ગણેશોત્સવમાં પણ માલિશવાળી બાઈનો સ્કેચ પ્રસિદ્ધ કરવા છતાં પોલીસના હાથ હજી ખાલી

26 September, 2012 08:27 AM IST  | 

ગણેશોત્સવમાં પણ માલિશવાળી બાઈનો સ્કેચ પ્રસિદ્ધ કરવા છતાં પોલીસના હાથ હજી ખાલી



ઘાટકોપર-ઈસ્ટમાં ૭ સપ્ટેમ્બરે થયેલી ૬૨ વર્ષનાં દક્ષા દફ્તરીની હત્યા અને ૧૫ લાખનાં હીરાજડિત ઘરેણાંની લૂંટ પછી તેમના કુટુંબીજનો પાસે દક્ષાબહેનને માલિશ કરવા આવતી બાઈની કોઈ તસવીર કે વિગતો ન હોવાથી પંતનગર પોલીસે દક્ષાબહેનના પતિ ૬૯ વર્ષના સતીશ દફતરી અને બિલ્ડિંગના અન્ય લોકોની સહાયથી બનાવેલા માલિશવાળી બાઈ અનીતા (નામ ખોટું હોવાની શક્યતા છે)ના સ્કેચને ઘાટકોપરના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલાં રમાબાઈનગર, કામરાજનગરમાં ગણેશોત્સવમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છતાં હજી સુધી પોલીસના હાથ આ બાઈ સુધી પહોંચી શક્યા નથી.

માલિશવાળી બાઈ અનીતા જે દિવસે દક્ષા દફ્તરીની હત્યા થઈ એ દિવસથી જ ગુમ થઈ હોવાથી પોલીસને ખાતરી થઈ ગઈ હતી કે દક્ષા દફ્તરીની હત્યા અને તેમના ઘરમાંથી થયેલી લૂંટમાં માલિશવાળી બાઈનો જ હાથ છે. આમ છતાં દફતરીકુટુંબ પાસે આ બાઈની સંપૂર્ણ વિગત અને વર્ણન ન હોવાથી આ બાઈને શોધવામાં પોલીસને નિષ્ફળતા મળી હતી. હત્યાના બે દિવસ પછી જ પોલીસે એક અંદાજ બાંધીને તથા સતીશ દફ્તરી અને એ બિલ્ડિંગના વૉચમૅન અને અન્ય નોકરોની સહાયથી આ બાઈનો એક સ્કેચ તૈયાર કર્યો હતો, જેના આધારે પોલીસે પહેલાં તો ઘાટકોપર અને ઘાટકોપરની આજુબાજુના સ્લમ-વિસ્તારોમાં મોટા પાયે કૉમ્બિંગ કરી બાઈને શોધવાનો પ્રયાસ કર્યો હતો. એમાં કામિયાબી ન મળતાં પોલીસે ૧૧ સપ્ટેમ્બરે ગારોડિયાનગરના રહેવાસીઓ સાથે જનજાગૃતિના આશયથી કરેલી એક મીટિંગમાં ત્યાંના રહેવાસીઓને સ્કેચ આપી બાઈને શોધવા કે તેની માહિતી આપવાનો અનુરોધ કર્યો હતો. ત્યાર પછી ઘાટકોપરના લોકલ કેબલ પર પણ પોલીસે તેના સ્કેચને પ્રસિદ્ધ કર્યો છે.

પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ નિર્મલે દક્ષા દફ્તરીની હત્યામાં સંડોવાયેલી બાઈની શોધની માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા બધા જ પ્રયત્નો છતાં અમને માલિશવાળી બાઈની કોઈ જ માહિતી ન મળતાં અમે ગણેશોત્સવનો પણ લાભ લેવામાં પાછી પાની કરી નહોતી. આ ઉત્સવમાં લોકો ઠેર-ઠેરથી ગણેશજીનાં દર્શનાર્થે આવતા હોય છે. ક્યાંક એમાંથી કોઈ ગણેશભક્ત અમને મદદરૂપ થઈ શકે અને માલિશવાળી બાઈની માહિતી આપી શકે એ ઉદ્દેશથી રમાબાઈનગર અને કામરાજનગરના ગણેશમંડપોમાં અમે તૈયાર કરેલા સ્કેચને પ્રસિદ્ધ કર્યો છે. સાત દિવસ આ ઉત્સવના પણ વીતી ગયા છતાં હજી સુધી અમને તેની કોઈ જ માહિતી મળી નથી.’