આજે ધનતેરસ પર નાના જ્વેલર્સને ૫૦ ટકા ખોટ તો મોટા વેપારીને ૩૫ ટકા નફો દેખાય છે

24 October, 2011 04:24 PM IST  | 

આજે ધનતેરસ પર નાના જ્વેલર્સને ૫૦ ટકા ખોટ તો મોટા વેપારીને ૩૫ ટકા નફો દેખાય છે

 

(કાજલ ગોહિલ-વિલ્બેન)

નવી મુંબઈ, તા. ૨૪

ગઈ કાલ સાંજ સુધી મોટા ભાગના જ્વેલર્સને ત્યાં લોકો ફક્ત સોનાના ભાવો પૂછીને જઈ રહ્યા હતા તો કેટલાક નાની-નાની વસ્તુઓ ખરીદીને પોતાનો તહેવારનો મૂડ સાચવી રાખવા કે પ્રથાઓ યથાશક્તિ પૂર્ણ કરવા પ્રયત્ન કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું હતું. આ વિશે લક્ષ્મી ગોલ્ડના માલિક ભરત શર્માએ ગઈ કાલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કાલ સવાર સુધી ધનતેરસની ખરીદી કરવાવાળા દેખાવા જોઈએ. હજી તો કોઈ ખાસ ગ્રાહકો આવ્યા નથી. બધી વસ્તુઓમાં મોંઘવારી વધી રહી છે. આવામાં સોનાના ભાવોમાં થતી રહેતી વધ-ઘટ પણ તેમની ખરીદી પર અસર કરે છે. આ બધાની અસરરૂપે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં અમારો જ્વેલર્સનો નફો સીધો ૫૦ ટકા ઘટી ગયો છે.’ 

આ વિશે ભરત શર્માએ કહ્યું હતું કે ‘લોકો હવે ઘરેણાંઓ છોડીને સોના-ચાંદીના સિક્કાની ખરીદદારી તરફ વળ્યા છે. આ દિવાળીએ પણ સોના-ચાંદીના સિક્કા લોકોને વધુ આકર્ષશે એવી પૂરી આશા છે.’
મોટા જ્વેલર્સનું શું કહેવું છે?

મોટા જ્વેલર્સ જેઓ પોતાના જ્વેલરી સ્ટોર્સની ચેઇન ધરાવે છે તેમને તો આ ધનતેરસથી ખૂબ જ આશાઓ છે. આવા જ મોટા જ્વેલર્સમાંના એક શ્રી ગણેશ જ્વેલર્સના માર્કેટિંગ અને કમ્યુનિકેશન હેડ રાહુલ સિંહે કહ્યું હતું કે ‘અમારી દસ જ્વેલરી શૉપની ગયા વર્ષની કુલ આવક ૬ કરોડ રૂપિયા રહી હતી જે આ વર્ષે ૧૦થી ૧૨ કરોડ સુધી થવાની આશા છે. આ વર્ષે લોકો સોનાની લાઇટ-મિડિયમ વેઇટ જ્વેલરી તેમ જ સોનાના કૉઇન વધુ ખરીદશે એવી આશા છે.’

ગીતાંજલિ ગ્રુપના ચૅરમૅન અને ડિરેક્ટર મેહુલ ચોકસીએ કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસોથી લોકોમાં સોનાની ડિમાન્ડ વધી છે જે ધનતેરસ પર એના અંતિમ ચરણ પર હશે. અમે ૨૦થી ૨૫ ટકા વેચાણ વધવા સાથે ભાવવધારાને લીધે ૬૦ ટકા નફો થતાં અમારો ગયા વર્ષનો ૨૫૦ કરોડ રૂપિયાનો નફો આ વર્ષે‍ ૪૦૦ કરોડ રૂપિયાના આંકડે પહોંચી જશે એવી આશા રાખીએ છીએ. આ ધનતેરસ પર ૧૫ ટકા કૉઇન, ૫૦ ટકા સોનાના દાગીના અને ૩૫થી ૪૦ ટકા ડાયમન્ડ જ્વેલરીનું વેચાણ થશે એમ અમારું માનવું છે.’

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ શું કહે છે?

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મૅનેજિંગ ડિરેક્ટર અજય મિત્રાએ કહ્યું હતું કે સોનાના ભાવમાં આવેલી સ્થિરતા, દિવાળી તેમ જ વેડિંગ સીઝનને લીધે સોના-ચાંદી-ડાયમન્ડની ડિમાન્ડમાં વધારો તો જોવા મળશે જ, ઉપરાંત સોનાનું વેચાણ એક ઇન્વેસ્ટમેન્ટના સાધન તરીકે પણ વધશે.

ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ

તહેવારોના મોકાનો પૂરો ફાયદો ઉઠાવવાની તાકમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે મુથૂટ ફિનકૉર્પ સાથે મળીને તેમની ગોલ્ડ-લિન્ક્ડ માઇક્રો ફાઇનૅન્સ સ્કીમ્સ શરૂ કરી છે. જ્વેલર્સ ઉપરાંત કોટક મહિન્દ્ર જેવી બૅન્કે પણ સોનાના સિક્કાઓ વેચાણ માટે કાઢ્યા છે જેના વિશે કોટક મહિન્દ્ર બૅન્કના વાઇસ-પ્રેસિડન્ટ પુનિત કપૂરે જણાવ્યું હતું કે ‘સોનાના ભાવો વધ્યા હોવા છતાં એનું વેચાણ છેલ્લા છ મહિનાથી વધેલું જણાઈ આવતાં અમે ૫-૮-૨૦-૫૦ અને ૧૦૦ ગ્રામના પ્યૉર ગોલ્ડ કૉઇન્સ વેચાણ માટે મૂક્યા છે. ગયા વર્ષે અમે ૧૦૦ કિલો સોનાના સિક્કાઓનું વેચાણ કરેલું જે આ વર્ષે‍ ૨૦થી ૨૫ ટકા વધશે એવું અમને લાગે છે.’
બૉમ્બે બુલિયન અસોસિએશનના પ્રેસિડન્ટ પૃથ્વીરાજ કોઠારીએ પોતાના મનના ડર પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે ‘અત્યારની પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતાં સોના-ચાંદી-ડાયમન્ડનું વેચાણ ગયા વર્ષ કરતાં ૩૦ ટકા જેટલું કદાચ ઘટી પણ જાય, કારણ કે હાઈ-ઇન્ફ્લેશનને લીધે લોકો પાસે ન જેવા રૂપિયા બાકી રહ્યા હશે સોનામાં ઇન્વેસ્ટ કરવા માટે. મને ડર છે કે દાગીનાઓનું વેચાણ ૨૦થી ૨૫ ટકા ઘટી જશે, કારણ કે લોકો તેમની જરૂરિયાતની વસ્તુઓ પર વધુ ધ્યાન આપશે જે તેમના બજેટમાં હશે.’