હવે મૉન્સૂનમાં વેસ્ટર્ન સબર્બ્સમાં પાણી ભરાવાના ચાન્સ ઓછા થશે

09 December, 2012 07:48 AM IST  | 

હવે મૉન્સૂનમાં વેસ્ટર્ન સબર્બ્સમાં પાણી ભરાવાના ચાન્સ ઓછા થશે




(શૈલેશ ભાટિયા)

મુંબઈ, તા. ૯

વિલે પાર્લે (વેસ્ટ)માં વિલે પાર્લે હેલી-બેઝથી જુહુ બીચ સુધી વરસાદના પાણીને લઈને જતી ગટરની ઉપર ૨૦ જેટલી કહેવાતી ગેરકાયદે દુકાનો બાંધવામાં આવી છે અને એને કારણે મિલન સબવે સહિત વેસ્ટર્ન ઉપનગરોમાં મૉન્સૂનમાં પાણી ભરાઈ જવાની ઘટના બને છે. જોકે હવે હાઈ ર્કોટે આ દુકાનોને ૨૦૧૩ની ૩૧ જાન્યુઆરી સુધીમાં હટાવી દેવાનો સુધરાઈને આદેશ આપ્યો છે.

આ વિશાળ, ઍર-કન્ડિશન્ડ દુકાનોને આધુનિક ઇન્ટીરિયરથી સજાવવામાં આવી છે અને એમાં ડિઝાઇનર ક્લોથ તથા કલાકારીગરીની ચીજો વેચવામાં આવે છે. જોકે સરકારના રેકૉર્ડ પર આ દુકાનો ઝૂંપડાં તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ દુકાનો એસએનડીટી કૉલેજ પાછળની ૩૦ મીટર લાંબી પાણીની ગટરને સાવ સાંકડી બનાવી દે છે અને એથી મૉન્સૂનમાં આ વિસ્તાર સહિત વેસ્ટર્ન સબબ્ર્સમાં પાણી ભરાઈ જાય છે.

ચીફ જસ્ટિસ અનુપ મોહતાના ચુકાદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે એક વાર ડિવિઝનલ કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર અપીલની સુનાવણી કરી લે પછી ડેપ્યુટી કલેક્ટર (અતિક્રમણ અને એને દૂર કરવાનો વિભાગ) અને સુધરાઈએ અપેલેટ ઑથોરિટીના આદેશના એક મહિના પછી આ સ્ટ્રક્ચરો તોડી નાખવાં જોઈએ.

ર્કોટમાં રજૂ કરવામાં આવેલા ડેપ્યુટી કલેક્ટર પી. આર. રોકડેના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦માંનાં માત્ર ૬ સ્ટ્રક્ચર પાસે ૨૦૦૦ની પહેલી જાન્યુઆરીથી તેઓ અહીં હોવાના દસ્તાવેજી પુરાવા છે. જેમની પાસે આવા પુરાવા છે એમને સુધરાઈ વૈકલ્પિક જગ્યા આપશે અને પછી આ સ્ટ્રક્ચરો તોડી પાડશે.

સ્થાનિક ઍક્ટિવિસ્ટ અનિલ નાયરે આ બાબતે કહ્યું હતું કે ‘કલેક્ટરની ઑફિસે સખત રિમાર્ક આપવા છતાં બે વર્ષથી કોઈ પણ પ્રકારની ઍક્શન લેવામાં આવી નથી. આ દુકાનો જુહુના પ્રાઇમ લોકેશનમાં બાંધવામાં આવી છે અને દરેક દુકાનનું મહિનાનું ભાડું સાત લાખ રૂપિયા જેટલું મળે છે. આને કારણે જ આટલી ઢીલ જોવા મળે છે. અમે એટલે જ હાઈ ર્કોટમાં જનહિત અરજી કરી હતી. અમે આ ચુકાદાનું સ્વાગત કરીએ છીએ.’

આદેશ મુજબ કાર્યવાહી


ડેપ્યુટી કલેક્ટર પી. રોકડે આ બાબતે કૉમેન્ટ માટે ઉપલબ્ધ નહોતા. સુધરાઈના એચ-વેસ્ટ વૉર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઉલ્હાસ મહાલેનો આ સંદર્ભમાં સંપર્ક કરતાં તેમણે બહારગામ હોવાનો દાવો કરીને આ બાબતે મેઇન્ટેનન્સ વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયર એસ. વી. બાવિસ્કરનો સંપર્ક કરવા કહ્યું હતું. એસ. વી. બાવિસ્કરે આ બાબતે મારી પાસે વધુ માહિતી નથી એમ જણાવીને સબ-એન્જિનિયર માંજરેકરનો સંપર્ક કરવા કહ્યું હતું. માંજરેકરે કહ્યું કે હાઈ ર્કોટના આદેશો મુજબ થોડા દિવસથી આ સ્ટ્રક્ચરોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

એસએનડીટી = શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી