પિતાના મૃત્યુના ૪ દિવસ બાદ પુત્રીનું પણ ડેન્ગીથી મૃત્યુ થયું

10 December, 2012 07:42 AM IST  | 

પિતાના મૃત્યુના ૪ દિવસ બાદ પુત્રીનું પણ ડેન્ગીથી મૃત્યુ થયું

એ સાથે શહેરમાં આ વર્ષે ડેન્ગીથી થયેલું આ પાંચમું મૃત્યુ હતું. શુક્રવારે તસનીમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલથી નાયર હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ગઈ કાલે સવારે સવાસાત વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. ડેન્ગીના લીધે લિવરમાં તકલીફ અને શ્વાસ લેવામાં ભારે તકલીફને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું નાયર હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું હતું. તેના પિતા તારિકનું મૃત્યુ બુધવારે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં થયું હતું.

માતાને શૉક


તારિકની પત્ની અને તસનીમની માતા શકીલાને પણ ડેન્ગી થયો છે અને પતિ તથા પુત્રીના મૃત્યુથી તેને ભારે શૉક લાગ્યો છે. શકીલા પર નાયર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પણ ગઈ કાલે તેને રજા આપવામાં આવી હતી. તેની તબિયત સારી હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. જાફરી પરિવાર મલાડ (વેસ્ટ)માં આવેલા માલવણી વિસ્તારની મ્હાડા કૉલોનીમાં રહે છે. આ ત્રણેયને શરૂઆતમાં મલાડની સૂચક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, પણ તેમની તબિયત લથડતાં પછી તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

શું કહે છે ડૉક્ટરો?


નાયર હૉસ્પિટલના પીડિયાટ્રિક્સ વિભાગના હેડ ડૉ. સંદીપ બાવડેકરે કહ્યું હતું કે ‘તસનીમનું લિવર બરાબર કામ નહોતું કરતું. ડેન્ગીને લીધે તેના લિવરને અસર થઈ હતી અને એથી અનેક પ્રકારનાં કૉãમ્પ્લકેશન્સ ઊભાં થયાં હતાં. તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એથી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં અમે તેને બચાવી ન શક્યા.’

મ્હાડા - MHADA = મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી