પ્લૅટફૉર્મ નંબર ૮ને બોરીવલી-ઈસ્ટ સાથે સાંકળતા સબવેમાં અંધારું

26 October, 2012 08:19 AM IST  | 

પ્લૅટફૉર્મ નંબર ૮ને બોરીવલી-ઈસ્ટ સાથે સાંકળતા સબવેમાં અંધારું



બોરીવલીના પ્લૅટફૉર્મ નંબર ૮ના રસ્તાની હાલત ખરાબ છે. આથી ત્યાંથી અવરજવર કરતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ સાથે બોરીવલી-વેસ્ટમાં પ્લૅટફૉર્મ નંબર ૮ પરના ઈસ્ટ અને વેસ્ટને જોડતા સબવે (દત્તપાડા ફાટક)માં થોડા સમય પહેલાં બે-ત્રણ ટ્યુબલાઇટ ચાલુ હતી. બાકીની બંધ હતી અને કેટલીક લાઇટની પટ્ટી હતી, પરંતુ એના પરની ટ્યુબલાઇટ ચોરાઈ ગઈ હતી. પરંતુ હાલમાં એમાં એક પણ લાઇટ ચાલુ નથી. રાતે તો ઠીક, દિવસે પણ સબવેમાં અંધારું લાગે છે. સબવેમાં ગંદકીનો પાર નથી. સબવેમાં બનાવેલી પાણીની નીકમાં વગર વરસાદે પાણી ભરાયેલું જોવા મળે છે. તેમ જ સબવેનાં કેટલાંક પગથિયાં પણ તૂટી ગયાં છે. આથી સબવેમાં ઊતરતાં ધ્યાન ન આપવામાં આવે તો પડી જવાય. સબવેમાં લાઇટ ન હોવાથી ત્યાંથી પસાર થતા લોકોને ભારે ત્રાસ સહન કરવો પડે છે.

બોરીવલી-ઈસ્ટમાં રહેતા કીર્તિ શાહે કહ્યું હતું કે ‘મારે રોજ સબવેમાંથી થઈને ઈસ્ટમાં જવું પડે છે, પરંતુ લાઇટ બંધ થઈ ગઈ હોવાથી રાતના સમયે સબવેમાંથી પસાર થતાં ખૂબ જ મુશ્કેલી પડે છે.’

બોરીવલી-ઈસ્ટથી વેસ્ટમાં ક્લાસિસ માટે જતી એક યુવતીએ કહ્યું હતું કે ‘રાતના સમયે સબવેમાં અંધારું હોય છે. એ વખતે કેટલાક ટપોરી યુવકો સીટી મારતા હોય છે. આથી રાતના સમયે ક્લાસિસ છૂટ્યાં પછી હું અમારા ગ્રુપમાં જ સબવે ક્રૉસ કરું છુ. અહીંની લાઇટ્સ જલદી ચાલુ થાય તો સારું.’

આ વિસ્તારની બીજેપીની નગરસેવિકા બીના દોશીએ કહ્યું હતું કે ‘સબવેની લાઇટ્સ વારંવાર ચોરી થઈ જતી હોવાથી મેં ત્યાંની લાઇટ્સ લોખંડની જાળીથી કવર કરી શકાય એ માટે પ્રસ્તાવ મૂક્યો છે.’