30 May, 2025 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
લાડકી બહિણ યોજના માટે બીજા ડિપાર્ટમેન્ટમાંથી ફન્ડ ડાઇવર્ટ કરવામાં આવે છે એવા આક્ષેપને રદિયો આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘બીજા ડિપાર્ટમેન્ટમાંથી ફન્ડ ટ્રાન્સફર કરાયાના જે આક્ષેપ થાય છે એ ખોટા છે. જે લોકો બજેટ સમજી ન શકતા હોય તેઓ આવા વાહિયાત, ટકી ન શકે એવા આક્ષેપો કરે છે. બજેટમાં આ માટેના નિયમો બનાવાયેલા છે.’
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘બજેટમાં શેડ્યુલ્ડ કાસ્ટ અને શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ માટે ફન્ડ અલૉટ કરાતું હોય છે. નિયમ મુજબ એમાંનું મોટા ભાગનું ફન્ડ વ્યક્તિગત બેનિફિટ આપતી યોજનામાં વાપરવામાં આવે છે, જ્યારે બાકીનું ફન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ માટે વાપરવામાં આવે છે. લાડકી બહિણ યોજના એ વ્યક્તિગત ફાયદો કરાવતી યોજના હેઠળ આવે છે. એથી લાડકી બહિણ યોજના માટે એમાંથી ફન્ડ આપવામાં આવે એ બજેટના નિયમો મુજબ ટ્રાઇબલ અફેર્સ ડિપાર્ટમેન્ટ અને સોશ્યલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ હેઠળ દર્શાવવા પડે છે. નાણા પ્રધાનનો હોદ્દો સંભાળતા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે ઑલરેડી આ બાબતે ચોખવટ કરી છે. આ એક પ્રકારનું અકાઉન્ટિંગ છે. કોઈ પૈસા ડાઇવર્ટ કરાયા નથી. આમ કરવામાં કશું પણ ખોટું કરાયું નથી.’