હવે થશે માણસાઈની ખરી કસોટી

29 March, 2024 10:42 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મલાડના કમર્શિયલ બિલ્ડિંગ સેન્ટર પ્લાઝામાં લાગેલી આગમાં કરોડો રૂપિયાનો માલ બળી ગયો : ઈદ આવી રહી છે એટલે ધંધાની સીઝન હોવાથી મોટા પ્રમાણમાં માલનો સ્ટૉક કરવામાં આવ્યો હતો

મલાડમાં લાગેલી આગની તસવીરોનું કૉલાજ

મલાડના કમર્શિયલ બિલ્ડિંગ સેન્ટર પ્લાઝામાં લાગેલી આગમાં કરોડો રૂપિયાનો માલ બળી ગયો : ઈદ આવી રહી છે એટલે ધંધાની સીઝન હોવાથી મોટા પ્રમાણમાં માલનો સ્ટૉક કરવામાં આવ્યો હતો : મોટા ભાગની દુકાનો વાગડના વેપારીઓની : જેમને માલ આપ્યો છે એનો રેકૉર્ડ પણ બળીને ખાખ થવાથી ઉઘરાણીનું શું થશે એની ​ચિંતામાં વેપારીઓ ધ્રુસકે- ધ્રુસકે રડી પડ્યા

મલાડ-ઈસ્ટમાં દફ્તરી રોડ પર આવેલા આઠ માળના સેન્ટર પ્લાઝા બિલ્ડિંગમાં ગઈ કાલે સવારે ૧૧ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. સેન્ટ્રલ પ્લાઝા આખું કમર્શિયલ બિલ્ડિંગ છે અને એમાં ૯૦ ટકા જેટલી લેડીઝ ડ્રેસિસની દુકાનો છે. મૅન્યુફૅક્ચરિંગ અને ખાસ કરીને હોલસેલ ટ્રેડિંગ એમ બન્ને ત્યાં થાય છે. મૂળ કચ્છના વાગડના લાકડિયા ગામના ઘણા વેપારીઓ એમાં દુકાન ધરાવે છે. અહીં મોટા પ્રમાણમાં કાપડ, પૅકિંગ મટીરિયલનું પ્લાસ્ટિક અને કોરુગેટેડ બૉક્સ એમ બધી જ જલદી સળગી ઊઠે એવી આઇટમો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ઈદ આવતી હોવાથી દુકાનદારોએ સીઝનને લીધે ફુલ માલ ભર્યો હતો અને ઘરાકી પણ ખૂબ હતી. સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈના જખમી થવાના અહેવાલ નથી. 

સેન્ટર પ્લાઝામાં જ દુકાન ધરાવતા વેપારી કિરીટ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌથી પહેલાં આગ પાંચમા માળે આવેલા ગાળા-નંબર ૫૦૬માં લાગી હતી. ત્યાં કપડાં ઇસ્ત્રી કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એમાં શૉર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ત્યાં જ કપડાંનો મોટો જથ્થો હતો એટલે આગમાં એ તરત જ ભડભડ બળવા માંડ્યો હતો. એ પછી આગ ઉપરની તરફ ફેલાવા માંડી હતી અને ધીમે-ધીમે છ, સાત અને આઠમા માળ સુધી પહોંચી ગઈ હતી. આગ લાગતાં જ બિલ્ડિંગમાં જે લોકો હતા એ બધા બહાર દોડી ગયા હતા.’

સેલ્ફી લેતી વખતે ધુમાડો દેખાયો
દફ્તરી રોડ પર આવેલા સેન્ટર પ્લાઝાની બાજુમાં ગલી છે. એની સામેની બાજુ ગઈ કાલે શિવાજી જયંતી (તિથિ પ્રમાણે) હોવાથી મંડપ બાંધવામાં આવ્યો હતો અને ત્યાં સત્યનારાયણની પૂજાનું આયોજન થયું હતું. એક સ્થાનિક વેપારીના કહેવા મુજબ એ વખતે પૅટ્રોલિંગ કરી રહેલો એક પોલીસ-કૉન્સ્ટેબલ ત્યાં ચક્કર મારવા આવ્યો હતો અને તેણે ત્યાં સેલ્ફી લેવા મોબાઇલ કાઢ્યો હતો. સેલ્ફી લેતી વખતે તેણે કૅમેરામાં જોયું કે પાછળના ​બિલ્ડિંગમાંથી ધુમાડો દેખાઈ રહ્યો છે એટલે તે અલર્ટ થઈ ગયો હતો અને તરત જ પોલીસને અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. એમ કહેવાય છે કે દફ્તરી રોડ બહુ જ સાંકડો છે એટલે ફાયર​બ્રિગેડને આવવામાં વાર લાગી હતી એટલે આગ કાબૂની બહાર જતી રહી હતી.

​બિલ્ડિંગની ફાયર-સિસ્ટમ ચાલુ 
સેન્ટર પ્લાઝા પાર્કમાં બેઝમેન્ટ સહિત આઠ માળ છે. દરેક ફ્લોર પર ૧૮ ગાળા છે. સોસાયટીના ટ્રેઝરર ચંપક ફુરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બિલ્ડિંગમાં લગભગ ૧૧ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ફાયરબ્રિગેડને જાણ કરતાં બંબા આવી ગયા હતા. અમારા બિલ્ડિંગની પણ ફાયર-સિસ્ટમ ચાલુ હતી. એનો પણ તેમણે ઉપયોગ કર્યો હતો. કપડાંની માર્કેટ હોવાથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.’

વેપારી ધ્રુસકે-ધ્રુસકે રડ્યો
એક યુવાન વેપારી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો, કારણ કે તેણે જિંદગીભરની કમાણી ધંધામાં લગાડી દીધી હતી અને તેનો ગાળો બળીને ખાખ થઈ જતાં તે ભાંગી પડ્યો હતો. બીજું, તેણે જેમને માલ વેચ્યો હતો એનું પેમેન્ટ કોની પાસેથી કેટલું લેવાનું છે એ બધા રેકૉર્ડ પણ આગમાં બળી ગયા હતા. એ વખતે અન્ય વેપારીએ કહ્યું હતું કે ‘હવે માણસાઈની કસોટી થશે. અફકૉર્સ વેપારીઓ તેના પૈસા વાળી દેશે, પણ બહારગામના વેપારીઓ પાસેથી લેણી નીકળતી રકમ રેકૉર્ડ વગર કઢાવવી ભારે છે.’

નજર સામે બધું ધૂળધાણી
અમરશીભાઈ નામના વેપારીના બે ગાળા આ આગમાં બળીને ખાખ થઈ ગયા છે. તેઓ નજીકમાં જ રહેતા હોવાથી તેમનો આખો પરિવાર આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે નજર સામે જ આગમાં બધું ખાખ થતું જોઈને એ પરિવાર પણ ભાંગી પડ્યો હતો. 

પાણીનાં ટૅન્કર સતત બોલાવ્યાં
સુધરાઈના જણાવ્યા અનુસાર આગ લાગ્યાની જાણ થયા બાદ ફાયરએન્જિન અને જમ્બો ટૅન્કર મોકલવામાં આવ્યાં હતાં. જોકે આગનો વ્યાપ જોઈને લેવલ–ટૂની આગ જાહેર કરાઈ હતી. કુલ છ ફાયરએન્જિન, છ જમ્બો ટૅન્કર, લૅડર અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે બોલાવાયાં હતાં. બાજુની સોસાયટીની પાણીની ટાંકીમાંથી પણ પાણી વાપરવામાં આવ્યું હતું. આગ પર બપોરે ૧.૧૧ વાગ્યે કાબૂ મેળવી લેવાયો હતો. એમ છતાં ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા. ધુમાડો બહાર કાઢવા કાચ તોડવા પડ્યા હતા. મોડી સાંજ સુધી કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું અને પાણીનાં ટૅન્કર સતત બોલાવવા પડ્યાં હતાં. 

વેપારીઓ શું વાતો કરતા હતા?
જો આ લોકો (BMC અને ફાયરબ્રિગેડ) આપણને આજે જ અંદર જવા દે તો સારું. જે માલ છે એ કેવી ક​ન્ડિશનમાં છે એ ખબર પડે. બચે એટલો માલ બચાવીએ અને જો શક્ય હોય તો આવતી કાલથી જ માર્કેટ ફરી પાછી ચાલુ કરી દઈએ.

ભલે ઇલેક્ટ્રિસિટી ન હોય, જનરેટર બોલાવીશું. દરેકને રોજના બે-પાંચ હજાર રૂપિયા આપવા પડે એ પરવડશે, પણ દુકાનો સીઝનમાં એક પણ દિવસ બંધ રાખવી નહીં પરવડે. બહુ સ્ટૉક કર્યો છે એ માથે પડે એને બદલે જનરેટરવાળાને બોલાવી જ લો. જે ખર્ચો થશે એ સરખા ભાગે વહેંચી લઈશું. 

malad mumbai news fire incident mumbai bakulesh trivedi