દેવામાં ડૂબેલા કચરાવાળાએ પૈસા માટે કરી હતી સિનિયર સિટિઝનની હત્યા

06 March, 2021 09:25 AM IST  |  Mumbai | Mehul Jethva

દેવામાં ડૂબેલા કચરાવાળાએ પૈસા માટે કરી હતી સિનિયર સિટિઝનની હત્યા

હંસા ઠક્કર

કલ્યાણ (વેસ્ટ)માં ચાર દિવસ પહેલાં ગુજરાતી સિનિયર સિટિઝન હંસા ઠક્કરની હત્યાના કેસમાં પોલીસે સવારે લોકોના ઘરેથી કચરો લેવાનું અને સાંજે પાંઉભાજીની લારી ચલાવવાનું કામ કરતા ૩૫ વર્ષના આરોપીની ધરપકડ કરી છે. ૩૫ વર્ષના વિજેન્દ્ર ઠાકરેએ દેવું વધી ગયું હોવાથી પૈસા માટે થઈને હંસાબહેનની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે.

કલ્યાણ (વેસ્ટ)ના તિલક ચોક પાસે દત્તઆળીમાં રહેતાં ૭૦ વર્ષનાં હંસાબહેનની સોમવારે સાંજે થયેલી હત્યા બાબતે પોલીસે કહ્યું હતું કે ‘રાતના ૧૦ વાગ્યે હંસાબહેન ફોન ઉપાડતાં નહોતાં એટલે તેમની પુત્રી હેત મજીઠિયા જોવા આવી હતી. ત્યારે હંસાબહેન જમીન પર લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યાં હતાં. એટલે અમને જાણ કરવામાં આવી હતી. હંસાબહેનની ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલતાં તેમના ગળા પર કોઈ ધારદાર વસ્તુ મારવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું એટલે બાઝારપેઠ પોલીસ-સ્ટેશને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.’

બાઝારપેઠ પોલીસ-સ્ટેશનના તપાસ-અધિકારી વિજય આહીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાસ્થળ પર તપાસ કરતાં કોઈ વસ્તુ ચોરાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. અમને પરિવારના કોઈ સભ્યે પ્રૉપર્ટી કે પછી આપસી વિવાદમાં આવું કર્યું હોય એવું લાગી રહ્યું હતું. જોકે અમારી એક ટીમ બીજા ઍન્ગલ પર કામ કરી રહી હતી. એમાં અમને દિવસે પાલિકાની ઘંટાગાડી પર કામ કરતા અને રાતે પાંઉભાજીનો ધંધો કરતા વિજેન્દ્ર ઠાકરે ઉર્ફે વાસુ પર શંકા ગઈ હતી. એટલે અમારી બન્ને ટીમ આ કામમાં લાગી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેની હત્યા વિજેન્દ્રએ પૈસા માટે કરી હતી. આ ઘટના બની ત્યારે વિજેન્દ્ર હંસાબહેન પાસે પૈસા માગવા ગયો હતો. હંસાબહેને પૈસા આપવાની ના પાડી હતી. એને લઈને વિજેન્દ્રએ ચાકુથી હંસાબહેનનું ગળું ચીરી દીધું હતું અને ગભરાઈને ત્યાંથી ભાગી ગયો હતો. તેના પર દેવું થઈ ગયું હતું અને પૈસા માટે તેણે આ કામ કર્યું હતું.’

બાઝારપેઠ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર યશવંત ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ૩૫ વર્ષના વિજેન્દ્રએ પૈસા માટે આવું કર્યું હોવાનું તપાસમાં કબૂલ કર્યું છે.

હંસાબહેનના જમાઈ તુષાર મજીઠિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે માણસે આવું કૃત્ય કર્યું છે તેને અમારો પરિવાર ઘણાં વર્ષોથી ઓળખે છે. આ ઉપરાંત મારા સસરાની પહેલાં જ્યાં દુકાન હતી એની બહાર તે પાંઉભાજીની લારી લગાડતો હતો એટલે મારા સાસુ પણ તેને બહુ સારી રીતે ઓળખતાં હતાં.’

mumbai mumbai news kalyan Crime News mumbai crime news mehul jethva