રાજકારણીઓને કારણે થયો સ્વચ્છતા મિશનનો ફિયાસ્કો

02 November, 2014 05:34 AM IST  | 

રાજકારણીઓને કારણે થયો સ્વચ્છતા મિશનનો ફિયાસ્કો




ગઈ કાલે સવારે દહિસરના નવાગાવ વિસ્તારમાં સ્વચ્છતા મિશન વખતે બે પક્ષ સામસામે આવી ગયા હતા. આ બનાવ સવારે અગિયાર વાગ્યે હોલી ક્રૉસ એરિયા નજીક બન્યો હતો જ્યારે શિવસેનાના નગરસેવક અભિષેક ઘોસાળકર અને તેમની પાર્ટીના સભ્યો સુધરાઈ સાથે સ્વચ્છ ભારત મિશન હેઠળ વિસ્તારમાં સાફસફાઈનું કામ કરવા આવ્યા હતા.

આ ઘટના બાબતે અભિષેક ઘોસાળકરે કહ્યું હતું કે ‘આ ઇવેન્ટ સવારે અગિયાર વાગ્યે શરૂ થવાની હતી, પણ હું પાંચ મિનિટ મોડો પહોંચ્યો ત્યારે મેં જોયું કે BJPનાં વિધાનસભ્ય મનીષા ચૌધરી સ્થળ પર પહેલેથી હાજર હતાં અને મારી રાહ જોયા વગર તેમણે કાર્ય શરૂ પણ કરાવી દીધું હતું.’

અભિષેક ઘોસાળકરે વધુમાં કહ્યું હતું કે ‘વિધાનસભ્ય મનીષા ચૌધરીને ઇવેન્ટમાં બોલાવવામાં પણ નહોતાં આવ્યાં, પણ પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટર તેમને લઈ આવ્યો હતો. તેને પૂછવામાં આવેલા પ્રશ્નોના યોગ્ય જવાબ ન આપતાં પરિસ્થિતિ વધારે વણસી હતી અને આ કારણે મારા પર અને મારી પાર્ટીના લોકો પર હુમલો પણ થયો હતો. આ વાતમાં અમને ન્યાય મળે એ માટે જગ્યા પર જ હું ધરણાં પર બેસી ગયો હતો.’

આ સ્વચ્છતા મિશનમાં ભાગ લેનાર વાજિદ શેખ નામની વ્યક્તિએ કહ્યું હતું કે સોસાયટી માટેની આ ઇવેન્ટમાં આવું થયું એ અયોગ્ય કહેવાય.

બીજી તરફ અભિષેક ઘોસાળકરના આરોપોને નકારતાં મનીષા ચૌધરીએ કહ્યું હતું કે ‘તેનું વર્તન અને વ્યવહાર યોગ્ય નહોતાં. પાછું મારે બપોરે મીટિંગમાં પણ જવું હતું અને જો કોઈ મોડું આવતું હોય તો એ માટે હું જવાબદાર નથી.’

ઘટનાસ્થળે ધસી ગયેલી પોલીસે બે રાજકીય પક્ષ વચ્ચે બનેલી આ ઘટનાને ઈગો ક્લૅશનો બનાવ કહ્યો હતો. પોલીસે આ ઘટનામાં અભિષેક ઘોસાળકર અને કૉન્ટ્રૅક્ટર બન્ને વિરુદ્ધ ક્રૉસ ફ્ઘ્ ફાઇલ કરી હતી.