એસી લઈ આવ્યું મોતનો સંદેશ

11 August, 2022 09:48 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

દીકરીએ વૃદ્ધ માતા-પિતાની સુવિધા માટે જ આ ઍર-કન્ડિશનર લગાવ્યું હતું અને એ જ બન્યું તેના મૃત્યુનું કારણ : મધરાત બાદ લાગેલી આગમાં મા-દીકરીનું મરણ થયું, ભાઈ અને પિતા હજી ક્રિટિકલ

આગનો ભોગ બની ગયેલાં લક્ષ્મીબહેન અને તેમની દીકરી મધુ

આ ઉનાળામાં જ માતા લક્ષ્મીબહેનની આંખમાં મોતિયાનું ઑપરેશન કરાવનાર અને ઘરનું ગુજરાન ચલાવતી દીકરી મધુએ માતા-પિતાને સુવિધા મળી રહે એ માટે હપ્તેથી એસી નખાવ્યું હતું. જોકે આખરે એ જ એસી તેની અને તેની માતાના મોત માટે નિમિત્ત બન્યું હતું. એમાં થયેલા શૉર્ટ સર્કિટને કારણે લાગેલી ભીષણ આગમાં માતા લક્ષ્મીબહેન અને દીકરી મધુનાં કરુણ મોત થયાં હતાં, જ્યારે પિતા તેજાભાઈ અને ભાઈ દિનેશ બન્ને હાલ કસ્તુરબા હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.

મૂળ સૌરાષ્ટ્રના રાજુલાની બાજુમાં આવેલા ડુંગરના મેઘવાળ જ્ઞાતિના તેજાભાઈ રાઠોડનો પરિવાર વર્ષોથી લોઅર પરેલ-વેસ્ટના ગણપતરાવ કદમ માર્ગ પર આવેલા નેવું વર્ષ જૂના ગ્રાઉન્ડ પ્લસ બે માળના મરિયમ મૅન્શનમાં રહેતો હતો. મરિયમ મૅન્શન સોસાયટીના અધ્યક્ષ ભૂષણ શિંદેએ પરિવાર વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘તેજાભાઈનો પરિવાર ખૂબ ગરીબ હતો. તે અને તેમનાં પત્ની લક્ષ્મીબહેન આજુબાજુની ઇન્ડસ્ટ્રીઓમાં જઈને ચિંદી ભેગી કરતાં હતાં અને એને વેચતાં હતાં. તેમની દીકરી મધુ બહુ જ હસમુખી અને મિલનસાર હતી. તેને તેના પતિ સાથે ન ફાવતાં માતા-પિતા પાસે આવીને રહેતી હતી. તે જ ઘરનું ગુજરાન ચલાવતી હતી. તે ઘરનાં કેટલાંક ઘરકામ કરતી તો કેટલાંક ઘરે રસોઈ બનાવવા જતી હતી. તેણે હપ્તે-હપ્તે પહેલાં ટીવી લીધું હતું. ઉનાળામાં તેની મમ્મીનું આંખનું ઑપરેશન કરાવ્યું હતું. એ પછી માતા-પિતાને સુવિધા મળી રહે એ માટે હપ્તે-હપ્તે એસી પણ લીધું હતું. એ એસીમાં જ શૉર્ટ સર્કિટ થયું હોવાનું કહેવાય છે. રાતે બેથી સવાબે વાગ્યે આગ લાગી એ વખતે બધા સૂતા હતા. બૂમાબૂમ થતાં અમે ચાલીવાળા બધા દોડ્યા હતા. એક જણે તરત જ નીચે જઈને અમારા ઇલેક્ટ્રિક સપ્લાયના મેઇન ત્રણ ફ્યુઝ હતા એ કાઢી નાખ્યા હતા એટલે મકાન બચ્યું, નહીં તો આખું મકાન આગની ઝપટમાં આવી જાત. અમારું મકાન ૯૦ વર્ષ જૂનું છે. એની ઉપર નળિયાં છે અને મકાનના બાંધકામમાં લાકડાંનો બહુ જ વપરાશ થયો છે. અમે લોકોએ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો, પણ એ આવે એ પહેલાં જ પાણી છાંટીને આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમનો જૂનો લાકડાનો દરવાજો હતો એ તૂટી ગયો હતો એથી તેમને બહાર કાઢ્યા હતા. અમે ઍમ્બ્યુલન્સ માટે ફોન કર્યો હતો, પણ એને આવતાં વાર લાગે એમ હતી એથી એન. એમ. જોશી માર્ગ પોલીસને ફોન કરીને તેમની વૅનમાં આ લોકોને હૉસ્પિટલમાં લઈ જવા વિનંતી કરતાં પોલીસની વૅનમાં તેમને નાયર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. મધુ ક્રિટિકલ હોવાથી તેને ત્યાં જ રાખી હતી; જ્યારે તેજાભાઈ, લક્ષ્મીબહેન અને દિનેશને કસ્તુરબા હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં.’

મરિયમ મૅન્શનથી બે-ત્રણ બિલ્ડિંગ દૂર રહેતા તેજાભાઈના નાના ભાઈ ખીમજીભાઈના દીકરા સુરેશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘દિનેશે કહ્યું હતું કે તેમણે એસી લગાવ્યું હતું, પણ વાયરિંગમાં કંઈક પ્રૉબ્લેમ હતો કે શું એ નથી ખબર. બીજું, દરવાજા પાસે જ ચિંદીનાં પોટલાં રાખ્યાં હતાં એટલે આગ વધુ ભભૂકી હતી અને એ લોકો બહાર નહોતા નીકળી શક્યા. તેમને જ્યારે બહાર કાઢવામાં આવ્યાં ત્યારે મધુ વધુ દાઝી હતી. લક્ષ્મીબહેનને પણ દમનો પ્રૉબ્લેમ હતો એટલે ધુમાડાને કારણે ગૂંગળામણ થઈ હતી અને તે બન્ને બેશુદ્ધ થઈ ગયાં હતાં. ૪૧ વર્ષના દિનેશભાઈ અપરિણીત છે. તેઓ ભાનમાં હતા, પણ બહુ ગભરાઈ ગયા હતા; જ્યારે મારા મોટા બાપા તેજાભાઈને બહુ ઈજા થઈ નહોતી. જોકે તેમની ૭૫થી ૮૦ વર્ષની મોટી ઉંમર હોવાથી તેઓ પણ ડરી ગયા હતા. મંગળવારે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે લક્ષ્મીબહેનને હાર્ટ-અટૅક આવ્યો હતો એમ ડૉક્ટરે કહ્યું હતું. તેમણે તેમને બચાવવા ઇન્જેક્શન પણ આપ્યાં, પરંતુ તે ન બચી શક્યાં અને એ પછી બપોરે બે વાગ્યાની આસપાસ મધુ પણ ગુજરી ગઈ હતી. તે ૭૫થી ૮૦ ટકા દાઝી ગઈ હતી. કસ્તુરબામાં દિનેશભાઈ અને મોટા બાપા તેજાભાઈને સારવાર અપાઈ રહી છે. દિનેશ ૨૫થી ૩૦ ટકા દાઝી ગયો છે. ડૉક્ટર કહે છે કે આ તો ઉપરની ઇન્જરી છે. ઇન્ટર્નલ ઑર્ગન્સને કેટલું નુકસાન થયું છે એ અમે કંઈ ન કહી શકીએ. એથી તેની હાલત પણ ક્રિટિકલ છે. અમે મંગળવારે જ મા-દીકરીના અંતિમ સંસ્કાર એકસાથે કર્યા હતા.’   

mumbai mumbai news bakulesh trivedi lower parel