ફાલ્ગુની પાઠકનાં વળતાં પાણી

04 October, 2015 03:33 AM IST  | 

ફાલ્ગુની પાઠકનાં વળતાં પાણી






વિરલ શાહ

દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠક આ વખતે ઘાટકોપરમાં પોતાના સૂર રેલાવવાની છે એ વાતથી હવે કોઈ અજાણ નથી, પણ તેના સૂર-તાલ પર થીરકનાર લાખો ખેલૈયાઓને એ વાતની જાણ નથી કે આ વખતે નવરાત્રિ ફાઇનલ કરવામાં ફાલ્ગુની પાઠકે અકલ્પનીય તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ટૂંકમાં કહીએ તો, દર વખતે પોતાની શરતો મુજબ જ કામ કરતી ફાલ્ગુની પાઠક આ વખતે આયોજકોની પૈસા સિવાયની તમામ શરતો માનવા તૈયાર થઈ હોવા છતાં એક સમયે તેણે નવરાત્રિ વગર ઘરે બેસવું પડે એવા સંજોગો નિર્માણ થયા હોવાનું જાણવા મળ્યું છે.

દર વખતે પોતાની આંગળી પર આયોજકોને નચાવતી દાંડિયાક્વીનને નવરાત્રિના આયોજકોએ જાણે તેઓ એક થઈ ગયા હોય એ રીતે જબરદસ્ત ભાગદોડ કરાવી હતી. આ જ કારણસર ગયા વર્ષે નવરાત્રિના દોઢ કરોડ રૂપિયા લેનાર ફાલ્ગુનીના તાથૈયા ગ્રુપે આ વખતે નાછૂટકે પોતાના આઠેક વર્ષ જૂના રેટ પર નવરાત્રિ નક્કી કરવી પડી છે. ફાલ્ગુનીને આ વખતે ગયા વર્ષના દોઢ કરોડ રૂપિયાની સરખામણીમાં માત્ર એક કરોડ દસ લાખ રૂપિયા મળ્યા છે જેમાંથી હંમેશ મુજબ લાઇટ અને સાઉન્ડનો ખર્ચ તે પોતે કરશે. એટલે તેના હાથમાં ૯૦થી ૯૫ લાખ રૂપિયા આવશે.

આ વખતે એવી હાલત થઈ હતી કે નવરાત્રિ-ક્વીનને ઘરે બેસવાનો વારો આવ્યો હોત, પણ છેલ્લી ઘડીએ કંઈક ગોઠવાઈ ગયું : જોકે ગયા વર્ષના દોઢ કરોડ રૂપિયા કરતાં આ વખતે તેને માત્ર ૧.૧૦ કરોડ રૂપિયા જ મળ્યા

તમામ આયોજકો આને માટે ફાલ્ગુની પાઠકના વ્યવહારને જવાબદાર ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ફાલ્ગુનીએ આયોજકોની વાત સાંભળીને તેમને પણ બે પૈસા કમાવા દીધા હોત તો આજે આ પરિસ્થિતિ નિર્માણ ન થઈ હોત.

ફાલ્ગુનીએ આ વખતે સંખ્યાબંધ આયોજકો સાથે એક-બે નહીં, અનેક મીટિંગો કરી હતી છતાં કોઈની સાથે વાત નહોતી બની. માર્કેટમાં પરિસ્થિતિને સમજ્યા વગર પોતાની જીદ પર અડી રહેવાને લીધે શરૂઆતમાં મળેલી ઑફર કરતાં પણ ઓછા રૂપિયામાં છેવટે નવરાત્રિ ફાઇનલ કરવાની નોબત આવી છે.

સામાન્ય સંજોગોમાં જૂન-જુલાઈમાં ફાલ્ગુની પાઠકની નવરાત્રિ ફાઇનલ થઈ જતી હોય છે, પણ આ વખતે શ્રાદ્ધ સુધી તેણે હાથ-પગ મારવા પડ્યા હતા. નવરાત્રિ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂન મહિનામાં ફાલ્ગુનીએ વાતચીત શરૂ કરી હતી. ઇન્ડિયાની ટૉપમોસ્ટ ઇવેન્ટ-કંપનીની તેની સાથે વાત ચાલતી હતી. એ કંપનીએ ભૂતકાળમાં પણ ફાલ્ગુની સાથે નવરાત્રિ કરી હતી. જોકે એ વખતે શરૂઆતમાં કંપનીએ સુરતમાં નવરાત્રિ કરવાનું નક્કી કર્યું હતું, જેની ફાલ્ગુનીએ તૈયારી પણ બતાવી હોવાનું કહેવાય છે, પરંતુ પૈસાને લીધે એ જામ્યું નહોતું. ત્યાર બાદ આ જ કંપનીએ રાજસ્થાનમાં ઇન્ડોર નવરાત્રિની તૈયારી કરી, પણ ફાલ્ગુનીએ એની ના પાડતાં આખી વાત પડી ભાંગી હોવાનું મનાય છે.’

જોકે ત્યાર બાદ જુદા-જુદા આયોજકો સાથે ગોરેગામ, અંધેરી, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ જેવી જગ્યાએ નવરાત્રિની વાતચીત ચાલી હતી; પણ દરેક જગ્યાએ પૈસા પર આવીને મામલો અટકી જતો હોવાનું કહેવાય છે. આ બધા વચ્ચે ફાલ્ગુની પાઠક સાથે ૧૮ નવરાત્રિનું આયોજન કરી ચૂકેલા સંકલ્પ ગ્રુપની પણ ફાલ્ગુની સાથે ચર્ચા થઈ હતી. એ વિશે સંકલ્પ ગ્રુપના દેવેન્દ્ર જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ફાલુને એક ઑફર આપી હતી, પણ તેની ડિમાન્ડ અને અમારી ઑફર વચ્ચે સારોએવો ફરક હોવાથી વાત ન બની. છેલ્લી અમુક નવરાત્રિમાં નુકસાન કર્યા બાદ આ વખતે ફરીથી એ ભૂલ કરવાની અમારી તૈયારી નહોતી.’

એ સિવાય બોરીવલીમાં એક આયોજકે દાંડિયાક્વીનને ગયા વર્ષ કરતાં પંદરેક ટકા ઓછા આપીને નવરાત્રિ ઑફર કરી હતી, પરંતુ તે વ્યક્તિએ પણ ઍડ્વાન્સ પેમેન્ટ ન કરતાં વાત ભાંગી પડી હતી. નવરાત્રિના એક આયોજકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો ફાલ્ગુનીએ પોતે કમાય અને આયોજકોએ જે કરવું હોય એ કરે એવી વૃત્તિ ન રાખી હોત તો આજે આવી પરિસ્થિતિ ન થઈ હોત. અમે તો આજે પણ તેની સાથે નવરાત્રિ કરવા તૈયાર છીએ.’

આ બધા વચ્ચે એક ઇવેન્ટ-મૅનેજમેન્ટ કંપનીએ તો તાથૈયા ગ્રુપે નવરાત્રિથી વંચિત ન રહેવું પડે એ માટે દાંડિયાક્વીનને આડકતરી રીતે આયોજક બનાવીને તેને માટે આખી ઇવેન્ટ મૅનેજ કરવાની પણ તૈયારી બતાવી હોવાનું ચર્ચાય છે. જો કોઈ રસ્તો ન નીકળ્યો હોત તો કદાચ ફાલ્ગુની પાઠક આ કંપની સાથે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં નવરાત્રિ કરવા તૈયાર થઈ ગઈ હોત, પણ સંકટ સમયે તેણે પોતાના એક ઇવેન્ટ કો-ઑર્ડિનેટર મિત્રને મુંબઈમાં ગમે એમ કરીને નવરાત્રિ ગોઠવી આપવાનું કહેતાં આ મિત્રે ઘાટકોપરમાં સેટિંગ કરાવી આપ્યું.

જોકે નવાઈની વાત એ છે કે ફાલ્ગુની પાઠકને શરૂઆતમાં જેટલી ઑફર આવી હતી એની સરખામણીમાં પણ નમતું ઝોખીને નવરાત્રિ કરવી પડી રહી છે. આ બાબતે પ્રતિભાવ જાણવા ફાલ્ગુની પાઠકનો સંપર્ક નહોતો થઈ શક્યો.