મુંબઈનું ઝવેરી બજાર ભારતની જેમ્સ ઍન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની કરોડરજ્જુ છે

07 October, 2025 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝવેરી બજાર જેમ્સ ઍન્ડ જ્વેલરી ફેસ્ટિવલ ૨૦૨૫નું ઉદ્ઘાટન કરીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...

વેપારીઓ સાથે ઉદ્ઘાટન પ્રસંગે ખુશહાલ માહોલમાં દેવેન્દ્ર ફડણવીસ.

આંતરરાષ્ટ્રીય પડકારો સામે જેમ્સ ઍન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઉજ્જવળ હોવાની વાત પણ મુખ્ય પ્રધાને કરી અને ઝવેરી બજારના રીડેવલપમેન્ટ માટે બધી જ મદદ કરવા સરકાર તૈયાર હોવાની પણ ખાતરી આપી

મુંબઈની દેવી મુમ્બાદેવીની બાજુમાં જ ૧૫૦ વર્ષ કરતાં વધુ સમયથી ધમધમી રહેલા ઝવેરી બજારમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પહોંચ્યા હતા. ઝવેરી બજાર જેમ્સ ઍન્ડ જ્વેલરી ફેસ્ટિવલ ૨૦૨૫નું આયોજન ૨૨ સપ્ટેમ્બરથી ૨૬ ઑક્ટોબર સુધી ચાલી રહ્યું છે, જેમાં મુખ્ય ફેસ્ટિવલ ગઈ કાલે ૬ ઑક્ટોબરથી શરૂ થયો છે અને ૧૬ ઑક્ટોબર સુધી ચાલવાનો છે. એનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. તહેવારોનો સમય અને ફેસ્ટિવલને લીધે ઝવેરી બજારની ગલીઓ સજાવવામાં આવી છે. ઝવેરી બજાર વેલ્ફેર અસોસિએશન દ્વારા આયોજિત કરાયેલા આ ફેસ્ટિવલને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઝવેરી બજાર જેમ્સ એન્ડ જ્વેલરી ફેસ્ટિવલ-૨૦૨૫ના ઉદ્ઘાટન પ્રસંગે બજારના વેપારીઓને સંબોધતાં કહ્યું હતું કે ‘હવે એ વર્ષોજૂના માળા અને બજારને આધુનિક રૂપ આપવા અને સમય સાથે તાલ મિલાવવા એના રીડેવલપમેન્ટ અને વિકાસ માટે ઝવેરી બજાર વેલ્ફેર અસસોસિએશન આગળ આવે, રાજ્ય સરકાર એ માટે જે પણ જરૂરી મદદ જોઈતી હશે એ કરવા તૈયાર છે.’ આ પ્રસંગે રાજ્યના કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલપ્રભાત લોઢા, ઝવેરી બજાર વેલ્ફેર અસોસિએશનના અધ્યક્ષ હિતેશ જૈન, સેક્રેટરી કિશોર જૈન, રિદ્ધિસિદ્ધિ બુલિયનના પૃથ્વિરાજ કોઠારી અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ઝવેરી બજાર વેલ્ફેર અસોસિએશનના સેક્રેટરી કિશોર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળીને નજરમાં રાખીને આ ફોસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ખરીદદારો ઝવેરી બજાર સુધી આવે, એની રોનક જુએ અને ત્યાંથી ખરીદી કરે એ માટે આ ફેસ્ટિવલ આયોજિત કર્યો છે. મુખ્ય પ્રધાને રીડેવલેપમેન્ટમાં સહકાર આપશે એમ કહ્યું છે. ઝવેરી બજારની રોનક ફરીથી રિવાઇવ કરવાનો પ્રયાસ છે. અમારા આ ફેસ્ટિવલમાં મોટા-મોટા કૉર્પોરેટ જ્વેલર્સ પણ ભાગ લઈ રહ્યા છે. જેમાં કલ્યાણ જ્વેલર તેમ જ પી. એન. જી સાથે બજારના બધા જ ટૉપના વેપારીઓ પણ હાજર રહ્યા હતા. તેમણે પણ ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ સાથે વિચારોની આપ-લે કરી હતી.’ 

ઝવેરી બજારનું મહત્ત્વ વધતું જ રહેશે : મુખ્ય પ્રધાન દેવે‌ન્દ્ર ફડણવીસ

મુંબઈનું ઝવેરી બજાર ભારતની જેમ્સ ઍન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની કરોડરજ્જુ છે. અહીંના કારીગરોની કારગીરી વિશ્વભરમાં વખણાય છે. સમયાંતરે અનેક મુશ્કેલીઓ આવી, પણ ઝવેરી બજારે પોતાની પરંપરા અને વૈભવ જાળવી રાખ્યાં છે એમ જણાવતાં દેવે‌ન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘દેશના એક્સપોર્ટમાં આ ઉદ્યોગનો બહુ મોટો ફાળો છે. વેપારીઓ હજી તેમની ક્ષમતાઓ વધારી શકે છે. દેશની અર્થવ્યવસ્થામાં આ ઉદ્યોગનું યોગદાન વધતું જ રહેશે. જે રીતે દેશના વડા પ્રધાન આપત્તિઓમાં અવસર શોધી લેવાની પ્રેરણા આપે છે એ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ગમે એટલી આપત્તિઓ આવે તો પણ જેમ્સ ઍન્ડ જ્વેલરી બજારનું મહત્ત્વ ક્યારેય ઓછું નહીં થાય, ભવિષ્યમાં એ વધતું જ રહેશે.’ 

વર્ક ઇ‌ન પ્રોગ્રેસ 


મોનો રેલમાં ટેક્નિકલ ફૉલ્ટ આવવાને કારણે હાલ એનું ઑપરેશન રોકી દેવામાં આવ્યું છે અને અપગ્રેડેશન ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે ભક્તિ પાર્ક સ્ટેશન પાસે એના ટ્રૅક પર સમારકામ ચાલી રહ્યું હતું. તસવીર: કીર્તિ સુર્વે પરાડે

mumbai news mumbai devendra fadnavis zaveri bazaar maharashtra news maharashtra