11 October, 2025 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બે દિવસની મુંબઈની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈમાં ઍરપોર્ટનું ઉદ્ઘાટન અને મેટ્રો 3ના છેલ્લા તબક્કાનું ઉદ્ઘાટન કરીને રાજ્યના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરી હતી, જેમાં તેમણે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે ચર્ચા કરી હતી. વડા પ્રધાને દેવેન્દ્ર ફડણવીસને સંગઠનને મજબૂત કરવા જનતાની વચ્ચે જઈને બૂથસ્તરે રણનીતિ સુદૃઢ કરવા જણાવ્યું હોવાના અહેવાલો મળ્યા હતા.
વડા પ્રધાનના સૂચન પછી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના ૩ દિવસના પ્રવાસે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગઈ કાલે તેઓ નાશિક અને મરાઠવાડાની મુલાકાતે હતા. તેમની સાથે રાજ્યના BJP અધ્યક્ષ રવીન્દ્ર ચવાણ પણ હતા.
દેવેન્દ્ર ફડણવીસે નાશિકમાં લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘અમારી પાર્ટીના રાજ્યના અધ્યક્ષ રવીન્દ્ર ચવાણે આવી રહેલી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ સંદર્ભે વિભાગીય બેઠકો લીધી છે. એમાં નગરપાલિકા, જિલ્લા પરિષદો અને મહાનગરપાલિકા વિશે અમે અંદાજ લઈ રહ્યા છીએ.’
શક્ય હશે ત્યાં મહાયુતિ સાથે લડશે
આ ચૂંટણીઓમાં મહાયુતિના પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે? આ સવાલનો જવાબ આપતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જ્યાં પણ શક્ય હશે ત્યાં અમે સાથે મળીને ચૂંટણી લડીશું અને જ્યાં અમારા સાથી પક્ષો હશે ત્યાં અમે મૈત્રીપૂર્ણ લડીશું.