કોરોના વાઈરસ ઈમ્પેક્ટ: લૉકડાઉનને મામલે હાલ કોઈ નિર્ણય નહીં

08 April, 2020 09:43 AM IST  |  Mumbai | Agencies

કોરોના વાઈરસ ઈમ્પેક્ટ: લૉકડાઉનને મામલે હાલ કોઈ નિર્ણય નહીં

લૉકડાઉન દરમ્યાન મુંબઈના સુમસામ માર્ગ. તસવીર : અનુરાગ આહિરે.

કોરોના વાઇરસના રોગચાળાને કારણે રાજ્યમાં દરદીઓની સંખ્યા, આરોગ્ય સુવિધા, તંત્રની કાર્યયોજના અને ભવિષ્યની શક્યતાઓને ધ્યાનમાં રાખતાં સજ્જતા જેવા વિવિધ મુદ્દા પર મહારાષ્ટ્રના પ્રધાનમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા ખાતેથી સંચાલિત વિડિયો-કૉન્ફરન્સમાં પ્રધાનો અને સરકારી અમલદારો માસ્ક પહેરીને ચર્ચા કરતા જોવા મળતા હતા. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે લૉકડાઉન મામલે પરિસ્થિતિ અને સમય જોઈને નિર્ણય લેવામાં આવશે. વર્ષા બંગલા ખાતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરે, અન્ન તથા નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળ, મહેસૂલ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાત અને જળ સંસાધન ખાતાના પ્રધાન જયંત પાટીલ હતા. અન્ય પ્રધાનો તેમના ક્ષેત્રમાંથી પ્રધાનમંડળની બેઠકમાં સામેલ થયા હતા.

વિડિયો-કૉન્ફરન્સિંગમાં બહુજન કલ્યાણ ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવાર ચંદ્રપુરથી, ગૃહ રાજ્ય પ્રધાન શંભુરાજે દેસાઈ સાતારાથી, સહકાર ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન બાળાસાહેબ પાટીલ અને તેમના નાયબ પ્રધાન વિશ્વજિત કદમ પુણેથી, પીડબ્લ્યુડી વિભાગના પ્રધાન અશોક ચવાણ નાંદેડથી, ઊર્જા ખાતાના પ્રધાન નીતિન રાઉત નાગપુરથી અને મહિલા અને બાળ વિકાસ ખાતાનાં પ્રધાન યશોમતી ઠાકુર અમરાવતીથી જોડાયાં હતાં. ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ઉદય સામંત રત્નાગિરિના કલેક્ટરની ઑફિસમાંથી પ્રધાનમંડળની બેઠક (વિડિયો-કૉન્ફરન્સ)માં સામેલ થયા હતા. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને ગૃહપ્રધાન અનિલ દેશમુખ મંત્રાલયમાંથી બેઠકમાં સહભાગી થયા હતા.

પ્રધાનમંડળે આવતા ત્રણ મહિના સુધી પાંચ રૂપિયામાં શિવભોજન પ્રદાન કરવા અને એ યોજના તાલુકા સ્તર સુધી પહોંચાડવાનો નિર્ણય લેવાયો હતો. નારંગી રંગનું રૅશન કાર્ડ ધરાવતા લોકોને જૂન મહિના સુધી રાહતના દરે અનાજ-કરિયાણાનો પુરવઠો આપવાનો નિર્ણય લેવાયો હતો. એ ઉપરાંત કોરોના વાઇરસના રોગચાળા સામે લડવા માટે ધર્માદા સંસ્થાઓ પાસેથી નાણાભંડોળ મેળવવા મહારાષ્ટ્ર ચૅરિટી મૅનેજમેન્ટ ઍક્ટમાં સુધારો કરવાનો નિર્ણય પણ પ્રધાનમંડળની બેઠકમાં લેવાયો હતો.

mumbai mumbai news aaditya thackeray uddhav thackeray coronavirus covid19