગવા માંડે છે કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે. તેથી આગળ જતાં તેઓ પૈસાથી પ્રામાણિકતા પણ ખરીદવા નીકળે છે અને અનેક લોકોની પ્રામાણિકતા પૈસાથી ખરીદી પણ લેવાય છે. અલબત્ત, પોતાની પ્રામાણિકતા વેચવી કે નહીં એ દરેક પ્રામાણિક માણસના પોતાના હાથમાં હોય છે. જોકે હવેના સમય-સંજોગોને જોતાં પ્રત્યેક પ્રામાણિક માણસને સવાલ થાય છે કે ઈમાનદાર રહેવાથી શું મળે છે? અગાઉનાં વરસોમાં પ્રામાણિકતાની કદર થતી હતી, સરાહના થતી, એને માન-ગૌરવ-આદર મળતાં. આજે એ માન-આદર તો ગયાં, ઉપરથી ઈમાનદારને ડરપોક કે નિષ્ફળ ગણવામાં આવે છે.

જોખમી સમાજ તરફ પ્રયાણ

અહીં એમ નથી કહેવું કે બધા જ માણસો બેઈમાન છે, કિંતુ સમાજ ઈમાનદારોને બેઈમાન બનવા તરફ લઈ જઈ રહ્યો છે. સમાજે એનાં ધોરણો-માપદંડો એવાં કરી નાખ્યાં છે જ્યાં પ્રામાણિકતા પાળવામાં લાભ તો કોઈ નથી રહેતો, બલ્કે નુકસાન જરૂર થઈ શકે છે.

અલબત્ત, ખરો પ્રામાણિક માણસ પોતાના લાભ માટે નહીં પરંતુ પોતાના સિદ્ધાંત-આદર્શ કે સંતોષ ખાતર ઈમાનદારીનું જતન કરે છે. મહત્તમ સમાજ જ્યારે પૈસા કરતાં પ્રામાણિકતાની વધુ કદર કરતો થશે ત્યારે પ્રામાણિકતાનું મત્વ વધશે. પૈસાનું મત્વ એટલુંબધું થઈ જાય કે પૈસાનું જ મત્વ રહી જાય છે એ જોઈ સામાન્ય માણસોને પણ થાય છે કે હું કેમ રહી જાઉં? મારે શા માટે પ્રામાણિકતાનું પૂંછડું પકડી રાખવું જોઈએ? આખો દેશ એકબીજાને લૂંટી રહ્યો છે તો એમાં હું પણ થોડો હાથ અજમાવી લઉં તો ખોટું શું છે?

પ્રામાણિક હસ્તીઓની યાદી ક્યારે?


કેટલાંય વરસોથી વિશ્વની ટોચની સંપત્તિવાન હસ્તીઓની યાદી નિયમિતપણે બહાર પડે છે, જેની ખાસ્સી ચર્ચા પણ થાય છે. જગતભરમાં કોણ કેટલું શક્તિશાળી છે એની યાદી બહાર પડતી રહે છે. જોકે વિશ્વમાં સૌથી પ્રામાણિક વ્યક્તિઓની યાદી કોઈ તૈયાર કરતું નથી કે જાહેર કરતું નથી. પ્રામાણિક હોવું એ કોઈ મહાન ઘટના નથી કે પછી પ્રામાણિક માણસો રહ્યા જ નથી? પ્રામાણિક માણસોની યાદીમાં કોઈને રસ નથી. પ્રામાણિક રહેવાના કોઈ પુરસ્કાર-અવૉર્ડ આપવામાં આવતા નથી.

અલબત્ત, પ્રામાણિક રહીને પણ પૈસાદાર બની શકાય છે, વિકાસ કરી શકાય છે; જોકે એ માર્ગ સરળ નથી હોતો. બધા જ પૈસાદાર માણસો અપ્રામાણિક જ છે એવું નથી. અનેક પૈસાદારો પૂરેપૂરી પ્રામાણિકતા જાળવીને સંપત્તિવાન બન્યા હોવાના કિસ્સાઓ પણ છે અથવા તેઓ પૈસાદાર બન્યા બાદ પણ કોઈની પ્રામાણિકતા ખરીદતા નથી અને કાયમ ઈમાનદારીને સર્પોટ કરતા રહે છે. આ નવા વરસે આપણે એવા સમાજની આશાનો દીપ પ્રગટાવીએ જ્યાં સત્યની સાથે પ્રામાણિકતા સર્વોપરી હોય, જ્યાં આર્થિક અસમાનતા ઘટતી રહે અને મહત્તમ પ્રામાણિકતાનું જતન થતું રહે, સમાજ ધનની પૂજા કરે છે તેમ પ્રામાણિકતાની પણ પૂજા કરે. કમસે કમ એટલું યાદ રાખીએ કે જીવવા માટે ધન જરૂરી છે, પણ ધન માટે મરી જવું વાજબી ન ગણાય.