ડીસીપીના બંગલામાં સેક્સ-રૅકેટ!

29 December, 2011 03:23 AM IST  | 

ડીસીપીના બંગલામાં સેક્સ-રૅકેટ!



વિનય દળવી

મુંબઈ, તા. ૨૯

નંદકુમારના આ બંગલાને સ્પા તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો હતો. પોલીસે ગેરકાયદે રૅકેટ ચલાવનારા સ્પાના માલિક તથા અન્ય બે વ્યક્તિઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ એફઆઇઆર (ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કર્યો છે, પણ હજી સુધી પોતાના આ સિનિયર અધિકારી વિરુદ્ધ પગલાં લેવા વિશેનો નિર્ણય લેવામાં નથી આવ્યો. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતાં એસ. એસ. (સોશ્યલ સર્વિસ) બ્રાન્ચ દ્વારા આ મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ જ આ મામલા બાબતે પોતાના ઉપરી અધિકારીને જાણ નહોતી કરવામાં આવી.

જોકે ‘મિડ-ડે’ દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આ બંગલો તેમનાં પત્ની માધુરીના નામે છે એમ છતાં માધુરી વતી તમામ પેપરવર્ક નંદકુમાર ચૌગુલેએ જ કર્યું હતું. પોલીસની રેઇડ બાદ દેહવ્યવસાય સાથે સંકળાયેલી ૭ યુવતીઓનો છુટકારો થયો હતો. પોલીસ-ડિપાર્ટમેન્ટના સોશ્યલ સર્વિસ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું હતું કે પ્રિવેન્શન ઑફ ઇમ્મૉરલ ટ્રાફિકિંગ ઍક્ટ હેઠળ સ્પાના માલિક સરોજ ભાકુની તથા તેની બે મહિલા સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી. માધુરી ચૌગુલે દ્વારા સરોજ ભાકુનીને આ બંગલો લિવ ઍન્ડ લાઇસન્સ હેઠળ આપવામાં આવ્યો હતો. ત્યાં સ્પાની પરમિશન લઈને દેહવ્યવસાય ચાલતો હતો. વર્સોવા પોલીસ-સ્ટેશનના અધિકારીઓના કહ્યા મુજબ બની શકે કે પોતાના બંગલામાં ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ બાબતે નંદકુમારને જાણ ન પણ હોય. જોકે આમ છતાં લિવ ઍન્ડ લાઇસન્સ હેઠળ તેઓ પોતાનો આ કરાર રદ કરી શકે છે.

પોલીસની ટીમે કાઉન્ટર પરથી ૩૬,૦૦૦ રૂપિયાનો એક ચેક, બે બિલ-બુક અને ૬૭,૦૦૦ રૂપિયા રોકડા કબજે કર્યા હતા. તમામ આરોપીઓને ર્કોટ સમક્ષ રજૂ કરતાં ૧૨ ડિસેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી પણ મેળવી હતી. તપાસ દરમ્યાન ખબર પડી હતી કે સરોજ ભાકુનીએ બ્યુટી પાર્લરનું લાઇસન્સ લઈને દેહવ્યવસાય શરૂ કર્યો હતો. જોકે અહીં નિયમિત આવતા ગ્રાહકોને યુવતીઓ પણ સપ્લાય કરવામાં આવતી હતી.

આ મામલે એસએમએસ તથા ફોન દ્વારા નંદકુમાર ચૌગુલેનો સંપર્ક કરવાના ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા હતા એમ છતાં તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો. મુંબઈના પોલીસ-કમિશનરનો સંપર્ક કરવાના પણ તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છતાં રિપોર્ટરને એમાં સફળતા નહોતી મળી.