એક કરોડ ખોટાડા મર્યા હશે ત્યારે આ લોકો પેદા થયા હશે, મિસિંગ લિન્ક એન્જિનિયરિંગ માર્વેલ જ છે

09 July, 2026 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષને લીધો આડે હાથ, મિસિંગ લિન્ક મુદ્દે ટીકાનો જવાબ આપતાં કહ્યું...

દેવેન્દ્ર ફડણવીસ

મિસિંગ લિન્ક ભેખડો ધસી પડવાના કારણે બંધ કરવી પડી એ મુદ્દે વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ટીકાનો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો અને મિસિંગ લિન્કને એન્જિનિયરિંગ માર્વેલ ગણાવતા તેમના નિવેદનની કરાયેલી ટીકા મુદ્દે આક્રમક થઈને વિપક્ષને ઘેર્યો હતો. પહેલાંના નિવેદન પર કાયમ રહેતાં તેમણે કહ્યું હતું કે ‘મિસિંગ લિન્ક એન્જિનિયરિંગ માર્વેલ જ છે. મિસિંગ લિન્ક પર ભેખડો ધસી પડી હતી એ મુદ્દે અમુક લોકોએ સરકારની મન ફાવે એમ ટીકા કરી હતી. એક કરોડ ખોટાડા મર્યા હશે ત્યારે આ લોકો પેદા થયા હશે. ખોટું બોલતાં તેમને શરમ નથી આવતી. એ બધાનાં મોંએ તાળાં લગાવતાં સરકારે ફક્ત ૧૮ કલાકમાં જ મિસિંગ લિન્ક પર વાહનવ્યવહાર ફરી શરૂ કરી દીધો હતો. ભવિષ્યમાં મિસિંગ લિન્કના મુદ્દે અમારી ટીકા કરનારા રહેશે જ નહીં, પરંતુ ૧૦ વર્ષ પછી મિસિંગ લિન્ક રહેશે અને દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેનું નામ પણ રહેશે. એટલે મને ગાળો આપો, પરંતુ મહારાષ્ટ્રને બદનામ ન કરો.’ 

વસઈ-વિરારની પૂરની પરિસ્થિતિની નોંધ લીધી દેવેન્દ્ર ફડણવીસે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ દરમ્યાન વસઈ-વિરારમાં ભારે વરસાદના કારણે ઊભી થયેલી પૂરની પરિસ્થિતિની પણ ગંભીર નોંધ લીધી હતી. મોબાઇલ નેટવર્ક ન હોવાના કારણે લોકોને તાત્કાલિક નેટવર્ક મળે એ માટે મોબાઇલ કંપનીઓ સાથે ચર્ચા કરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી શરૂ કરવા માટે પણ કામ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું. ૭૨ કલાકમાં વસઈ-વિરારમાં ૭૭૨ મિલીમીટર વરસાદ પડ્યો હોવાની માહિતી તેમણે આપી હતી. 

IITના નિષ્ણાતોની સલાહ લઈ મિસિંગ લિન્ક માટે યોજના બનાવાશે: ફડણવીસ 
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જેમને કોઈ કૂતરું પણ નથી પૂછતું તે આજે સોશ્યલ મીડિયા પર આવીને બધાને ગાળો આપે છે. ભાડાના ટટ્ટુઓ પૈસા લઈને મિસિંગ લિન્ક વિશે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. અમે મિસિંગ લિન્ક ખાતે બનેલી ઘટનાથી શીખ્યા છીએ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)ના નિષ્ણાતોની સલાહ લઈને આવું ન થાય એ માટે યોજના તૈયાર કરીશું જેથી ભવિષ્યમાં આવું ન બને.’

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra monsoon news mumbai monsoon