જાણીતી કંપનીનાં ડુપ્લિકેટ ટોનર વેચતો વેપારી પકડાયો

03 December, 2022 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોર્ટમાં છાપો મારીને કેનન કંપનીનાં લેબલ લાગેલો આશરે ૨.૪૫ લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના ફોર્ટ વિસ્તારમાં કેનન કંપની નામે ડુપ્લિકેટ ટોનર વેચાતાં હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી. એ પછી ફોર્ટમાં છાપો મારીને કેનન કંપનીનાં લેબલ લાગેલો આશરે ૨.૪૫ લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો. એમઆરએ માર્ગ પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

એમઆરએ માર્ગ પોલીસને માહિતી મળી હતી કે ફોર્ટની બજાર સ્ટ્રીટમાં આવેલા દાતાર નિવાસ બિલ્ડિંગમાં પહેલા માળે એક્સેલ ટેક્નૉલૉજીઝમાં કેનન કંપનીની ડુપ્લિકેટ આઇટમો રાખવામાં આવી છે. એ પછી ૩૦ નવેમ્બરે એમઆરએ માર્ગ પોલીસની ટીમે ઘટનાસ્થળે છાપો માર્યો હતો. ત્યાંથી આશરે ૨.૪૫ લાખ રૂપિયાનાં ડુપ્લિકેટ ટોનર મળી આવ્યાં હતાં. એના પર કેનન કંપનીનું નામ લખ્યું હતું. એમઆરએ માર્ગ પોલીસે બોરીવલીના ગોરાઈ વિસ્તારમાં રહેતા સવજી હાથિયા સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તમામ માલ જપ્ત કર્યો છે. આ માલ મુંબઈના નાના વેપારીઓને અહીંથી મોકલવામાં આવતો હોવાની પ્રાથમિક માહિતી અમારી પાસે આવી છે.’

mumbai mumbai news Crime News