અ રીડર ટુડે વિલ બી અ લીડર ટુમૉરો

07 March, 2025 01:38 PM IST  |  Mumbai | Darshini Vashi

માત્ર પોણાચાર વર્ષની ઉંમરમાં ૨૦૦ કરતાં પણ વધુ પુસ્તકો વાંચી ચૂકેલો લાલબાગમાં રહેતો દેવ મંડોત આ વિધાનને શત પ્રતિશત સિદ્ધ કરવા તરફ સતત આગળ વધી રહ્યો છે

દેવ મંડોત

‘આખો દિવસ મોબાઇલ લઈને બેસી જાય છે, કાં તો ટીવી ચાલુ કરીને સામે જ ગોઠવાઈ રહે છે. ચોપડાં તો એક્ઝામ સિવાય ખૂલતાં જ નથી.’

લગભગ બધા પેરન્ટ્સ દિવસમાં એક વખત તો આ વાક્ય તેમનાં બાળકોને કહેતા હશે. પેરન્ટ્સની આ સમસ્યા આજે ગ્લોબલ સમસ્યા બની ગઈ છે. આજની જનરેશનને મોબાઇલ અને ટીવીનું એવું ઘેલું લાગ્યું છે કે જો થોડો સમય પણ તેમને આ ડિવાઇસથી દૂર રહેવાનો વારો આવે તો તેમને ગભરાટ જેવું થાય છે. ખાસ કરીને નાનાં બાળકોને, જેમને જમતી વખતથી લઈને બેડ પર સૂતાં-સૂતાં પણ મોબાઇલ હાથમાં જ જોઈએ છે. ઘરની અંદર તો ઠીક પણ બહાર ફરવા ગયા હોય કે પછી રિલેટિવના ઘરે ગયા હોય તો ત્યાં પણ મોબાઇલ તો જોઈએ જ. આવી સિચુએશન આજે દરેક ઘરમાં છે. એવામાં જો તમને આવીને કોઈ કહે કે મારો બાળક તો મોબાઇલ અને ટીવી સામે જોતો પણ નથી તો તમે માનશો? નહીંને? પરંતુ આ હકીકત છે. લાલબાગ વિસ્તારમાં રહેતા પોણાચાર વર્ષના એક બાળકને તમે મોબાઇલ આપશો તો તે એ લેવાની ચોખ્ખી ના પાડશે અને ટીવી ચાલુ કરશો તો ઊંધો ફરીને બેસી જશે અને બુક વાંચવા લાગશે. બુક્સ પ્રત્યેનો પ્રેમ એવો કે આજ સુધીમાં તેણે ૨૦૦ કરતાં પણ વધુ બુક્સ વાંચી કાઢી છે. આ વાત માનવામાં ન આવે એવી છે, પરંતુ આ હકીકત છે.

