વાડિયા હૉસ્પિટલમાંથી નવજાત બાળક ચોરાયું

25 October, 2012 05:09 AM IST  | 

વાડિયા હૉસ્પિટલમાંથી નવજાત બાળક ચોરાયું

મંગળવારે રાત્રે આઠ વાગ્યે સિઝેરિયન ઑપરેશન દ્વારા જન્મેલા બાળકથી નાઈક પરિવારમાં ખુશાલી છવાઈ હતી, પણ એ ૨૪ કલાકમાં છીનવાઈ ગઈ હતી. જાસ્મિનનો પતિ દેવદાસ ઘરે ગયો હતો ત્યારે ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે આ બાળક ગુમ થઈ ગયું હતું. ઑરેન્જ રંગની સાડી પહેરીને આવેલી ૩૦ વર્ષની એક મહિલાએ આ બાળકની ચોરી કરી હોવાનું મનાય છે.

હૉસ્પિટલમાં સીસીટીવી કૅમેરા ન હોવાથી બાળકને ઉપાડીને ભાગી ગયેલી મહિલા વિશે બીજી કોઈ જાણકારી હૉસ્પિટલ પાસે નથી. નવરોજી વાડિયા મૅટરનિટી હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. એમ. જે. જસ્સાવાલાએ કહ્યું હતું કે ‘આ એક ખેદજનક ઘટના છે. અમે આ ઘટનાની ઇન્ટર્નલ ઇન્ક્વાયરી કરીએ છીએ.’

ભોઈવાડા પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર જે. બોમને કહ્યું હતું કે ‘સીસીટીવી કૅમેરા ન હોવાથી અમારી પાસે બાળકને ઉઠાવી ગયેલી મહિલાની માહિતી નથી, પણ જે લોકોએ તેને જોઈ છે તેમણે આપેલી માહિતીના આધારે અમે પોલીસની ચાર ટુકડીઓ બનાવી છે અને અમને વિશ્વાસ છે કે અમે બાળક અને તેને લઈ ગયેલી મહિલાને શોધી કાઢીશું.’

દેવદાસ નાઈક દુબઈમાં નોકરી કરતો હતો, પણ પત્નીની ડિલિવરી માટે નોકરી છોડીને મુંબઈ આવ્યો છે.