કોણ છે મહારાષ્ટ્રની નવી સરકારની રચના કરનાર ‘અસલી કલાકાર’? એકનાથ શિંદેએ કર્યો ખુલાસો

05 July, 2022 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિશ્વાસ મત જીત્યા બાદ વિધાનસભામાં એકનાથ શિંદેએ કર્યો ઘટસ્પોટ

તસવીર સૌજન્ય: પીટીઆઈ

મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ સોમવારે ખુલાસો કર્યો હતો કે ગયા મહિને રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી તેમના માટે શિવસેના સામે બળવો કરવાનું છેલ્લું કારણ હતું. જોકે, તેમણે નવી સરકારની રચનાના વાસ્તવિક ‘કલાકાર’ તરીકે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી હતી.

વિશ્વાસ મત જીત્યા બાદ વિધાનસભામાં એકનાથ શિંદેએ કહ્યું કે “20 જૂને, વિધાન પરિષદની ચૂંટણીના પરિણામના દિવસે મારી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું... મેં નક્કી કર્યું હતું કે હું પાછું વળીને નહીં જોઉં.” વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે તમામ પાંચ બેઠકો પર જીત મેળવી હતી જ્યારે કૉંગ્રેસના ચંદ્રકાંત હંડોરનો પરાજય થયો હતો. થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાનો બીજો ઉમેદવાર ભાજપના ત્રીજા ઉમેદવાર સામે હારી ગયો હતો.

દેખીતી રીતે તે મુંબઈથી કેવી રીતે બહાર નીકળ્યા તેનો ઉલ્લેખ કરીને શિંદેએ કહ્યું કે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. તેમણે કહ્યું “મને ખબર છે કે મોબાઈલ ફોન ટાવર કેવી રીતે શોધી શકાય અને વ્યક્તિને કેવી રીતે ટ્રેક કરવી. નાકાબંધી કેવી રીતે ટાળવી તે પણ હું જાણું છું.” નવી સરકારની રચના પહેલાં પડદા પાછળની પ્રવૃત્તિઓની ઝલક આપતા, શિંદેએ યાદ કર્યું કે મધ્યરાત્રિએ જ્યારે તમામ ધારાસભ્યો ગુવાહાટીની એક હોટલમાં સૂતા હતા, ત્યારે તેઓ હોટેલ છોડીને જતાં હતાં અને વહેલી સવારે પાછા ફરતા હતા.

શિંદેએ કહ્યું કે “આ સરકારના સાચા કલાકાર દેવેન્દ્ર ફડણવીસ છે.” અલગ થયેલા ધારાસભ્યો 2 જુલાઈએ મુંબઈ પરત ફર્યા તે પહેલા 29 જૂને ગોવા ગયા હતા. ગયા ગુરુવારે, શિંદેએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.

mumbai mumbai news maharashtra eknath shinde devendra fadnavis