સુધરાઈ શું કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈ રહી છે?

09 May, 2022 10:31 AM IST  |  Mumbai | Sameer Surve

એણે વરલીમાં ફુટપાથ રિપેર કરવા વૃક્ષો ફરતેની દીવાલ હટાવી લીધી હતી. જોકે આ કામ પૂરું થયાને ચાર મહિના થયા હોવા છતાં હજી ટ્રી ગાર્ડ‍્સ લગાવ્યાં ન હોવાથી સ્થાનિકો નારાજ

વરલીમાં બોમ્બે ડાઈંગ પાસે રક્ષણાત્મક દિવાલો વિનાનું વૃક્ષ (તસવીર : બિપિન કોકાટે)

વરલીના રહેવાસીઓએ શહેર સુધરાઈ પર વૃક્ષો ફરતે રક્ષણાત્મક વ્યવસ્થા વિના એને બિનસલામત રીતે છોડી દેવાનો આક્ષેપ મૂક્યો હતો. જોકે કૉર્પોરેશને ટ્રી ગાર્ડ્ઝ મૂકવા માટેની કામગીરી ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો.

સ્થાનિક રહેવાસી સંતોષ ગુપ્તાએ કહ્યું હતું, ‘બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને પાંડુરંગ બુધકર માર્ગની ફુટપાથ રિપેર કરી હતી. એ દરમ્યાન એણે વૃક્ષો ફરતેની દીવાલો હટાવી દીધી હતી. રિપેરિંગ પૂરું થયાને ચાર મહિના વીતી ગયા હોવા છતાં ટ્રી ગાર્ડ્ઝ હજી સુધી લગાવાયાં નથી.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં આવાં ૪૦ જેટલાં વૃક્ષો આવેલાં છે. શું કૉર્પોરેશન કોઈ ઍક્સિડન્ટ થયા પછી જ પગલાં ભરશે? કૉર્પોરેશન વૃક્ષોને સલામત કરવાનો દાવો કરે છે. તેમણે વૃક્ષોને કૉન્ક્રીટના અતિક્રમણ અને ખીલા સામે બચાવવાનું પણ શરૂ કર્યું છે. તો પછી ચાર મહિનાથી એ આ વૃક્ષોની ઉપેક્ષા શા માટે કરી રહ્યું છે?’

આ મામલે અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શરદ ઉઘડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું, ‘કામ ચાલી રહ્યું છે. અમે વૃક્ષોનું રક્ષણ કરવા તેમની ફરતે ગ્રીલ લગાડવાની પ્રક્રિયા હાથ ધરી છે.’

પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ઝોરૂ બથેનાએ કહ્યું હતું કે ‘વૃક્ષોને અસલામત રીતે રાખવા સારી બાબત નથી, પણ કૉર્પોરેશન હવે ટ્રી ગાર્ડ્ઝ લગાવી રહ્યું છે એ સારી વાત છે.’

વૃક્ષોની ગણતરી અનુસાર શહેરના માર્ગો પર ૧,૮૫,૩૩૩ વૃક્ષો આવેલાં છે. મુંબઈમાં દર વર્ષે વૃક્ષો પડવાથી અકસ્માતો સર્જાય છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં આવી ૧૮,૦૦૦થી વધુ ઘટનાઓ નોંધાઈ છે. આ વર્ષના પ્રારંભમાં ૨૦ માર્ચે માટુંગામાં વડની ડાળખીઓ પડતાં ૬૪ વર્ષના સિનિયર સિટિઝનનું મૃત્યુ થયું હતું.

ગયા વર્ષે શહેરમાં વૃક્ષો પડી જવાનાં આવા ૩૩૦૪, ૨૦૨૦માં ૫૦૨૭ અને ૨૦૧૯માં ૩૧૬૧ બનાવ નોંધાયા હતા.

mumbai mumbai news worli