ચાર લાખ રૂપિયાની લાંચ લેવા બદલ મુંબઈ સુધરાઈના એન્જિનિયરની ધરપકડ

07 December, 2022 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભુલેશ્વરમાં શૌચાલયની સારસંભાળ માટેનું લાઇસન્સ પૂરું થઈ ગયું હોવાથી એને રિન્યુ કરવા માટે પૈસા માગ્યા હોવાનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ મુંબઈમાં આવેલા ભુલેશ્વર વિસ્તારમાં સાર્વજનિક શૌચાલયના મેઇન્ટેનન્સ માટેનું લાઇસન્સ રિન્યુ કરવા માટે ચાર લાખ રૂપિયાની લાંચ લેવાના મામલામાં ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ મુંબઈ બીએમસીના એક જુનિયર એન્જિનિયરની સોમવારે રંગેહાથ ધરપકડ કરી હતી.ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ આપેલી માહિતી મુજબ ભુલેશ્વર વિસ્તારમાં આવેલા સાર્વજનિક શૌચાલયની સારસંભાળ રાખવા માટેનું કામ કુંઘડિયા સેવા સંઘ નામની એક સંસ્થાને સોંપવામાં આવ્યું હતું. આ માટે આ સંસ્થાને લાઇસન્સ પણ અપાયું હતું. આ લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવાથી સંસ્થાના ટ્રેઝરરે લાઇસન્સ રિવ્યુ કરવા માટેની ઍપ્લિકેશન મુંબઈ બીએમસીના લાઇસન્સ વિભાગની ક્રૉફર્ડ માર્કેટમાં આવેલી ઑફિસમાં આપી હતી.

પોલીસના જણાવ્યા મુજબ લાઇસન્સ રિન્યુ કરવા માટે જુનિયર એન્જિનિયર ભૂષણ ભુસાણેએ સંસ્થા પાસેથી ચાર લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી. સંસ્થા બીએમસીના આ અધિકારીને લાંચ આપવા માગતી ન હોવાથી સંસ્થાના ટ્રેઝરરે મુંબઈ ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)માં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ ચકાસ્યા બાદ એ જેન્યુઇન હોવાનું જણાતાં એબીએ જુનિયર એન્જિનિયરની ઑફિસમાં છટકું ગોઠવ્યું હતું અને તેણે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેવાની તૈયારી બતાવતાં પોલીસે ભૂષણ ભુસાણેની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી હતી. 

mumbai mumbai news Crime News mumbai crime news brihanmumbai municipal corporation