આજે બોરીવલીમાં બોલી ને સાંભળી ન શકતા લોકો માટે વન-ડે નવરાત્રિ

24 October, 2012 04:45 AM IST  | 

આજે બોરીવલીમાં બોલી ને સાંભળી ન શકતા લોકો માટે વન-ડે નવરાત્રિ



ફાલ્ગુની જડિયા-ભટ્ટ


બોરીવલી, તા. ૨૪

આજે દશેરાના દિવસે બોરીવલીના મેગા થ્રિલ્સ પાર્ટી હૉલમાં યોજાયેલી દાંડિયારાસની વન-ડે ઇવેન્ટમાં ભાગ લેવા માત્ર મુંબઈના જ નહીં, ભારતભરના વિવિધ ભાગોમાંથી ખેલૈયાઓ આવી રહ્યા છે. આ કોઈ ફિલ્મસ્ટાર્સ, ટીવીસ્ટાર્સ કે ક્રિકેટર જેવી સેલિબ્રિટીઓની નવરાત્રિની તૈયારીઓ નથી. આ તો છે બોલી અને સાંભળી ન શકતા લોકો માટે યોજાતી એક દિવસીય નવરાત્રિની ધમાલ...

બોરીવલીનું નવરાત્રિ નવયુવક મંડળ ફૉર ધ ડેફ છેલ્લાં એકવીસ વર્ષથી દર વર્ષે દશેરાના દિવસે ખાસ બોલી કે સાંભળી શકતા નથી એવા ખેલૈયાઓ માટે નવરાત્રિનું આયોજન કરતું આવ્યું છે. આમ તો આ આયોજન માત્ર એક જ દિવસનું હોય છે, પરંતુ એ દિવસે સવારે દસથી રાતે દસ સુધી આ ખેલૈયાઓ મન મૂકીને એનો આનંદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. આ નવયુવક મંડળના જનરલ સેક્રેટરી તુષાર વાણીએ જણાવ્યા અનુસાર વીસ વર્ષ પહેલાં ઇન્ડિયા ડેફ સોસાયટીના નરેન્દ્ર વ્યાસ અને જવાહર વરાડકરે અમદાવાદમાં ખાસ બોલી ન શકતા અને સાંભળી ન શકતા લોકો માટે યોજાતી હોળી જોઈ હતી, જેમાંથી તેમને મુંબઈના બોલી અને સાંભળી ન શકતા સમુદાય માટે નવરાત્રિ કરવાનો વિચાર આવ્યો હતો. પહેલા વર્ષે વિલે પાર્લેમાં યોજાયેલી આ નવરાત્રિમાં ૨૦૦ ખેલૈયાઓએ ભાગ લીધો હતો અને હવે છેલ્લાં પાંચ વર્ષથી આ સંખ્યા વધીને ૭૦૦-૮૦૦ સુધી પહોંચી જાય છે.’

આ એકમાત્ર એવી નવરાત્રિ છે જેમાં કોઈ ગાયક નથી, માત્ર સંગીતના તાલે ખેલૈયાઓ રાસગરબા રમે છે એવું જણાવતાં તુષારભાઈ કહે છે, ‘આ કાર્યક્રમમાં સંગીતની વ્યવસ્થા એ રીતે કરવામાં આવી હોય છે કે બોલી અને સાંભળી ન શકતા ખેલૈયાઓ એના વાઇબ્રેશન મારફત સંગીત અનુભવી શકે અને એને માણી શકે. આખા દિવસના આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને રાસ-ગરબા ઉપરાંત નવરાત્રિની કથા, નાટક, હાસ્ય, લકી ડ્રૉ અને ગીતો તથા બોલી ન શકતા અને સાંભળી ન શકતા લોકોને ઉપયોગી થાય એવાં લેક્ચરની પણ ગોઠવણ કરવામાં આવે છે. એમાં ભાગ લેવા માટે પ્રવેશકિંમત ૨૫૦થી ૪૦૦ રૂપિયા રાખવામાં આવી છે.’

નવરાત્રિ નવયુવક મંડળ આ કાર્યક્રમ વિશેની માહિતી તેમની સાથે જોડાયેલી સંસ્થાઓના માધ્યમથી લોકો સુધી પહોંચાડે છે તેમ જ પોતાની વેબસાઇટ www.navratrifordeaf.com ના માર્ગે પણ આ જાણકારી પૂરી પાડે છે. અહીં નોંધવું રસપ્રદ છે કે આટલાં વષોર્માં આ નવરાત્રિએ કેટલાક લોકો માટે મૅચ-મેકિંગની ભૂમિકા પણ પૂરી પાડી છે, જેના પગલે કેટલાંક બોલી અને સાંભળી ન શકતાં યુવક-યુવતીઓનાં લગ્ન થયાં હોવાના કિસ્સા પણ ધ્યાનમાં આવ્યા છે.