દીકરીની બેદરકારી પિતાને પડી ૧૩ લાખ રૂપિયામાં

03 February, 2021 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરીની બેદરકારી પિતાને પડી ૧૩ લાખ રૂપિયામાં

પ્રતીકાત્મક તસવીર

કોલાબાની પાસ્તા લેનમાં રહેતા સીએ (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) અલી અસગર અબ્બાસ તાંબાવાલાને તેની દીકરીએ કરેલી ભૂલના બદલામાં ૧૩ લાખ રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો છે. દીકરી તેના ૧૯ વર્ષના ઇન્સ્ટાગ્રામ પર બનેલા ફ્રેન્ડ પાસે ઘરની ચાવી ભૂલી ગઈ હતી અને તેના ફ્રેન્ડે ડુપ્લિકેટ ચાવી બનાવીને તેના ઘરમાંથી રોકડ, સોનાના દાગીના અને આઇફોન મળીને ૧૪ લાખ રૂપિયાની મતા ચોરી લીધી હતી. જોકે પોલીસમાં ફરિયાદ નોંધાતાં ચાલાક પોલીસે યોગ્ય દિશામાં તપાસ કરીને આખરે એ યુવાનને ઝડપી લઈને તેની પાસેથી એક લાખ રૂપિયા અને આઇફોન પાછા મેળવ્યા હતા. 

આ બનાવ વિશે વધુ માહિતી આપતાં કોલાબા પોલીસ-સ્ટેશનનાં મહિલા સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કુસુમ વાઘમારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૦ જાન્યુઆરીએ આ કેસ નોંધાયો હતો. ફરિયાદીનો પરિવાર ૨૭ જાન્યુઆરીએ લગ્નમાં ગયો હતો. તેઓ પાછા આવ્યા ત્યારે તેમને ઘરની સેફમાંથી સોનાના દાગીના, રોકડ અને આઇફોનની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. એથી તેમણે આ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી.’

અમે હાઉસબ્રેકિંગનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી એમ જણાવીને કુસુમ વાઘમારેએ વધુમાં કહ્યું હતું કે ‘ત્યાં સીસીટીવી કૅમેરા નહોતા. ઘરમાં ઘૂસવા માટે ચોરે ઘરના મેઇન દરવાજાની કડી અને તાળું તોડ્યાં નહોતાં અથવા એ માટે કોઈ પ્રયાસ કર્યો નહોતો એટલે એ માટે તેણે ડુપ્લિકેટ ચાવી વાપરી હોવાથી આ ચોરીમાં કોઈ જાણભેદુની સામેલગીરી હોવાના તારણ પર અમે પહોંચ્યા હતા. એથી પાડોશી, વૉચમૅન બધાની પૂછપરછ કરવામાં આવી હતી. ઘરના સભ્યોની પણ પૂછપરછ કરતાં દીકરીએ કબૂલ્યું હતું કે તે તેના માઝગાવમાં રહેતા ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ શેઝાન અગવાનને મળવા ગઈ હતી ત્યારે તેને ત્યાં ઘરની ચાવી ભૂલી ગઈ હતી. એથી તરત જ તપાસ કરી શેઝાનને તાબામાં લઈને પૂછપરછ કરતાં તેણે જ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું અને ગુનો કબૂલી લીધો હતો. તેની સામે ગુનો નોંધીને તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૪ દિવસની પોલીસ-કસ્ટડી આપી હતી.’

mumbai mumbai news Crime News