પૂર વ્યવસ્થાપન માટેનાં લાંબા ગાળાનાં પગલાંઓની ચર્ચા કરવા માટે તમામ પક્ષોની બેઠક બોલાવો: દેવેન્દ્ર ફડણવીસ

02 August, 2021 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને જણાવ્યું હતું કે પૂરને લગતા જૂના તમામ અહેવાલોનો અભ્યાસ કરીને એની ભલામણોનો અમલ કરવો જોઈએ

દેવેન્દ્ર ફડણવીસ

રાજ્યના કેટલાક ભાગમાં ગયા મહિને અતિવૃષ્ટિ બાદ પૂરની સ્થિતિ સર્જાતાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સીએમ ઉદ્ધવ ઠાકરેને પૂરના વ્યવસ્થાપન માટેનાં લાંબા ગાળાનાં પગલાંઓની ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક યોજવાની વિનંતી કરી હતી.

ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને જણાવ્યું હતું કે પૂરને લગતા જૂના તમામ અહેવાલોનો અભ્યાસ કરીને એની ભલામણોનો અમલ કરવો જોઈએ. સાથે જ તેમણે અવારનવાર કુદરતી હોનારતોનો ભોગ બનતા કોંકણ પ્રાંતના જિલ્લાઓ માટે અલાયદી ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીની પણ માગણી કરી હતી.

ફડણવીસે પત્રમાં ૨૬ માગણીઓ સૂચિબદ્ધ કરવા સાથે જણાવ્યું હતું કે લાંબા ગાળાનાં પગલાં અંગે વિચારણા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. સાથે જ તેમણે પૂરપીડિતોના સ્વજનો તથા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવા માટે અલાયદું ભંડોળ ઊભું કરવાની પણ માગણી કરી હતી.

ઉપરાંત પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતાના મુદ્દાને પ્રાથમિકતા આપવી જોઈએ એના પર તેમણે ભાર મૂક્યો હતો. સાથે જ વહીવટી તંત્ર પૂરના અસરગ્રસ્ત લોકોને ખોરાક, વસ્ત્રો, દવાઓ અને કામચલાઉ આશ્રય પૂરું પાડે એ માટેનાં પગલાં ભરવાની પણ તેમણે માગણી કરી હતી.

mumbai mumbai news devendra fadnavis