નૅશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ ગણાતી વાઘણ બિજલીનું અવસાન

18 September, 2026 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિજલી ૨૦૧૬થી SGNP પરિવારની પ્રિય સભ્ય અને મુખ્ય આકર્ષણ રહી હતી.

બિજલી

સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)ના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ૧૮ વર્ષની વાઘણ બિજલીએ બુધવારે રાત્રે લગભગ ૯.૪૫ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. વૃદ્ધાવસ્થાની બીમારીઓને કારણે એનું મૃત્યુ થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. બિજલી ૨૦૧૬થી SGNP પરિવારની પ્રિય સભ્ય અને મુખ્ય આકર્ષણ રહી હતી.

છેલ્લા એક મહિનાથી આ વાઘણના ખોરાક લેવાના પ્રમાણમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો હતો, જેને પગલે એના સ્વાસ્થ્ય પર નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી હતી. પશ્ચિમ મહારાષ્ટ્રની ટેક્નિકલ વેટરિનરી ઍડ્વાઇઝરી ટીમના ટેક્નિકલ માર્ગદર્શન હેઠળ વેટરિનરી ઑફિસર દ્વારા એને મેડિકલ અને અને સપોર્ટિવ સારવાર આપવામાં આવી રહી હતી.

બિજલીને પેન્ચ ટાઇગર રિઝર્વમાંથી SGNPમાં લાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નૅશનલ પાર્કમાં એના દાયકા લાંબા રોકાણ દરમ્યાન એણે વાઇલ્ડ લાઇફ મૅનેજમેન્ટ, કન્ઝર્વેશન એજ્યુકેશન અને કેદમાં રાખવામાં આવતાં પ્રાણીઓની સંભાળના અભ્યાસોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે. SGNP મૅનેજમેન્ટે વાઇલ્ડલાઇફ પ્રેમીઓને બિજલીની યાદો અને તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને એની સ્મૃતિને સન્માનિત કરવા માટે પણ આમંત્રિત કર્યા છે. 

mumbai news mumbai national park sanjay gandhi national park borivali wildlife maharashtra forest department