ટૉય કરતાં બુક વહાલી

માટુંગાની ડૉન બૉસ્કો ઇન્ટરનૅશનલ સ્કૂલમાં નર્સરીમાં ભણતો દેવ મંડોત ભારતનો કદાચ એકમાત્ર સૌથી ટેણિયો બુકલવર હશે જેણે આજ સુધી ૨૦૦ કરતાં પણ અધિક પુસ્તકો વાંચી લીધાં છે અને ઘરમાં પોતાની લાઇબ્રેરી પણ ધરાવે છે. આ વિશે વધુ માહિતી આપતાં દેવનાં મમ્મી નીતા મંડોત કહે છે, ‘હું પોતે સ્કૂલમાં ટીચર છું. હું જોતી આવી છું કે આજે બાળકોને ચૉકલેટ નહીં મળે તો એક વખત ચલાવશે પણ મોબાઇલ નહીં મળે તો આખું ઘર માથે લઈ લેતાં હોય છે. મારે મારા બાળકને આવી બાબતોથી દૂર રાખવો હતો એટલે મેં તેના જન્મના થોડા દિવસની અંદર જ તેને ફ્લૅશ કાર્ડ, બુક્સ વગેરેથી પરિચિત કરાવવાનું શરૂ કરી દીધું હતું. ધીરે-ધીરે તેને એમાં રસ પડવા લાગ્યો હતો. પછી તો તમે તેની સામે એક તરફ ટૉય મૂકો અને એક તરફ બુક મુકો તો તે બુકને જ પહેલાં હાથમાં લેતો. તમે માનશો નહીં પણ તે સવા વર્ષનો હતો ત્યારે તેણે ૩૬ બુક ઓળખી બતાવી હતી. અને આ સાથે તેણે વર્લ્ડ રેકૉર્ડમાં નામ પણ નોંધાવ્યું હતું. થોડા મહિના બાદ ફરી તેણે જ તેનો રેકૉર્ડ તોડ્યો હતો. તેણે પોણાબે વર્ષની ઉંમરમાં ૧૬૦ કરતાં વધુ બુક્સને આઇડેન્ટિફાઇ કરી બતાવી હતી. તમે તેને કોઈ પણ બુક વિશે પૂછો તો તે તમને એના પર હાથ મૂકીને બતાવશે. એવી રીતે તેણે એ સમયે ૧૬૦ કરતાં વધુ બુક પારખી બતાવી હતી. આજની તારીખમાં પણ તેના વાંચન પ્રત્યેના શોખ અને પ્રેમ અકબંધ રહ્યા છે. આજે પણ રોજ જેવો તે તેના કામમાંથી ફ્રી થાય કે તરત બુક ખોલીને બેસી જાય છે. અમે આજુબાજુ ન હોઈએ તો પઝલ્સ કે પછી ઍક્ટિવિટી બુક ખોલીને બેસી જાય છે. પિક્ચર બુક લઈને સ્ટોરી પોતાની જાતે સમજવા લાગે છે. પછી અમે ફ્રી થઈ જઈએ એટલે અમારી પાસે બુક લઈને આવે છે અને અમને વાંચવા કહે છે. અમે તેને વાંચી સંભળાવીએ છીએ. સાથે-સાથે એનો અર્થ પણ કહેતા જઈએ છીએ. અમે કદાચ બુક વાંચીને થાકી જતા હોઈશું પણ તે સાંભળીને ક્યારેય થાકતો નથી. એવું નથી કે તે સાંભળવા પૂરતું સાંભળે છે, તેને સ્ટોરી બરાબર યાદ પણ હોય છે. તમે તેને કોઈ પણ વાંચેલી બુક વિશે પૂછો તો તે ફટ દઈને તમને સમજાવશે એટલું જ નહીં, તમે આજે તેને કોઈ પણ પ્રાણી કે પછી કોઈ પણ ફિક્શન પર સ્ટોરી જાતે બનાવીને બોલવા કહો તો તે સુંદર મજાની સ્ટોરી જાતે બનાવીને તમને સંભળાવી પણ શકે છે. વાંચનના લીધે આજે તેની પાસે શબ્દોનો ભંડાર પણ વધી ગયો છે. તેની ઉંમરના છોકરાઓ કરતાં તેનો થિન્કિંગ પાવર અને ઇમૅજિનેશન કૅપેસિટી પણ વધી ગયાં છે અને સ્ક્રીન-ટાઇમ શૂન્ય છે.’

