મરાઠીમાં મોટા અક્ષરે બોર્ડ રાખવાનો નિર્ણય અયોગ્ય સમયે લેવાયો: મિતેશ મોદી CAMIT સેક્રેટરી

13 January, 2022 02:49 PM IST  |  Mumbai | Karan Negandhi

આ નિર્ણય લેતા પહેલાં મહારાષ્ટ્રના ૫૦ લાખ વેપારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા કે તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો ન હતો.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રની કેબિનેટ દ્વારા ગઇકાલે મરાઠી ભાષાને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય કેબિનેટની બેઠકમાં તમામ દુકાનના બોર્ડ મરાઠીમાં મોટા અક્ષરોમાં રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત મરાઠી-દેવનાગરી લિપિમાંના અક્ષરોને અન્ય (અંગ્રેજી અથવા અન્ય) લિપિના અક્ષરો કરતાં ટૂંકા ન રાખી શકાય તેવો સુધારો પણ મંજૂર કરવામાં આવ્યો છે. જો દુકાનમાં એક જ વ્યક્તિ પણ કામ કરતી હોય તો પણ દુકાનનાં પાટિયાં મરાઠીમાં પણ જોઈશે.

આ નિર્ણય વિશે વેપારીઓનો મત જાણવા અને આ નિયમની અમલબજાવણીમાં રહેલી મુશ્કેલીઓને સમજવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ ઍસોસિયેશન (AIEA)ના પ્રેસિડન્ટ અને ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (CAMIT)ના સેક્રેટરી મિતેશ મોદી સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે “આ નિયમ પહેલેથી જ અસ્તિત્વમાં હતો, પરંતુ ગુમાસ્તા એક્ટ દ્વારા નાના વેપારીઓ (જેમની દુકાનમાં 10થી ઓછા વ્યક્તિ કામ કરે છે)ને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા, પરતું આ સુધારા બાદ હવે દરેક વેપારી માટે આ ફરજિયાત થઈ ગયું છે.”

મિતેશ મોદી - પ્રેસિડેન્ટ AIEA, સેક્રેટરી CAMIT

તેમણે કહ્યું કે “મુંબઈ કૉસ્મોપૉલિટન સિટી છે, તેથી વેપારીઓ માટે એ મહત્ત્વનું બની જાય છે કે તેમની દુકાનનું બોર્ડ એ પ્રકારનું હોય કે તમામ લોકોને તેને સમજી શકે. અહીં મરાઠી કે કોઈપણ ભાષાનો વિરોધ નથી. મરાઠી કર્મભૂમિની ભાષા છે તેથી તેના માટે સૌને માન, સન્માન એને પ્રેમ છે જ.”

અયોગ્ય સમયે લેવાયેલો નિર્ણય

મીતેશ મોદીએ કહ્યું કે “વેપારીઓ હજી કોરોનાની ભયાનક બીજી લહેરમાંથી હજી બહાર નથી આવ્યા તેવામાં આ નિર્ણયથી તેમનો આર્થિક બોજ વધશે. તેથી વેપારીઓ માટે આ ‘પડતાં પર પાટુ’ સમાન છે. એક બોર્ડ બનાવવા પાછળ લગભગ પાંચ હજારથી લઈને બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવતો હોય છે, જે હાલની પરિસ્થિતિ પ્રમાણે વેપારીઓને પરવડે તેમ નથી.”

ભ્રષ્ટાચાર વધશે

“વેપારીઓએ હવે મરાઠીમાં પણ પોતાનું બ્રાન્ડિંગ અને ડિઝાનિંગ કરવું પડશે. ડિઝાનિંગ અને બ્રાન્ડિંગની દ્રષ્ટિએ જોઈએ તો બે જુદી-જુદી ભાષાના જુદા-જુદા ફૉન્ટ્સમાં બારીક ફરક આવે તે સ્વાભાવિક છે. હવે જો ફૂટપટ્ટી સાથે આ નિયમની અમલબજાવણી કરવામાં આવશે તો વેપારીઓને ભારે તકલીફ પડશે અને ભ્રષ્ટાચાર વધે તેવી શક્યતા નકારી શકાતી નથી.” તેમણે કહ્યું હતું.

વેપારીઓને વિશ્વાસમાં લેવામાં ન હતા આવ્યા

તેમણે કહ્યું કે "આ નિર્ણય લેતા પહેલાં મહારાષ્ટ્રના ૫૦ લાખ વેપારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા કે તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો ન હતો. વેપારીઓએ સારા કામ માટે હંમેશા સહયોગ આપ્યો છે. જો વેપારીઓ સાથે વાત કરી આ નિર્ણય લેવામાં આવ્યો હોત તો વેપારીઓએ આમાં અચૂક સહયોગ આપ્યો હોત."

ફેરિયાઓની તકલીફ હજી યથાવત્

તેમણે ઉમેર્યું કે "મુંબઈમાં દુકાનોની બહાર મોટી સંખ્યામાં ફેરિયાઓ આજની તારીખે પણ બેસે છે અને દુકાનમાં જવાનો રસ્તો જામ કરે છે. જો સરકાર પાસે આ પ્રકારના નિયમો બનાવવાનો સમય હોય તો સરકારે ફેરિયાઓના ગેરકાનૂની અતિક્રમણ દૂર કરી દુકાનોમાં અંદર જવાના માર્ગને ખૂલો રાખવા માટે પણ તાત્કાલિક નિયમ બનાવી વહેલામાં વહેલી તકે અધિવેશનમાં પારિત કરવો જોઈએ. મહાનગર પાલિકાના એકાદ મેદાનમાં તેમને જગ્યા આપવી જોઈએ, જેથી કોઈને તકલીફ ન પડે.”

ઉલ્લેખનીય છે કે નવાઈની વાત એ છે કે આ મુદ્દા પર રીટેલ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતું ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન મુંબઈ હાઈ કોર્ટમાં ગયું હતું અને પોતાની તરફેણમાં વચગાળાનો આદેશ પણ લાવ્યા હતા, પરંતુ તેમ છતાં મહારાષ્ટ્ર સરકારે આ સુધારા કર્યા છે. 

mumbai news mumbai maharashtra