દક્ષા બોરીચા સુસાઇડનું ડેન્જરસ નેપાલ કનેક્શન

28 May, 2022 08:48 AM IST  |  Mumbai | Shirish Vaktania

લોન રિકવરી માટે ધમકાવતા ફોન નેપાલના આઇપી ઍડ્રેસથી આવતા : રિકવરીનું કામ મુંબઈ, થાણેનાં કૉલ સેન્ટરોને આઉટસોર્સ થતું : દક્ષાને ધમકી આપનાર કૉલરની ધરપકડ

દક્ષા બોરીચાનો ફોટો દેખાડી રહેલો પરિવારજન અને પાછળ તેમની ફૅમિલી.

ભાઈંદર-ઈસ્ટની નવઘર પોલીસે ૩૬ વર્ષની દક્ષા બોરીચાને આત્મહત્યા માટે પ્રેરનાર ઑનલાઇન લોન કેસમાં ૩૦ વર્ષના યુવકની ધરપકડ કરી છે. જોકે તે આ સમગ્ર કૌભાંડનું એક નાનકડું પ્યાદું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મુખ્ય સૂત્રધાર તો નેપાલમાં છે જેણે આત્મહત્યા કરનાર દક્ષાના મૉર્ફ કરેલા ફોટો તેના રિલેટિવ્સ તેમ જ મિત્રોને મોકલ્યા હતા. લોન ટ્રૅપના મોટા સૂત્રધારો લોન રિકવરીનું કામ મુંબઈ અને થાણેમાં આવેલાં કૉલ સેન્ટરોને આઉટસોર્સ કરે છે. મુંબઈમાં આ કંપનીઓ કઈ રીતે કામ કરે છે એનો ખુલાસો નવઘર પોલીસે કર્યો છે. 
આરોપીની ઓળખ રુષભ કહાર (૩૦ વર્ષ) તરીકે કરવામાં આવી છે જે થાણેનો રહેવાસી છે તેમ જ થાણેમાં આવેલા બાબા નમક કૉલ સેન્ટરમાં કૉલર તરીકે કામ કરે છે. પોલીસે કહ્યું હતું કે તેને મહિનાનો ૧૦,૦૦૦ રૂપિયા પગાર તેમ જ કેસદીઠ ૨૦ ટકા ઇન્સેન્ટિવ આપવામાં આવતું હતું. નવઘર પોલીસ સ્ટેશનના પીઆઇ પ્રકાશ મસાલે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘દક્ષા બોરીચાને લોન રિકવરી માટે ધમકી આપીને હેરાન કરવા બદલ આરોપીના મોબાઇલ લોકેશનના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ખબર પડી કે દક્ષાએ પહેલી લોન ક્રેડિટ મૅન્ગો લોન ઍપ્લિકેશન પરથી લીધી હતી. પાંચથી છ દિવસમાં તેણે લોનની તમામ રકમ ચૂકવી દીધા બાદ ફરીથી લોન લીધી હતી. તેણે ૩૦ જુદી-જુદી લોન ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને લોન લીધી હતી તેમ જ વ્યાજ સાથે સંપૂર્ણ રકમ ચૂકવી હતી. આરોપી રુષભ કહાર દક્ષાએ ક્રેડિટ મૅન્ગો ઍપ્લિકેશનમાંથી લીધેલી લોનની રિકવરી બદલ ફોન કરતો હતો. કંપનીએ આ કામ થાણેમાં આવેલા બાબા નમક કૉલ સેન્ટરને આઉટસોર્સ કર્યું હતું. અમે જ્યારે ત્યાં રેઇડ પાડી તો માત્ર આઠથી દસ કૉલરો જ ત્યાં હતા. દરરોજ તેમને ઍપ્લિકેશન દ્વારા ૧૦૦ લોકોની યાદી આપી દેવામાં આવતી. તેમનું કામ સવારે નવથી છ વાગ્યા સુધીનું હતું. દક્ષાને હેરાન કરનારા મોટા ભાગના કૉલરોનાં આઇપી ઍડ્રેસ નેપાલનાં છે. આરોપી કહાર માત્ર બારમા ધોરણ સુધી ભણેલો છે તેમ જ પોતાના પેરન્ટ્સ અને બહેન સાથે થાણેમાં રહે છે.’
 ચોથી મેએ પોલીસે આરોપી કહારની ધરપકડ કરી હતી તેમ જ તેને જેલ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. સાઇબર ઑફિસરે જણાવ્યું હતું કે ‘મોટા ભાગનાં કૉલ સેન્ટરો મુંબઈ અને થાણેમાં આવેલાં છે. તેઓ કંપનીનાં નાણાં પાછાં મેળવવા માટે લાખો લોકોને ફોન કરે છે. જોકે આ તો માત્ર પ્યાદાં છે. સૂત્રધારો અને મુખ્ય કૉલરો તો નેપાલમાં રહે છે. મુંબઈ તેમ જ થાણેના કૉલરો હંમેશાં ગ્રાહકો સાથે નરમાશથી વાત કરે છે. અમે જ્યારે પણ નેપાલમાં આવા આરોપીઓને પકડવા માટે જઈએ છીએ ત્યારે ત્યાંની પોલીસનો કે પછી સરકારનો કોઈ પણ પ્રકારનો સહકાર મળતો નથી.’

Mumbai mumbai news nepal shirish vaktania