સયાજીનગરી એક્સપ્રેસને આશાપુરા એક્સપ્રેસ નામ આપવાની થઈ માગણી

05 June, 2022 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કચ્છ જનજાગૃતિ અભિયાન દ્વારા રેલ રાજ્યપ્રધાન રાવસાહેબ દાનવે સમક્ષ કરવામાં આવી રજૂઆત

રેલ રાજ્યપ્રધાન રાવસાહેબ દાનવેને ફૂલનો બુકે આપીને સ્વાગત કરી રહેલા કચ્છ જનજાગૃતિ અભિયાનના પદાધિકારીઓ નેહલ શાહ, ઋષભ મારુ અને કૃણાલ સંગોઈ.

કચ્છ જતી દાદર સયાજીનગરી એક્સપ્રેસને આશાપુરા એક્સપ્રેસ નામ આપવાની કચ્છ જનજાગૃતિ અભિયાન તરફથી શુક્રવારે રેલવે ખાતાના રાજ્યપ્રધાન રાવસાહેબ દાનવે સાથે ચર્ચગેટ સ્ટેશનની રેલવેની ઑફિસમાં મુલાકાત કરીને માગણી કરવામાં આવી હતી. આ સાથે આ અભિયાનના પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીનાં નગરસેવિકા નેહલ શાહ, ઋષભ મારુ અને કૃણાલ સંગોઈએ કચ્છ-મુંબઈ રેલમાર્ગ પર પૅસેન્જરોને પડતી સમસ્યાઓની પણ તેમની સમક્ષ રજૂઆત કરી હતી.

આ બાબતની માહિતી આપતાં નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ટ્રેનમાં દારૂની હેરાફરી અને ચોરી અને લૂંટના બનાવોની સામે સિક્યૉરિટી વધારવાની જરૂર છે. અમે આ બાબતમાં એક ‌નિવેદનપત્ર આપીને રાવસાહેબ દાનવે સમક્ષ દારૂની હેરાફરી પર લગામ લગાવવાની અને ચોરી-લૂંટના વધી રહેલા બનાવો પર નિયંત્રણ લાવવા માટે ટ્રેનમાં સુરક્ષા વધારવાની માગણી કરી હતી. રાવસાહેબ દાનવેએ અમારી સાથે લગભગ ૩૦ મિનિટ ચર્ચા કરી હતી અને સંબંધિત અધિકારીઓને મુંબઈ-કચ્છ રેલમાર્ગની સમસ્યાઓ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આવનારા થોડા દિવસોમાં સંસ્થા સાથે આરપીએફ અને પશ્ચિમ રેલવેના જનરલ મૅનેજર સાથે એક મીટિંગનું આયોજન કરીને બધી સમસ્યાનું નિવારણ જલદી લાવવાનું આશ્વાસન આપ્યું હતુ.’

સયાજીનગરી એક્સપ્રેસ પહેલાં કચ્છથી વડોદરા સુધી જ આવતી હતી એમ જણાવીને નેહલ શાહે કહ્યું હતું કે ‘હવે આ ટ્રેન ઘણાં વર્ષોથી મુંબઈ સુધી આવે છે. આથી અમે સયાજીનગરી એક્સપ્રેસને આશાપુરા એક્સપ્રેસ નામ આપવાની રાવસાહેબ દાનવે પાસે માગણી કરી હતી.’    

mumbai mumbai news indian railways