દારૂ પીવા પૈસા ન મળતાં પુત્રે કરી કાતરથી ગળું ચીરીને પિતાની હત્યા

23 September, 2012 05:12 AM IST  | 

દારૂ પીવા પૈસા ન મળતાં પુત્રે કરી કાતરથી ગળું ચીરીને પિતાની હત્યા

નવઘર પોલીસે શુક્રવારે મોડી રાત્રે અતુલની ધરપકડ કરી હતી. ગઈ કાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૨૬ સપ્ટેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી. અતુલના ૬૧ વર્ષના પિતા સુધીર ઝેમસે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના રિટાયર્ડ ઑફિસર હતા.

નવઘર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અતુલ છેલ્લા એક વર્ષથી કામ કરતો નહોતો. એ પહેલાં પણ ત્રણ વર્ષમાં તેણે અનેક નોકરીઓ બદલી હતી. નોકરી ન હોવાથી તે ઘરે જ બેસી રહેતો. બેકારી આવતાં ખરાબ સંગતમાં દારૂ પીને ઘરે આવવા લાગ્યો અને રોજ માતા-પિતા સાથે ઝઘડો કરતો. શુક્રવારે રાત્રે સાડાઅગિયાર વાગ્યે અતુલ ઘરે આવ્યો ત્યારે તેણે તેની માતા રેખા પાસે દારૂ પીવા રૂપિયા માગ્યા હતા એટલે માતાએ તેને કહ્યું હતું કે પહેલાં જમવાનું જમી લે, ત્યાર પછી જ હું તને રૂપિયા આપીશ. જમ્યા પછી અતુલનાં માતા-પિતા બેડરૂમમાં સૂવા જતાં રહ્યાં હતાં. એ વખતે ગુસ્સામાં આવી તે તેમના બેડરૂમમાં ઘૂસી ગયો હતો અને પિતાની છાતી અને ગળા પર વારંવાર કાતર વડે વાર કયોર્ હતો. પતિને લોહીલુહાણ જોઈને મદદ માટે રેખાબહેને સોસાયટીના લોકોને બોલાવ્યા હતા. વધુ પ્રમાણમાં જખમી થવાથી સુધીર ઝેમસેનું મૃત્યુ થયું હતું. જોકે હત્યા કર્યા પછી ભાગી જવાને બદલે અતુલ ઘરમાં બેસી રહ્યો હતો. સોસાયટીના સેક્રેટરીએ પોલીસને બોલાવીને તેની ધરપકડ કરાવી હતી અને હત્યા માટે વાપરવામાં આવેલી કાતર તાબામાં લઈ લીધી હતી.’

નવઘર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક ભોરડેએ કહ્યું હતું કે ‘અતુલે દારૂ પીવાના પૈસા ન મળતાં તેના પિતાની હત્યા કરી હતી. અમે હત્યાના આરોપસર અતુલની ધરપકડ કરી છે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’