મદદ કરવામાં મળી ગયું મોત

25 January, 2022 07:27 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

તાડદેવમાં કમલા બિલ્ડિંગમાં આગ લાગી એ પછી એનો વૉચમૅન લોકોને હેલ્પ કરવા માટે દોડ્યો અને આગના બે દિવસ પછી જ આ કમનસીબનો જીવ ગયો

તાદડેવનું કમલા બિલ્ડિંગ જ્યાં ભીષણ આગ લાગી હતી.   બિપિન કોકાટે

તાડદેવમાં કમલા બિલ્ડિંગમાં શનિવારે સવારે ફાટી નીકળેલી આગમાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બીએલ નાયર હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ૩૮ વર્ષના બિલ્ડિંગના વૉચમૅન મનીષ સિંહનું ગઈ કાલે સવારે ૭ વાગ્યે મૃત્યુ થયું હતું એમ સુધરાઈએ જણાવ્યું હતું. આ એક મૃત્યુને લીધે એ હોનારતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે ૭ પર પહોંચી છે. જોકે હજી પણ ૭ વ્યક્તિ આ આગમાં દાઝવાને કારણે અથવા ધુમાડો શ્વાસમાં જવાને કારણે ક્રિટિકલ છે. તેઓમાંના ૬ જણ ભાટિયા હૉસ્પિટલમાં છે, જ્યારે એક વ્યક્તિને ભાયખલાની મસીના હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
કમલા બિલ્ડિંગમાં રહેતા સુનીલ કદમે કહ્યું કે ‘આગ લાગ્યા બાદ વૉચમૅન મનીષ સિંહ લોકોની મદદે દોડ્યો હતો. તે ઘણો સારો માણસ હતો. તે મદદ કરવા ગયો, પણ તેનું પણ મૃત્યુ થયું. હવે તેના પરિવારને આ વિશે જાણ કોણ કરશે? કોણ તેમને મદદ કરશે?’   
જોકે આગ લાગ્યા પછી મિસિંગ થઈ ગયેલા કિરીટ કંથારિયાની શોધખોળ હજી તેનો પરિવાર કરી રહ્યો છે. ગઈ કાલે બપોરે તેના મોટા ભાઈ યોગેશ કંથારિયાએ તેનાં બ્લડ-સૅમ્પલ ડીએનએ ટેસ્ટ માટે આપ્યાં હતાં. નાયર હૉસ્પિટલમાં આગના સ્થળેથી મળી આવેલા એક ઓળખી ન શકાય એવા મૃતદેહ સાથે એ સૅમ્પલ ડીએનએ ટેસ્ટ કરીને સરખાવાશે. 
કમલા બિલ્ડિંગની આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હતી એથી ફાયર-બ્રિગેડ એ બાબતે ઝીણવટભરી તપાસ કરવાની છે. સાથે મુંબઈમાં છેલ્લા થોડા વખતથી હાઇરાઇઝ બિલ્ડિંગોમાં આગ લાગી રહી હોવાથી અને અનેક લોકોના એમાં જીવ જતા હોવાથી બહુ ઊહાપોહ મચતાં સુધરાઈએ પણ આગની તપાસ માટે એક ખાસ કમિટીની રચના કરી છે. આ બાબતે ચીફ ફાયર ઑફિસર હેમંત પરબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પણ તપાસ ચાલુ છે અને સુધરાઈ દ્વારા નીમવામાં આવેલી કમિટી દ્વારા પણ એની તપાસ થશે. એ કમિટીમાં અલગ-અલગ બાબતોના એક્સપર્ટ્સનો સમાવેશ છે. તપાસ બાદ તેઓ તેમના તારણ અને ભલામણ આપશે, એથી એ તપાસ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મકાનના રહેવાસીઓને તેમના ઘરે જવા નહીં મળી શકે. ઓછામાં ઓછા પાંચ-છ દિવસ લાગી શકે છે.’ 
કમલા બિલ્ડિંગના રહેવાસી સુનીલ કદમે વધુમાં કહ્યું કે ‘બિલ્ડિંગમાં રહેતા મોટા ભાગના પરિવાર મધ્યમ વર્ગના છે. આગ લાગતાની સાથે જ પહેલી પ્રાયોરિટી જીવ બચાવવાની હતી એથી લોકો પહેરેલાં કપડે નીચે ઊતરી આવ્યા હતા. ઘણા લોકોનાં તો ઘર પણ ખુલ્લાં છે, લૉક પણ કર્યાં નથી. પહેલા એક-બે દિવસ તો ખાવા-પીવાની વ્યવસ્થા થઈ ગઈ, પણ હવે એમાં પણ ધાંધિયા થવા માંડ્યા છે. લોકો આવીને જોઈને જતા રહે છે. કોઈને આર્થિક મદદ કરવાનું સૂઝતું નથી. અમે કઈ રીતે દિવસ કાઢીએ છીએ એ કોઈ પૂછતું નથી. રાજકારણીઓને પણ કહીએ છીએ કે અમને મદદ કરો. વાતો કરવાથી કાંઈ નહીં વળે. અમને આર્થિક મદદ મળે એ માટે કાંઈક કરો. ઇલેક્ટ્રિકનું ફૉલ્ટી કામ કરનાર સામે પગલાં લો.’  

bakulesh trivedi Mumbai mumbai news