ખરાબ હવામાન વચ્ચે કેદારનાથની યાત્રા ચાલુ રખાતાં શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા

25 May, 2022 08:24 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

૨૧ શ્રદ્ધાળુઓનું મુંબઈનું ગ્રુપ સોમવારે રાતથી મંગળવારની બપોર સુધીના ૧૩ કલાક વરસાદ અને બરફવર્ષા વચ્ચે ભારે સંઘર્ષ કરીને તળેટીથી કેદારનાથ મંદિર સુધી પહોંચ્યું ઃ મંદિરના પ્રશાસને વરસાદની આગાહી હોવા છતાં યાત્રાળુઓને આગળ જવા દઈને જોખમમાં મૂક્યાનો આરોપ

કેદારનાથ તરફ જઈ રહેલા બોરીવલીના મહેશ ધકાણ પત્ની અને પુત્રી સાથે.


મુંબઈ ઃ ખરાબ હવામાનને લીધે પ્રશાસને કેદારનાથ અને યમુનોત્રીની યાત્રા સોમવારે બપોર બાદ રોકી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ચારધામ યાત્રા માટે આ વર્ષે અભૂતપૂર્વ ધસારો થયો હોવાથી યાત્રાળુઓને વધુ સમય રોકી શકાય એમ ન હોવાથી સોમવારે મોડી રાત્રે શ્રદ્ધાળુઓને કેદારનાથ જવા દેવામાં આવ્યા હતા. પ્રશાસનના આ નિર્ણયથી અસંખ્ય યાત્રાળુઓ અડધે રસ્તે વરસાદ અને બાદમાં બરફવર્ષા થવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં હજારો યાત્રાળુઓ હોવાથી નીચે ઊતરવા કરતાં ઉપરની તરફ જવાનો યાત્રાળુઓએ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. ગૌરીકુંડથી કેદારનાથ મંદિર સુધીનું અંતર ૧૮ કિલોમીટર છે, જે ખરાબ હવામાનને કારણે ઘોડા પર બેસીને કાપવામાં યાત્રાળુઓને ૧૩ કલાક લાગ્યા હતા. મુંબઈનું ૨૧ લોકો યાત્રાળુઓનું એક ગ્રુપ ગયા શનિવારે યમુનોત્રીમાં હાઇવે ધસી પડવાથી ફસાયા હતા એમાંથી જેમતેમ બહાર આવ્યા હતા ત્યાં આ જ ગ્રુપ આખી રાત પ્રવાસ કરીને કેદારનાથ પહોંચ્યું હતું. મંદિર પ્રશાસનની બેદરકારીને લીધે યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું તેમણે કહ્યું હતું.
સોમવારે રાત્રે બે વાગ્યે ગૌરીકુંડથી કેદરનાથ મંદિર તરફ જવા માટે નીકળ્યા બાદ ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે મુંબઈનું ૨૧ શ્રદ્ધાળુઓનું ગ્રુપ કેદારનાથ પહોંચ્યું હતું. આ ગ્રુપમાં સામેલ બોરીવલીમાં રહેતા મહેશ ધકાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવામાન ખરાબ હોવાને લીધે મંદિરના પ્રશાસને કેદારનાથ મંદિર તરફની યાત્રા બંધ કરી હોવાની જાહેરાત કરી છે. જોકે ગૌરીકુંડ અને સોનપ્રયાગથી યાત્રાળુઓને ઉપરની તરફ જવા દેવાતા હોવાથી અમારું ગ્રુપ સોમવારે રાત્રે બે વાગ્યે ઘોડા પર બેસીને નીકળ્યું હતું.’
અડધે રસ્તે વરસાદ અને બરફવર્ષા
ગૌરીકુંડથી નીકળ્યા બાદ રસ્તામાં શું પરેશાની થઈ એ વિશે મહેશ ધકાણે કહ્યું હતું કે ‘અડધે પહોંચ્યા હતા ત્યારે અચાનક વરસાદ પડવા લાગ્યો હતો. ગરમ કપડાં ભીંજાઈ જવાથી બધાને ઠંડી લાગવા માંડી હતી. આમ છતાં જેમતેમ કરીને કેદરનાથ પહોંચવા અમે આગળ વધ્યા હતા. સવાર બાદ જોકે વરસાદની સાથે બરફ પડવા લાગતાં ભારે મુશ્કેલી થઈ હતી. કપડાં ભીનાં હતાં એમાં અચાનક બરફ પડવાથી ઠંડીને કારણે અમારી હાલત બગડી ગઈ હતી. બપોરના ત્રણેક વાગ્યે કેદારનાથ પહોંચીને હોટેલમાં ગયા બાદ શાંતિ થઈ હતી.’
તળેટીમાં હજારો યાત્રાળુઓ
મંદિર પ્રશાસને મોટી સંખ્યામાં આવી પહોંચેલા યાત્રાળુઓને ગૌરીકુંડ અને સોનપ્રયાગ પાસે રોકી દીધા હોવા છતાં મોડી રાત્રે અમુક હજાર યાત્રાળુઓ કેદારનાથ તરફ જવા રવાના થયા હતા. આ વિશે મહેશ ધકાણે કહ્યું હતું કે ‘અમે અડધે પહોંચ્યા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો હતો. હવામાન ખરાબ થઈ રહ્યું હોવાથી એક વાર તો પાછા વળવાનો વિચાર કર્યો હતો, પરંતુ નીચેની તરફ મોટી સંખ્યામાં યાત્રાળુઓ હતા એટલે તળેટીમાં જઈશું અને જગ્યા નહીં મળે તો શું એવો સવાલ થયો હતો અને ઉપરની તરફ જૂજ લોકો જઈ રહ્યા હતા એટલે કેદારનાથમાં જગ્યા મળી જશે એમ વિચારીને આગળ વધ્યા હતા.’
પ્રશાસને યાત્રાળુઓને
જોખમમાં મૂક્યા
હવામાન ખરાબ હોવા છતાં કેદારનાથ મંદિરના પ્રશાસને મોડી રાત્રે યાત્રાળુઓને ઉપર જવા દીધા હતા એ વિશે મહેશ ધકાણે કહ્યું હતું કે ‘હવામાન ખરાબ હોવાની સાથે વરસાદ અને બરફવર્ષા થવાની આગાહી હોવા છતાં મંદિરના પ્રશાસને યાત્રાળુઓને કેવી રીતે આગળ જવા દીધા એ મોટો પ્રશ્ન છે. ઈશ્વરકૃપાથી અમે વરસાદ અને બરફવર્ષા વચ્ચે ઠૂંઠવાઈ ગયા હોવા છતાં હેમખેમ કેદરનાથ પહોંચી શક્યા હતા. કોઈને કંઈ થઈ ગયું હોત તો આ યાત્રા ભારે પડી જાત. અમારા હિસાબે જ્યાં સુધી હવામાનયાત્રા માટે અનુકૂળ ન થાય ત્યાં સુધી પ્રશાસને યાત્રા બંધ રાખવી જોઈએ.’

mumbai news kedarnath