નવા વર્ષમાં પુત્રનાં લગ્ન કરાવવાની માતા-પિતાની ઇચ્છા અધૂરી રહી ગઈ

01 January, 2022 11:59 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વિરારમાં રહેતા દહિસરની બૅન્કના કર્મચારીનાં મે મહિનામાં મૅરેજ હતાં અને પેરન્ટ્સે છોકરી જોઈને બધું નક્કી કરી રાખ્યું હતું, પણ પુત્રનું લૂંટારાની ગોળીથી મૃત્યુ થતાં તેમનું સપનું અધૂરું જ રહી ગયું

દહિસરની બૅન્કમાં લૂંટની ઘટના વખતે નિર્દોષ સંદેશે જીવ ગુમાવ્યો હતો

દહિસર-વેસ્ટમાં જયવંત સાવંત માર્ગ પર ગુરુકુળ હાઉસિંગ સોસાયટીની નીચે આવેલી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની શાખામાં બુધવારે બપોરે સાડાત્રણ વાગ્યાની આસપાસ બે લૂંટારાઓ ઘૂસી આવ્યા હતા. ઘટના વખતે એક લૂંટારાએ ફાયરિંગ કરતાં વિરારમાં રહેતા ૨૫ વર્ષના સંદેશ ગોરામરેને રિવૉલ્વર દ્વારા પૉઇન્ટ બ્લૅન્ક રેન્જમાં છાતીમાં ગોળી મારતાં તે ગંભીર જખમી થયો હતો. બૅન્કમાંથી લૂંટારાઓ જતા રહ્યા બાદ સંદેશને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ સારવાર દરિમયાન તે મૃત્યુ પામ્યો હતો. તે મૃત્યુ પામતાં મે મહિનામાં તેનાં લગ્નનું સપનું તૂટી ગયું હતું તેમ જ તેનો પરિવાર પણ તેના અચાનક મૃત્યુથી તૂટી ગયો છે. 
વિરાર-ઈસ્ટના કારગિલનગરમાં રહેતા સંદેશનાં મે મહિનામાં લગ્ન હતાં. એ માટે સંદેશનાં માતા-પિતાએ છોકરી જોઈને બધું નક્કી કરીને રાખ્યું હતું. નવા વર્ષની શરૂઆતમાં માતા-પિતા બધાને આ વિશે જાણ કરવાનાં હતાં. દીકરા મૃત્યુના સમાચાર સાંભળીને સંદેશનાં માતા-પિતા તાત્કાલિક મુંબઈ આવ્યાં હતાં અને તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. 
વિરારમાં રહેતા સંદેશના દૂરના કઝિન જયેશ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સંદેશના બે મોટા ભાઈઓ છે. તે ઘરમાં સૌથી નાનો હોવાથી બધાનો લાડકો હતો. તે સ્વભાવે ખૂબ પ્રેમાળ હોવાથી બધા સાથે સારા સંબંધો હતા. સંદેશને ગોળી વાગી છે એ માહિતી મળ્યા બાદ પરિવારે અન્નનો એક દાણો પણ મોંમાં નાખ્યો નહોતો. તે મૃત્યુ પામ્યો એના થોડા વખત બાદ સંદેશનાં માતા-પિતાને જાણ કરવામાં આવી હતી.’ આઠ મહિના પહેલાં જ સંદેશ આ બૅન્કમાં કામે લાગ્યો હતો એમ જણાવીને જયેશે કહ્યું હતું કે ‘સંદેશ પહેલાં મુંબઈની એક ઑફિસમાં ઑફિસ બૉય તરીકે કામ કરતો હતો. લૉકડાઉનમાં તેની એ જૉબ જતી રહી હતી એટલે તે ચિંતામાં રહેતો હતો. અનેક પ્રયાસો બાદ તેને દહિસરની આ ઑફિસમાં કામ મળ્યું હોવાથી તે ખૂબ ખુશ હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોવાથી સંદેશ ફક્ત બારમા ધોરણ સુધી ભણી શક્યો હતો. સંદેશ વિરારમાં તેના મોટા ભાઈ સાથે રહેતો હતો, જ્યારે તેનાં માતા-પિતા ખેતીનું કામ કરતાં હોવાથી રત્નાગિરિમાં રહેતાં હતાં.’
મે મહિનામાં તેનાં લગ્ન થવાનાં હતાં એમ જણાવીને જયેશે કહ્યું હતું કે ‘સંદેશને નોકરી મળી ગઈ હોવાથી તેનાં માતા-પિતાએ છોકરી જોવાની શરૂઆત કરી દીધી હતી અને એક છોકરી પસંદ કરી હતી. નવા વર્ષમાં એની જાહેરાત કરીને મે મહિનામાં તેનાં લગ્ન કરવાનાં હતાં. જોકે લગ્નનું સપનું પૂરું થાય એ પહેલાં જ તેના મૃત્યુના સમચાર માતા-પિતાને મળતાં તેઓ લથડી પડ્યાં છે.’ 
બૅન્કમાં સુરક્ષા કર્મચારી નહોતો એમ જણાવીને જયેશે કહ્યું હતું કે ‘બે લૂંટારાઓ બૅન્કમાં સીધા અંદર ઘૂસી ગયા હતા એ સીસીટીવી કૅમેરાના ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. એ વખતે સંદેશ તેમને પૂછવા આગળ આવ્યો ત્યારે તે લૂંટારાની ગોળીનો શિકાર બન્યો હતો. સુરક્ષા કર્મચારી હોત તો સંદેશનો જીવ ગયો ન હોત અને લૂંટારાઓએ અંદર ઘૂસવાની હિંમત કરી ન હોત.’

mumbai mumbai news dahisar preeti khuman-thakur