ધનંજય મુંડેના કેસમાં જબરદસ્ત યુ-ટર્ન બળાત્કારનો આરોપ કરનારની સામે આરોપ

15 January, 2021 11:41 AM IST  |  Mumbai | Dharmendra Jore

ધનંજય મુંડેના કેસમાં જબરદસ્ત યુ-ટર્ન બળાત્કારનો આરોપ કરનારની સામે આરોપ

ધનંજય મુંડેના કેસમાં જબરદસ્ત યુ-ટર્ન બળાત્કારનો આરોપ કરનારની સામે આરોપ

મહારાષ્ટ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા ધનંજય મુંડેએ જે મહિલાએ તેમને બ્લૅકમેઇલ કરવાનો પ્રયત્ન કર્યો હતો એ મહિલાએ પોતાની સાથે પણ સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ બીજેપીના નેતા ક્રિષ્ના હેગડેએ કર્યો છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા મનીષ ઘુરીએ પણ આ મહિલા પર બ્લેકમેઇલ કરવાનો આરોપ મૂક્યો છે.
ક્રિષ્ના હેગડેએ મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે ધનંજય મુંડે પર આરોપ મૂકનારી મહિલાએ ૨૦૧૦થી ૨૦૧૫ સુધી લોભામણા મેસેજ મોકલીને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. ધનંજય મુંડે પરના આરોપો ગંભીર પ્રકારના હોવાથી એ બાબતે પક્ષના વરિષ્ઠ નેતાઓના મંચ પર ચર્ચા કરવાની જરૂર હોવાનું નિવેદન રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે કર્યા પછી બીજેપીના ક્રિષ્ના હેગડેના બયાનથી મુંડેના બ્લૅકમેઇલિંગના પ્રયાસના દાવાને બળ મળ્યું છે.
ગઈ કાલે સવારે શરદ પવારના બયાનથી ધનંજય મુંડેને પોતાની જાતે પક્ષ છોડવા માટે થોડો સમય આપવામાં આવ્યો હોવાનું ચિત્ર ઊપસતું હતું, પરંતુ બપોર સુધીમાં બીજેપીના ક્રિષ્ના હેગડેએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ અને મનીષ ઘુરીએ પણ આરોપ કરનાર મહિલા વિરુદ્ધ આરોપ કર્યા પછી ચિત્ર બદલાઈ ગયું હતું. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે ધનંજય મુંડે વિશે કોઈ પણ નિર્ણય લેતાં પૂર્વે હેગડે અને મનીષ ઘુરીની ફરિયાદને કારણે પરિસ્થિતિમાં આવેલા વળાંકની વિચારણા કરવાની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની તૈયારી છે. ધનંજયે કહ્યું હતું કે તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું નથી. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે મુંડેનો બચાવ કર્યો હતો.
ધનંજય મુંડેએ બળાત્કારનો આરોપ નકારતાં પોતાનું બ્લૅકમેઇલ કરવામાં આવતું હોવાનો દાવો કર્યો હતો. મુંડેએ એમ પણ કહ્યું હતું કે આરોપ મૂકનારની મોટી બહેન સાથે તેમને સંમતિપૂર્વકનો સંબંધ હોવાનું અને એ સંબંધ દ્વારા જન્મેલાં બે બાળકોને તેમણે પોતાનું નામ પણ આપ્યું છે.
ક્રિષ્ના હેગડેએ શું કહ્યું?
ધનંજય મુંડેને હાશકારો અને બીજેપીનો પ્રહાર બુઠ્ઠો થાય એવી ગતિવિધિમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય ક્રિષ્ના હેગડેએ જણાવ્યું હતું કે ‘એ વિવાદાસ્પદ મહિલા ૨૦૧૦થી મારી પાછળ પડી હતી. એ મહિલા પાંચેક વર્ષ સુધી મને સંબંધોમાં ખેંચવાના પ્રયત્નો કરતી રહી હતી. રીતસર મને હેરાન કરતી હતી.
મને મારાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે એ વ્યક્તિ શંકાસ્પદ અને કુચારિત્ર્યવાન છે. એ અન્ય કેટલાક લોકોને હની ટ્રૅપમાં લઈને પૈસા ઉસેડવાનો ધંધો કરતી હોવાનું પણ જાણવા મળ્યું હતું.’

શરદ પવારે શું કહ્યું ?

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે ‘ધનંજય મુંડે સામેના આરોપ ગંભીર છે. તેમણે આ ચોક્કસ કેસમાં પોતાના પર વ્યક્તિગત હુમલાની પણ અપેક્ષા રાખી જ હશે. એથી તેમણે વડી અદાલતમાં અરજી કરતાં તેમને રાહત આપવામાં આવી છે. મેં ધનંજયના વિચારો મારા પક્ષના વરિષ્ઠ નેતાઓને જણાવ્યા છે. એ વિષયમાં અમે ચર્ચાવિચારણા કરીને નિર્ણય લઈશું. ’

dharmendra jore mumbai mumbai news sharad pawar