વધારે વ્યાજની લાલચમાં મુદ્દલ પણ ગુમાવી

21 May, 2023 11:14 AM IST  |  Mumbai | Mehul Jethva

પૅરૅલિસિસથી પીડાતા પિતાના ઇલાજ અને ઇમર્જન્સી ઉપયોગ માટે રાખેલા પૈસા ફિક્સ્ડ ડિપો​ઝિટ કરી વર્ષે ૧૨ ટકા વ્યાજ આપવાની લાલચ આપીને પુત્ર સાથે ગઠિયાએ કરી ૯.૩૩ લાખ રૂપિયાની છેતરપિંડી : આવી જ રીતે એક મહિલાને પણ તેણે ફસાવી હતી

પ્રતીકાત્મક તસવીર

દહિસરમાં રહેતા ૩૨ વર્ષના એક યુવાને વર્ષોથી ભેગી કરેલી પોતાની મૂડી પૅરૅલિસિસથી પીડાતા પિતાના ઇલાજ અને ઇમર્જન્સી ઉપયોગ માટે રાખી હતી. એને એફડીમાં મૂકી વર્ષે ૧૨ ટકા વ્યાજની લાલચ આપીને એક ગઠિયાએ પડાવી લીધી હતી. આ યુવાને એન્જલ બ્રોકિંગના કસ્ટમર કૅર વિભાગમાં એફડી વિશેની માહિતી માગી ત્યારે આવી કોઈ પ્રોડક્ટ ન હોવાની તેને જાણ થઈ હતી. તેણે આ ઘટનાની ફરિયાદ એમએચબી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

દહિસર-ઈસ્ટના સુયોગનગરમાં સંત મીરાબાઈ રોડ વિસ્તાર નજીક રહેતા ૩૨ વર્ષના રાજેશ જવાહરલાલ દવેએ કરેલી ફરિયાદ અનુસાર ૨૦૨૧માં તેના એક મિત્રની મદદથી ધાર્મિક જયેશ પટેલ નામના એક યુવાન સાથે તેની ઓળખાણ થઈ હતી. ધાર્મિકે પોતે એન્જલ બ્રોકિંગ કંપનીનો સબ-બ્રોકર હોવાની માહિતી આપી શૅરમાર્કેટમાં ઇન્વેસ્ટ કરીને સારા પૈસા કમાવાની લાલચ આપી હતી, પરંતુ રાજેશે એમાં વધુ ઇન્ટરેસ્ટ ન લેતાં ધાર્મિકે એન્જલ વન બ્રોકિંગ કંપનીમાં ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે એમાં વર્ષે ૧૨ ટકા રિટર્ન આપવામાં આવે છે એવી માહિતી આપી હતી. એમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર થતાં રાજેશે વર્ષોથી ભેગા કરેલા ૯.૩૩ લાખ રૂપિયા ધાર્મિકને ચેક દ્વારા આપ્યા હતા. રાજેશને વધુ વિશ્વાસ બેસે એ માટે થોડા દિવસ બાદ એન્જલ બ્રોકિંગ કંપનીના નામે સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું, જેમાં ૯.૩૩ લાખ રૂપિયાના એક વર્ષ બાદ ૧૦,૪૪,૯૬૦ રૂપિયા આપવામાં આવશે એમ લખવામાં આવ્યું હતું. મૅચ્યોરિટી થઈ ગયા બાદ રાજેશે પોતાના પૈસા પાછા લેવા માટે ધાર્મિકનો સંપર્ક કરતાં તેણે કોઈ ધ્યાન આપ્યું નહોતું. અંતે રાજેશે એન્જલ બ્રોકિંગના કસ્ટમર કૅર વિભાગમાં સંપર્ક કર્યો ત્યારે આવી કોઈ પ્રોડક્ટ ન હોવાની માહિતી તેને મળી હતી. ત્યાર બાદ તેણે એમએચબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી ધાર્મિક વિરુદ્ધ આવી જ એક ફરિયાદ કાયરા મિનુ ફિટર નામની મહિલાએ કરી હતી, જેની સાથે તેણે ૩૬ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આમ કુલ ૪૫.૩૩ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ એમએચબી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

રાજેશ દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પિતાને પૅરૅલિસિસ થયો હોવાથી તેઓ ઘરે જ રહે છે. તેમનું હાર્ટ માત્ર દસ ટકા જ કામ કરતું હોવાથી તેમની સાથે કોઈ એક જણ ઘરે જોઈએ. એને કારણે મારી નોકરી પણ છૂટી ગઈ હતી. મારી પાસે વર્ષોથી ભેગા કરેલા પૈસા હતા જે મેં ધાર્મિકને ઇન્વેસ્ટ કરવા માટે આપ્યા હતા. ત્યાર બાદ પિતાને હૉસ્પિટલમાં ઇલાજ માટે ઍડ્મિટ કરવામાં આવતાં મને પૈસાની જરૂર હતી એટલે મેં મારા પૈસા પાછા મેળવવાની કોશિશ કરી હતી, પરંતુ ધાર્મિકે કોઈ જવાબ આપ્યો નહોતો એટલે મને શંકા ગઈ હતી. મેં એન્જલ બ્રોકિંગમાંથી વધુ માહિતી મેળવી ત્યારે તેમની પાસે એફડી કરવા માટે કોઈ પ્રોડક્ટ જ નથી એમ જાણવા મળ્યું હતું.’

એમએચબી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શીતલકુમાર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સામે ૪૫.૩૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અમે નોંધી છે. જોકે હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. ટે​​ક્નિકલ માહિતીઓ મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news dahisar mumbai police mehul jethva