28 January, 2026 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વનખાતાના પ્રધાન ગણેશ નાઈકે ડિમોલિશનની કાર્યવાહી પર સ્ટે મૂકતાં આંદોલન કરી રહેલા આદિવાસીઓએ તેમના નિર્ણયને વધાવી લીધો હતો અને તેમના મોઢા પર આનંદ છવાઈ ગયો હતો. એ પછી તેમણે ઉજવણી કરી હતી.
કોર્ટે આપેલા આદેશને લઈને બોરીવલી-ઈસ્ટમાં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કની અંદર રહેતા આદિવાસીઓને હટાવવાની કાર્યવાહી છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી અને એમાં આદિવાસીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. જોકે ગઈ કાલે આ બાબતે વનખાતાના પ્રધાન ગણેશ નાઈકે એ ડિમોલિશન પર હાલપૂરતો સ્ટે મૂક્યો હોવાનું કહીને કાર્યવાહી અટકાવી હતી. તેમના આદેશ પછી પોલીસ નૅશનલ પાર્કમાંથી પાછી ફરી હતી. ડિમોલિશનની કાર્યવાહી અટકાવવામાં આવતાં આદિવાસીઓએ ગણેશ નાઈકના નિર્ણયને વધાવી લીધો હતો.
ડિમોલિશનની કાર્યવાહી કરવા આવેલા ઑફિસરો અને પોલીસ સામે વિરોધ પ્રદર્શિત કરવા નૅશનલ પાર્કના આદિવાસીઓએ રસ્તા પર બેસીને ધરણાં કર્યાં હતાં.
ડિમોલિશનનો મોટા પાયે વિરોધ થતો હોવાથી મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો. એક તબક્કે આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે વિખવાદ થતાં મામલો ગંભીર બન્યો હતો. તસવીરો : સતેજ શિંદે
નૅશનલ પાર્કમાં આવેલા આદિવાસીપાડા પર અતિક્રમણવિરોધી કાર્યવાહી કરવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે ૧૯૯૦માં દાખલ થયેલી અરજીના આધારે આપ્યો છે. જોકે નૅશનલ પાર્કની અંદર કોઈને પણ કાયમી બાંધકામ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. વનવિભાગને કોર્ટે આદેશનું પાલન કરવાનું જણાવતાં વનવિભાગે સ્થાનિક પોલીસની મદદથી નૅશનલ પાર્કની અંદર રહેતા આદિવાસીઓનાં ઘરનું ડિમોલિશન હાથ ઘર્યું હતું. જોકે એ વખતે સ્થાનિક આદિવાસીઓએ પોલીસ-કાર્યવાહીનો જોરદાર વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ વિરોધ-પ્રદર્શનમાં જોડાઈ હતી અને રસ્તા પર બેસી ગઈ હતી. કાર્યવાહી થતાં આદિવાસીઓ રોષે ભરાયા હતા અને તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
નૅશનલ પાર્કની અંદર કેટલીક પેઢીઓથી રહેતા આદિવાસી લોકોએ કોર્ટના આદેશનો વિરોધ કર્યો છે. વન હક કાયદા અનુસાર આદિવાસીઓનો વનની જમીન પર અધિકાર છે. જોકે સરકારે ત્યાંના આદિવાસીઓને ચાંદીવલીમાં સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી અંતર્ગત ફ્લૅટ પણ ઑફર કર્યા હતા, પણ આદિવાસીઓ પોતાની જગ્યા છોડવા તૈયાર નથી.
ડિમોલિશન રોકવાની જાહેરાત પછી ગણેશ નાઈકે શું કહ્યું?
વનખાતાના પ્રધાન ગણેશ નાઈકે આ બાબતે કહ્યું હતું કે ‘નૅશનલ પાર્કમાં અતિક્રમણ સામેની કાર્યવાહી કોર્ટના આદેશને લઈને કરવામાં આવી રહી હતી, પણ વિષયની ગંભીરતા જોતાં આ કાર્યવાહી પર સ્ટે મૂકવામાં આવ્યો છે. આ બાબતે મુખ્ય પ્રધાન સાથે એક બેઠક કરવામાં આવશે. આ વિષય સમજવો પડશે, આદિવાસીપાડા એ અતિક્રમણ છે અને બૉમ્બે હાઈ કોર્ટનો આ બાબતે નિર્ણય છે. આવી પરિસ્થિતિમાં આદિવાસીઓને સમજાવવામાં આવશે અને કોર્ટના આદેશનું સન્માન કરવામાં આવશે. પથ્થરમારો કર્યો એ તેમણે બરાબર નથી કર્યું. સરકાર કાંઈ વિધાનસભ્ય કે પ્રધાનોની નથી હોતી, સરકાર જનતાની હોય છે. જનતાએ સંયમ રાખવો જોઈએ.’