કંગનાની ઑફિસમાં ડિમોલિશન ​: ન્યુઝ ટીવીના પત્રકારના જામીન મંજૂર કરાયા

17 October, 2020 11:09 AM IST  |  Mumbai | Agencies

કંગનાની ઑફિસમાં ડિમોલિશન ​: ન્યુઝ ટીવીના પત્રકારના જામીન મંજૂર કરાયા

કંગના રણોત

ગયા મહિને અભિનેત્રી કંગના રનોટની ખારસ્થિત ઑફિસ ખાતે બીએમસીએ હાથ ધરેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન સરકારી અધિકારીને તેમની ફરજ બજાવતા અટકાવવા બદલ અને કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવાના આરોપનો સામનો કરી રહેલા ટીવી પત્રકારના આગોતરા જામીન અહીંની સેશન્સ કોર્ટે મંજૂર કર્યા હતા.
ઍડિશનલ સેશન્સ જજ આર. એમ. સદરાણીએ આઇપીસીની કલમો તેમ જ બૉમ્બે પોલીસ ઍક્ટની સુસંગત જોગવાઈઓ હેઠળ આરોપોનો સામનો કરી રહેલા રિપબ્લિક ટીવીના પત્રકાર પ્રદીપ ભંડારીના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
ફરિયાદ પક્ષે જણાવ્યા પ્રમાણે જ્યારે ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે આરોપીએ આશરે 15થી 20 વ્યક્તિઓના જૂથને નાણાં ચૂકવીને પરિસરની બહાર એકત્રિત કર્યું હતું.
આ જૂથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસકર્મીઓને તેમની ફરજ બજાવતા અટકાવવાની કોશિશ કરી હતી.
ભંડારીએ તેની અરજીમાં દલીલ કરી હતી કે તેણે કોઈ સરકારી કર્મચારી પર હુમલો ન કર્યો હોવાથી અહીં કલમ 353 લાગુ પડતી નથી. અદાલતે તેના આદેશમાં નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષના આરોપો ટોળા વિરુદ્ધ હતા.
એફઆઇઆરના લખાણમાં કોઈ સરકારી અધિકારીને તેની સરકારી ફરજ બજાવતો અટકાવવા માટે તેની વિરુદ્ધ બળપ્રયોગ કે તેના પર હુમલો કરવામાં આવ્યાનું જણાવાયું નથી. વળી કલમ 353 એફઆઇઆર નોંધાયાના સપ્તાહ બાદ ઉમેરવામાં આવી હતી તેમ અદાલતે નોંધ્યું હતું.
આથી એ સ્પષ્ટ છે કે એફઆઇઆર નોંધાવાયો ત્યારે સરકારી અધિકારીને તેની ફરજ બજાવતા અટકાવવામાં આવી રહ્યો હોવાની જાણ નહોતી એમ અદાલતે ઉમેર્યું હતું.

mumbai mumbai news kangana ranaut