પેરન્ટ્સને પણ વાંચનનો શોખ

બાળકોના ઉછેરમાં પેરન્ટ્સની ભૂમિકા વિશે જણાવતાં નીતાબહેન કહે છે, ‘મને અને મારા હસબન્ડને પહેલાંથી વાંચનનો બહુ શોખ રહ્યો છે. મારા કરતાં પણ મારા હસબન્ડ વિનેશને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે. કહેવાય છેને કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે તમે જે કંઈ બોલો, સાંભળો કે જુઓ એની અસર બાળક પર થાય છે. એટલે અમારા બાળકને જન્મથી જ વાંચન પ્રત્યે શોખ વધે અને સારા વાંચનથી સારા સંસ્કારનું સિંચન થઈ શકે એ માટે દેવ જ્યારે મારા ગર્ભમાં હતો ત્યારે હું રોજ બુક્સ વાંચતી હતી. એટલે જન્મથી જ તેને કુદરતી રીતે પુસ્તકો વાંચવામાં રસ પડી ગયો હતો. અમારા બેડરૂમમાં પણ અમે ટીવી રાખ્યું નથી. અમે બન્ને વર્કિંગ છીએ છતાં ઘરમાં આવ્યા બાદ પૂરો સમય અમે મોબાઇલ કે પછી ટીવી પાછળ આપવા કરતાં દેવ પાછળ જ આપીએ છીએ. રોજ અમે તેને પુસ્તક વાંચીને સંભળાવીએ તો છીએ જ અને સાથે અમે ટ્રાવેલિંગ દરમિયાન પણ બુક સાથે રાખીએ છીએ. જેમ કે અમે હમણાં અમ્રિતસર તરફ ફરવા ગયાં હતાં તો ત્યાં પણ અમે એ એરિયાની માહિતી આપતી બુક લઈ ગયાં હતાં જેથી તેને અમે એ જગ્યાએ જઈને એના વિશે સમજાવી શકીએ અને દેવ એ સ્થળને વધુ સારી રીતે સમજી શકે. આવી જ રીતે અમે ભાયખલા ઝૂમાં તેને લઈ ગયાં હતાં તો ત્યાં પણ અમે ઍનિમલ્સ અને બર્ડ્‍સની બુક લઈ ગયાં હતાં જેથી તે આ પ્રાણીઓને માત્ર નામથી જ નહીં પણ એનાં ફીચર, વિશેષતા અને જાતને પણ સમજી શકે. ટૂંકમાં અમે કશે પણ જઈએ તો હાથમાં એક બુક હોય એટલે હોય જ. મેં આજ સુધી તેને કોઈ ઇતર ક્લાસમાં મૂક્યો જ નથી અને મૂકવાની પણ નથી. જો પેરન્ટ્સ જ બાળકોને પૂરતો સમય આપે તો તેને અન્ય ક્લાસ કરવાની જરૂર જ પડતી નથી. કેટલાક પેરન્ટ્સ બાળકોને મસ્તી કરતાં અટકાવવા અને પોતાને સમય મળે એ માટે બાળકોને હાથમાં મોબાઇલ આપી દે છે અને પછી કહે છે કે મારું બાળક બહુ મોબાઇલ જુએ છે. એમાં પેરન્ટ્સની ભૂલ પણ હોય છે. બાળકોની સાથે વાત કરો, તેને સમજવાના પ્રયત્નો કરો અને પુસ્તકની સાથે પ્રેમ કરતાં શીખવો. બાળકોને નાનપણથી તમે જે રીતે વાળો અને તેનામાં સંસ્કારોનું સિંચન કરો એ તેને ભવિષ્યમાં ખૂબ જ મદદ કરે છે.’

ચિત્રકામ પણ કરે છે

આજ સુધીમાં દેવે અનેક પુસ્તકો તો વાંચ્યાં જ છે અને એ ઉપરાંત તે ઇતર પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહે છે એમ જણાવતાં નીતાબહેન કહે છે, ‘દેવ પોતાના ફ્રી સમયમાં ચિત્રકામ પણ કરે છે. ઇમૅજિનેશન પાવરને લીધે તે ખૂબ જ સુંદર ચિત્રો બનાવી જાણે છે. કોયડાઓ ઉકેલવાનું, કાર્ડ બનાવવાનું, વિવિધ સ્થળોની મુલાકાત લેવાનું અને લોકો સાથે વાત કરવાનું તેને પસંદ છે. શ્લોક અને પ્રાર્થનાઓ પણ તે જાણે છે. અમારી પાસે લગભગ ૨૦૦ પુસ્તકો છે જેમાં આંતરરાષ્ટ્રીય લેખકોની બુક્સ, પૌરાણિક કથાઓ, કાલ્પનિક, નૉન-ફિક્શન બુક્સ અને પિક્ચર પુસ્તકોનો સમાવેશ થાય છે. દેવનાં મનપસંદ પુસ્તકોની યાદી લાંબી છે જેમાં ‘મન્કી પઝલ’, ‘હાઉ થિંગ્સ વર્ક’, ‘લિટલ હનુમાન’, ‘પ્લીઝ ડોન્ટ ચૅટ ટુ ધ બસ ડ્રાઇવર’, ‘કિચન ડિસ્કો’ વગેરેનો સમાવેશ થાય છે.  દેવને પુસ્તકો પ્રત્યે એટલો પ્રેમ છે કે તેણે કેટલાંક પુસ્તકોની આખી શ્રેણી ખરીદી છે. અમે રમકડાંની લાઇબ્રેરીમાં પણ જોડાયાં છીએ જેથી તેને વધારાનાં પુસ્તકો મળે. એટલે ૨૦૦ પુસ્તકો ઉપરાંત તેણે ટૉય લાઇબ્રેરીમાંથી પણ અનેક પુસ્તકો લઈને વાંચ્યાં છે. આજે કોઈ બાળક બહાર નીકળે તો તે રમકડાંની જીદ કરે પણ અમારા કેસમાં ઊલટું છે, તે બુક્સ લેવાની જીદ કરે. અમારા ઘરે તમને તેની બુક્સની આખી લાઇબ્રેરી જોવા મળશે.’

 

mumbai news mumbai gujarati medium school gujarati community news lalbaug Education