શાકભાજી આપવા ઘરે આવેલા યુવાને મહિલા સાથે ત્રીસ ​મિનિટ સુધી કરી અશ્લીલ હરકતો

03 December, 2022 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખારમાં શાકભાજીની ડિલિવરી કરવા આવેલો માણસ મહિલા એકલી હોવાનો ફાયદો ઉઠાવીને ઘરમાંથી જવાનું નામ જ નહોતો લેતો : મહિલાએ વૉચમૅનની મદદથી તેને બહાર કાઢ્યો

પ્રતીકાત્મક તસવીર

ખાર-વેસ્ટમાં ઘરમાં એકલી મહિલાને ઑનલાઇનથી શાકભાજી મગાવવાનું ભારે પડ્યું હતું. શાકભાજીની ડિલિવરી આપવા આવેલો પુરુષ ઘરમાંથી જવાનું નામ જ નહોતો લેતો અને મહિલા સાથે અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. મહિલાએ જેમતેમ કરીને વૉચમૅનની મદદથી પોલીસને બોલાવી હતી અને અજાણ્યા પુરુષથી છુટકારો મેળવ્યો હતો.

ખાર પોલીસના જણાવ્યા મુજબ અહીંની એક સોસાયટીમાં રહેતી મહિલાએ ૩૦ નવેમ્બરે બપોરના સમયે ઑનલાઇન ઑર્ડર કરીને શાકભાજી મગાવ્યાં હતાં. બપોરના ૩.૧૫ વાગ્યે ૪૩ વર્ષનો એક પુરુષ શાકભાજીની ડિલિવરી કરવા ઘરે પહોંચ્યો હતો. ઘરમાં પ્રવેશ કર્યા બાદ મહિલા એકલી હોવાનું ધ્યાનમાં આવતાં પુરુષે તેને બાહુપાશમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પ્રતિકાર કર્યો ત્યારે પુરુષે ઘરમાંથી જવાની ના પાડી હતી. આથી મુશ્કેલીમાં મુકાઈ ગયેલી મહિલાએ વૉચમૅનને બૂમો પાડીને બોલાવ્યો હતો. વૉચમૅને ડિલિવરી કરવા આવેલા પુરુષને પકડ્યો હતો અને તેને મહિલાના ઘરમાંથી બહાર કાઢીને પોલીસને બોલાવી હતી.

ખાર પોલીસ સ્ટેશનના ડ્યુટી ઑફિસરે આ વિશે કહ્યું હતું કે ‘અમે મહિલાની ફરિયાદ નોંધ્યા બાદ પહેલી ડિસેમ્બરે મુંબ્રામાં રહેતા અને સામાનની ડિલિવરી કરવાનું કામ કરતા ૪૩ વર્ષના શહજાદ શેખ નામના આરોપીની મહિલાની છેડતી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. કોર્ટમાંથી આરોપીની બે દિવસની કસ્ટડી મેળવીને તેના અગાઉના રેકૉર્ડ ચકાસી રહ્યા છીએ. ઘરમાં એકલા હોય ત્યારે મહિલા કે કોઈ સિનિયર સિટિઝને સામાનની ડિલિવરી કરવા આવેલા લોકોને ઘરમાં ન લેવા જોઈએ. તેમને બહાર ઊભા રાખીને જ સામાન લેવાથી આ પ્રકારની ઘટનાથી બચી શકાશે.’

mumbai mumbai news Crime News mumbai crime news