પિતાની લાશને ઠેકાણે પાડવા ગયેલી દીકરીના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી

12 December, 2019 09:33 AM IST  |  Mumbai Desk | divakar sharma and faizaan khan

પિતાની લાશને ઠેકાણે પાડવા ગયેલી દીકરીના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી

જેમ પોલીસ તપાસમાં ઊંડી ઊતરતી જાય છે તેમ માહિમ સૂટકેસ મર્ડરના કેસની એક પછી એક ગૂંચ ઉકેલાતી જાય છે. નજીકની દુકાનોના સીસીટીવી કૅમેરાના ફુટેજના આધારે ‘મિડ-ડે’એ તેમની સાથે વાત કરી હતી. એક દુકાનદારે જણાવ્યું હતું કે ‘ઘરમાં ઉંદર મરી ગયો હોવાનું કહી આરાધ્યા ઉર્ફ રિયા અને તેનો બોયફ્રેન્ડ એકદમ તીવ્ર સુગંધનું રૂમ ફ્રેશનર લઈ ગયાં હતાં. બન્ને એટલી શાંતિથી હસીમજાક કરી રહ્યાં હતાં કે તેઓ આવો જઘન્ય અપરાધ કરી શકે એમ કોઈના માનવામાં ન આવે.’

હત્યા પછી ત્રીજા દિવસે આરાધ્યાનો બોયફ્રેન્ડ કિરાણાની દુકાનમાં ગૂણી અને સેલોટૅપ લેવા ગયો હતો. ગૂણી લીધા પછી અૅર ફ્રેશનર લેવા આવ્યાં ત્યારે મેડિકલ સ્ટોરવાળાને તેમના શરીરમાંથી ગંદી વાસ આવતી હતી પણ તેમના મનમાં પણ નહોતું આવ્યું કે આ બન્ને અપરાધી હશે. રિબેલોની હત્યાની જાણ અમને પોલીસ આવી ત્યારે જ થઈ હતી.

મરનાર સંગીતકાર બેનેટ રિબેલોનાં પાડોશી લક્ષ્મી શિંદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રિબેલો જેને દત્તક લેવાનો હતો તે આરાધ્યા ઉર્ફ રિયાને તેની સાથે રહેતી મહેક નામની ગર્ભવતી છોકરીની સંભાળ રાખવા માટે લાવ્યો હતો. અમે મહેકને જાણતાં હતાં, તે ઘણા લાંબા સમયથી રિબેલોની સાથે રહેતી હતી. અચાનક એક દિવસ મહેકને ઉપસેલા પેટ સાથે જોતાં અમને આશ્ચર્ય થયું હતું. પૂછપરછ કરતાં જણાયું હતું કે તે હજી કુંવારી હતી. રિયાને મહેકની સંભાળ રાખવા માટે લાવ્યો હોવાનું રિબેલોએ જણાવ્યું હતું.’
અજાણી યુવતીઓને ઘરમાં રાખવા સંબંધે રિબેલોને ટોકતાં તેણે અમારી સાથે વાતચીત બંધ કરી દીધી હતી. એક વખત રિયા અને તેના મિત્રોએ અંદરથી ઘર બંધ કરી દીધું હતું. રિબેલોએ ચાવીવાળાની મદદથી ઘર ખોલ્યું અને રિયાને ખૂબ ઠપકો આપ્યો હતો. અમે બધા પાડોશીઓ તેના સાક્ષી હતાં.

ઘરમાંથી આવતી ગંદી વાસ વિશે રિબેલોના પાડોશીઓએ કહ્યું હતું કે નજીકની માંસાહારી હોટેલમાંથી ઘણી વાર ગંદી વાસ આવતી હોવાથી આ વાસ રિબેલોના ઘરમાંથી આવતી હોવાનો ખ્યાલ કોઈને નહોતો આવ્યો.

વધુ એક બૅગ મળી
દરમ્યાન રિબેલોના બોડી પાર્ટ્સને શોધી રહેલી ક્રાઇમ બ્રાન્ચને ગઈ કાલે બપોરે કુર્લાના કબ્રસ્તાનમાંથી માનવશરીરનાં અંગો ધરાવતી વધુ એક પ્લાસ્ટિકની બૅગ મળી હતી. કુર્લા-સીએસટી રોડ પરથી મીઠી નદીમાં ફેંકવામાં આવેલી આ થેલીમાં રિબેલોના શરીરનાં અંગો હોવાની શક્યતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ વ્યક્ત કરી હતી.

mumbai crime news Crime News