ડીનની ખાતરી નેસ્કો કોવિડ સેન્ટરના ડૉક્ટરોને હડતાળ પર જતા રોકી શકશે?

20 October, 2020 11:06 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ડીનની ખાતરી નેસ્કો કોવિડ સેન્ટરના ડૉક્ટરોને હડતાળ પર જતા રોકી શકશે?

પ્રતીકાત્મક તસવીર

ગોરેગામના નેસ્કો કોવિડ સેન્ટરના ડૉકટરોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. એક વાઇરલ મેસેજ મુજબ આ ડૉક્ટરો હડતાળ પણ જવાના મૂડમાં છે. જોકે આ કોવિડ સેન્ટરનાં ઇન્ચાર્જ ડીન ડૉ. નીલમ અનડ્રાડે કહે છે કે મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ મુદ્દાનું નિરાકરણ થઈ ગયું હોવાથી ડૉક્ટરો હવે હડતાળ પર જશે નહીં.

નેસ્કો કોવિડ સેન્ટરમાં હેલ્થ કૅર ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ અનેક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. બિલ્ડિંગની અનેક સમસ્યાઓને કારણે મેડિકલ સ્ટાફે રવિવારે ધરણાં પણ કર્યા હતા.

આ બાબતની સ્પષ્ટતા કરતાં ડૉ. નીલમ અનડ્રાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે થોડા મહિનાથી ડૉક્ટરોને માનધન મળ્યું નથી, પરંતુ હવે તો ૩૩ લાખ રૂપિયા મંજૂર થઈ ગયા છે. જેમાંથી પહેલાં નર્સ અને મેડિકલ સ્ટાફને પગાર આપવામાં આવ્યો હતો, ત્યાર પછી બધા જ ડૉક્ટરોના બૅન્ક અકાઉન્ટમાં પગાર જમા કરી દેવામાં આવ્યો છે. જોકે બૅન્કની પ્રોસેસ પ્રમાણે તેમના અકાઉન્ટમાં પગારની રકમ આવતા હજુ પાંચ દિવસ જશે. આવતા શનિવાર સુધીમાં બધાં જ ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફને પગાર મળી જશે.

પગાર મોડો થવા માટે તેમણે ડૉક્ટરોને જ દોષી ગણ્યા હતા. આ સંદર્ભમાં ડૉ. નીલમ અનડ્રાડેએ કહ્યું હતું કે ડૉક્ટરોએ તેમના નામ, બૅન્ક અકાઉન્ટની વિગતો, તેમના આધાર કાર્ડ, પૅન કાર્ડ એક પણ માહિતી વ્યવસ્થિત અને સમયસર આપી નહોતી. અનેક ડૉક્ટરોનાં નામ સાથે તેમના બૅન્ક અકાઉન્ટનાં નામ મૅચ થતાં નહોતાં. અનેક ડૉક્ટરોએ તેમના આધાર કાર્ડ અને પૅન કાર્ડ પણ સમયસર આપ્યા નહોતા. અમુક ડૉક્ટરોના આધાર કાર્ડ પર લખેલાં નામ સાથે તેમણે અરજીમાં આપેલા નામ મૅચ થતાં નહોતાં. આ કારણોસર તેમના પગાર મોડા થયા છે. હવે ડૉક્ટરો તરફથી આ બધાં જ દસ્તાવેજો સબમિટ કરી દેવામાં આવ્યા છે. એની સાથે મહાનગરપાલિકા તરફથી પણ ૩૩ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. તમે જે કહો છો એમ બધી જ સમસ્યાઓનું નિરાકરણ થઈ ગયું હોવા છતાં જો ડૉક્ટરોને સંતોષ ન થાય તો તમે શું વિચાર્યું છે. એનો જવાબ આપતાં નીલમ અનડ્રાડેએ કહ્યું હતું કે આ પહેલાં પણ મેં બધા જ ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફ સાથે મીટિંગ કરીને તેમની દરેક સમસ્યાઓ ઉકેલી આપવાની બાંયધરી આપી હતી. આમ છતાં હજુ ડૉક્ટરોમાં કોઈ અસંતોષ રહી ગયો હશે તો મને વિશ્વાસ છે કે હું તેમની સાથે બેસીને તેમને હડતાળ પર જતાં રોકી દઈશ.

goregaon mumbai mumbai news coronavirus covid19